Abtak Media Google News

માનવદેહને સાર્થક કરવામાં જીવન પથદર્શક ગ્રંથ એટલે શીક્ષાપત્રી

ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા લખાયેલી શિક્ષાપત્રી એ સર્વ શાસ્ત્રોનો દોહનરૂપ સાર છે એટલે કે ગાગરમાં સાગરને સમાવિષ્ટ કર્યો છે. ૧૮૮૨માં મહા સુદી પંચમી અર્થાત્ વસંત પંચમીના પવિત્ર દિવસે આલેખાયેલી શિક્ષાપત્રીમાં ૨૧૨ શ્લોક છે. પ્રત્યેક શ્લોક (આજ્ઞા) માનવ જીવન માટે શ્રેષ્ઠ પથદર્શક છે. આ ગ્રંથના એક એક શ્લોક મોક્ષમાર્ગના પગથિયાં છે.

બસો બાર શ્લોકના આ નાનકડા ગ્રંથમાં અનેક આજ્ઞાઓ છે. એક એક આજ્ઞા આપણને પ્રાપ્ત થયેલા અમુલ્ય માનવ દેહને સાર્થક કરવા માટે જ જાણે ભગવાન શ્રી સ્વામિનારાયણે લખી હોય એટલી શ્રેષ્ઠ આજ્ઞાઓ છે. આ આજ્ઞાઓ ને અનુસરવાથી આલોક તથા પર લોક બંનેમા મહાસુખ પ્રાપ્ત થાય છે. શિક્ષાપત્રી એ ઉપદેશ કરનાર નહીં પરંતુ પરમ શ્રેયસ્કર આશીર્વાદથી ભરેલું શાસ્ત્ર છે. આ ગ્રંથના આધારે કહીં શકાય કે ભગવાન શ્રી સ્વામિનારાયણનો મુખ્ય ધ્યેય મનુષ્યને સદાચારી તરીકે માનવ જીવન જીવી આધ્યાત્મિકતા તરