Abtak Media Google News

કાલાવડમાં ૩૬ કલાકમાં ૧૫ ઈંચ, ધ્રોલ તાલુકામાં ૭, નિકાવા-૭, ભાણવડ-૪, મોટા ખડબા, ડબાસંગ-૨.૫ ઈંચ, મોડપર, પડાણા, પીપરટોડા-૨ ઈંચ

વર્તુ-૨ના ૧૨ દરવાજા ત્રણ ફૂટ, ઉંડ-૧ના ૭ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા

નવાગામ ઘેડમાં પાંચ વર્ષનો બાળક પૂરમાં તણાયાની શંકા

જામનગર જિલ્લામાં મેઘરાજાએ કૃપા વરસાવતા છેલ્લા ર૪ કલાકમાં પાણીથી તરબતર કરી દીધા છે.  જિલ્લાના મોટાભાગના નાના-મોટા ડેમ ઓવરફ્લો થયા છે અને છેલ્લા ર૪ કલાકમાં પાંચથી ૧પ ઈંચ જેવો વરસાદ અલગ અલગ તાલુકામાં નોંધાયો છે..

જામનગર શહેર તેમજ જિલ્લા માં ગઈકાલથી વરસાદ શરૂ થયેલો છે જામનગર શહેરમાં છેલ્લા ર૪ કલાકમાં સાત ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં વરસાદના કારણે મુખ્યમાર્ગો તેમજ શેરી-ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતાં. રામેશ્વરનગર વિસ્તાર, કાલાવડ નાકા બહારના વિસ્તારમાં પાણી ભરાઈ જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. નવાગામ ઘેડ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતાં આ વિસ્તારનો પાંચ વર્ષનો એક બાળક પાણીમાં ડૂબી જઈને દરિયા તરફના વહેણાં તણાઈ ગયો હોવાની આશંકા છે. જો કે તરવૈયાઓ દ્વારા આ બાળકની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

ગઈકાલે આખો દિવસ વરસાદ પડયો તેમાં થોડી થોડી વારે એકદમ ભારે પવન સાથે મુશળધાર પડતાં અને એનક વિસ્તારોમાં વિજ પૂરવઠો બંધ હોવાથી સાંજે અને રાત્રે ભેંકાર વાતાવરણ છવાઈ ગયું હતું. જો કે છેલ્લા એક મહિનાની ભારે ગરમી અને અકળાવી મુકતા બફારામાં વરસાદના કારણે ઠંડક પ્રસરતાં લોકોમાં રાહત ફેલાઈ હતી. શહેરની મધ્યમાં આવેલ લાખોટા તળાવમાં પાણી આવક ચાલુ થઈ છે. જ્યારે રંગમતિ-નાગમતિ નદીમાં ઘોડાપૂર આવતાં બેઠાપૂલ પરથી પાણી વહેતાં થયા હતાં. આ ઉપરાંત રણજીતસાગર તરફ જવાના માર્ગ પરના પૂલ પર પણ પાણી ફરી વળતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.

ભાણવડમાં છેલ્લા ૧ર કલાકમાં ૬ ઈંચ વરસાદ પડ્યા પછી સવારે ૧ર વાગ્યા સુધીમાં વધુ ૪ ઈંચ વરસાદ પડ્યો છે. ભાણવડ તાલુકાન વર્તુ-ર ડેમ છલકાવાની તૈયારીમાં છે. ભાણવડ પંકમાં નદી-નાળા છલકાઈ ગયા છે અને ખેતરો પાણીથી તરબતર થઈ ગયા છે. વર્તુ-ર ડેમના ૧ર દરવાજા સાવચેતી ખાતર ત્રણ ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. ભાણવડ તાલુકાની અન્ય સિંચાઈ યોજનાના ડેમોમાં પણ પાણીની ધીંગી આવક ચાલું છે. ભાણવડની ફલકુ નદીમાં ઘોડાપુર આવતા બે કાંઠે વહેતી થઈ છે.

ધ્રોળ તાલુકામાં પ થી ૭ ઈંચ વરસાદ પડતા તાલુકાના તમામ ગામડાઓમાં નદી-વોંકળાઓમાં પાણીની ભરપૂર આવક ઈ હતી. ઊંડ-૧ ડેમ ઓવરફ્લો થતાં ડેમના ૭ દરવાજા ત્રણ ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. કાલાવડ તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપના દર્શન કરાવયા હતાં અને છેલ્લા ૩૬ કલાકમાં ૧પ ઈંચ જેવો વરસાદ પડ્યો છે. કાલાવડ તાલુકાના નિકાવામાં ૭ ઈંચ વરસાદ પડ્યો હતો. ઊંડ-૪ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. નિકાવા ઉપરાંત બેડિયા, રાજડા, આણંદપર, પાતા મેઘપર વગેરે ગામોમાં પણ સારો વરસાદ પડ્યો છે.લાલપુર તાલુકામાં પીપરટોડામાં બે ઈંચ, પડાણામાં બે ઈંચ, ભણગોરમાં એક ઈંચ, મોટા ખડબામાં અઢી ઈંચ, મોડપરમાં બે ઈંચ, ડબાસંગમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે.

જોડિયામાં નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક

જોડિયામાં નાની વાસ, મોટી વાસ, દેવીપૂજકની વાડી વિગેરે વિસ્તારોમાં ઉંડ ડેમનું પાણી છોડાયા પછી પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. જોડિયાના મહિલા સરપંચ નયનાબેન અશોકભાઈ વર્મા તથા ગ્રામજનોએ આ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કર્યા હતાં. જોડિયાના સરપંચ તેમજ શેઠ કાકુભાઈ થી હુન્નર ઉદ્યોગશાળાના ટ્રસ્ટી અશોકભાઈ વર્મા દ્વારા આ તમામ લોકોને ત્રણ ટાઈમ ભોજન આપવામાં આવ્યું હતું.

ભારે વરસાદના કારણે જિલ્લામાં કેટલાક માર્ગો બંધ કરાયા

ભારે વરસાદ થતા કેટલાક માર્ગો પરથી પાણીનો પ્રવાહ જઈ રહ્યો હોવાથી તેમાં જ કેટલાક માર્ગો તૂટી ગયા હોવાથી હાલ પૂરતું બંધ કરાયા છે.

જોડિયા તાલુકામાં જોડિયાથી જાંબુડા પાટિયા હાઈવે ભારે વરસાદના કારણે નુકસાની થતા હાલ બંધ કરવામાં આવેલ છે. લાલપુર તાલુકામાં પોરબંદર – લાલપુર – જામનગર હાઈવે વચ્ચે લાલપુર ગામે આવતી ઢાંઢર નદી ઓવરફલો થતા લાલપુર ગામમાંથી પસાર થતો હાઈવે હાલ બંધ છે. વૈકલ્પિક ધોરણે લાલપુર બાયપાસ ચાલુ છે. જામનગર શહેર તાલુકામાં લાલપુર બાયપાસ નજીક આવેલ જામનગર-સમાણા હાઈવે પણ હાલ બંધ છે.

જિલ્લામાં ભારે વરસાદથી ૪૭૭ વ્યકિતઓનું સ્થળાંતર

ધ્રાંગડામાં વાડીમાં ફસાયેલા પાંચને બચાવી લેવાયા: કાલાવડના નાની વાવડીમાં પૂરમાં એક તણાયો

Matter 3 3

જામનગર જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાંથી જિલ્લામાં ૪૭૭ વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં કાલાવડ તાલુકાના નાની વાવડી ગામની એક વ્યક્તિ નદીના પૂરમાં તણાઈ ગઈ હોવાનું જાણવા મળતા તરવૈયાઓની મદદથી તેની શોધખોળ ચાલુ છે. કાલાવડ તાલુકાના નિકાવા ગામના ૬પ વ્યક્તિઓ કાલાવડ શહેરના ૩૦ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.

Matter 3 9

જામનગર તાલુકાના ધ્રાંગડા ગામની પાંચ વ્યક્તિઓ વાડી વિસ્તારમાં ફસાઈ ગઈ હતી. તેમનેસ્થાનિક તરવૈયાની મદદથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં, જ્યારે વાગડિયા ગામના ૧૧ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. ચેલા ગામના પ૦ લોકોને સી.ટી.સી. કોલેજમાં ફાયરબ્રિગેડની મદદથી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતાં.

જોડિયા તાલુકામાં બાદનપર ગામના નવ તથા જોડિયાના ૬૦ વ્યક્તિઓને સલામત સ્થળે લઈ જવા એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે જોડિયાના ૩૦પ વ્યક્તિઓને સલામત સ્થળે લઈ જવાયા છે. ધ્રોળ તાલુકામાં નુ વડલા વાડી વિસ્તારની બે વ્યક્તિઓનું એન.ડી.આર.એફ.ની ટીમે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતાં. આમ જિલ્લામાં કુલ ૪૭૭ વ્યક્તિઓને બચાવી તેમનું સલામત સ્થળે સ્થળાંતરિત કરાયું છે.

લાખોટામાં નવા નીરથી લોકોમાં હરખની હેલી

Matter 8 2

જામનગરની શાન સમુ લાખોટા તળાવ રજવાડી ધરોહર છે અને તેની અદ્ભુત ડિઝાઈનના કારણે તે લોકપ્રિય છે. તળાવમાં આવેલો ઘડિયાળી કૂવો દેખાતો બંધ થયો છે અને તળાવમાં નવા નીરનો વિપુલ જથ્થો આવતા નગરજનોમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે. લાખોટા તળાવના કારણે નગરના ડંકી-બોર-કૂવામાં બારેમાસ ભૂગર્ભ જળ જળવાઈ રહેતું હોવાથી લાખોટા તળાવ ભરાઈ જાય એટલે લગભગ આખા વર્ષની નિરાંત થઈ જતી હોય છે. ઘડિયાળી કૂવાની જળસમાધિ પછીનું લાખોટા તળાવમાં હિલોળા મારતું પાણી નગરજનોના દિલોદિમાગને ઠંડક પહોંચાડી રહ્યાં છે.

નગરને પીવાનું પાણી પૂરૂ પાડતો રણજીત સાગર ઓવરફ્લો થતા લોકોમાં આનંદ

Ranjit

હાલાર પર મેઘો મહેરબાન થયો હોય તેમ અવિરત વરસાદ પડતા જળાશયો ભરાઈ ગયા છે અને લોકોમાં આનંદ-આનંદ છવાયો છે. લોકો હર્ષભેર જળાશયો નિહાળવા ઉમટી રહ્યા છે. જામનગરની જીવાદોરી સમો રણીતસાગર ડેમ ગઈકાલે રકાત્રે ૯-પ૦ વાગ્યે ઓવરફ્લો થયો હતો. નગરને પીવાનું પાણી પૂરૂ પાડતો સાગર છલકાઈ જતા નગરજનોમાં હર્ષની હેલી જોવા મળી રહી છે. અંદાજે ર૭ હજાર ફૂટ ઊંડાઈ ધરાવતો ૭૮.૭ર આર.એલ.નો રણજીતસાગર ડેમ ૯૮૭ એસ.સી.એફ.ટી. જળસંગ્રહ કરી શકે છે. આ ડેમ છલકાઈ જતા નયનરમ્ય દૃશ્યો પણ સર્જાયા છે. નગરમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અને આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. આ નયનરમ્ય દૃશ્યોથી આંખોને ઠંડક પહોંચે છે. રણજીતસાગર છલકાયો હોવાના અહેવાલો આજે સવારથી જ ’ટોક ઓફ ધ ટાઉન’ બન્યા છે અને અંતરની ઊર્મિઓને રોમાંચિત કરે તેવો માહોલ રણજીતસાગર ડેમની તસ્વીરમાં જોવા મળેછે.

બેડ ગામની સસોઈ નદીમાં ઘોડાપૂર

જામનગર તાલુકાના બેડ ગામની સસોઈ નદીમાં ઘોડાપૂર આવતા નદી બે કાંઠે વ્હેતી થઈ છે. સસોઈ ડેમ ઓવરફલો થતા સસોઈ નદીમાં પાણીની જોરદાર આવક થતા નદી-દરિયાના પાણી એકસમાન થઈ ગયા છે. આ વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતાં અનેક નાના વૃક્ષો ધરાશાયી થયા હતાં અને કાચા મકાન પરના છાપરાંઓ ઉડી ગયા હતાં. જો કે, કોઈ જાનમાલની નુકસાનીના અહેવાલ નથી. બેડ ગ્રામ પંચાયતે ગામ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

સિંચાઈ વિભાગ હેઠળના તમામ ડેમ ઓવરફલો

જામનગર જિલ્લામાં તમામ તાલુકાઓ – ગ્રામ્ય પંકમાં સાર્વત્રિક વરસાદ પડતાં પંચાયત સિંચાઈ વિભાગ હસ્તકના તમામ ચોવીસ ડેમ ઓવરફલો થઈ ગયા છે. પંચાયત સિંચાઈ વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે કાલાવડ તાલુકામાં બાલંભડી ડેમ, ઉમરાળા ડેમ, લલોઈ ડેમ, પાંચદેવડા ડેમ, નાની ભલસાણ ડેમ, મછલીવડ ડેમ ઓવરફલો થયા છે. જામનગર તાલુકાનો જગેડી ડેમ (જગા ગામ) ઓવરફલો થયો છે. લાલપુર તાલુકામાં પીપરટોડા, ખડખંભાળીયા, ડબાસંગ, રીંજલપર, ચોરબેડી, નવી વેરાવળ, ગોવાણ ગામના ડેમ છલોછલ ભરાઈ ગયા છે. જામજોધપુર તાલુકામાં વરસાદની કૃપાી વનાણા, ગીંગણી, શેઠવડાળા, બમીયા, સોગઠી, સંગ ચીરોડીયા, બમીયા-ર ડેમો ઓવરફલો થઈ ગયા છે. જ્યારે ધ્રોલ તાલુકામાં હમાપર, ડાગરા, ગઢડા ડેમ પણ ઓવરફલો થયો છે.

ગાંધીનગરમાં વ્હેણમાં તણાયેલા બાળકની શોધખોળ ચાલુ

જામનગરના ગાંધીનગર વિસ્તાર પાછળની પસાાર થતાં રંગમતી નાગમતી નદીના વ્હેણમાં આજે સવારે પાંચેક વર્ષનો બાળક તણાયો છે. તેને શોધવા માટે ફાયર બ્રિગેડના તરવૈયાઓ ગળાડૂબ પાણીમાં વલખાં મારી રહ્યાં છે. તેમ છતાં બપોર સુધી આ બાળકની ભાળ મળી નથી. જામનગર શહેરમાં ગઈકાલથી વરસી રહેલી અવિરત મેઘમહેર આજે સવારે બે-ત્રણ કલાકના વિરામ પછી ફરીથી શરૂ થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે પણ શહેરમાં ભારે વરસાદ પડવા ઉપરાંત ઉપરવાસના વરસાના કારણે રણજિતસાગર સહિતના ડેમો ઓવરફ્લો થતાં રંગમતી-નાગમતી નદીમાં પાણીનો જોશભેર ધોધ વહી રહ્યો છે. જેના કારણે નવાગામ ઘેડી માંડી ગાંધીનગરની પાછળના ભાગમાં પસાર થતું આ નદીઓનું  વ્હેણ બન્ને કાંઠે પસાર થઈ રહ્યું છે. ફાયરના જવાનો આ બાળકને શોધી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.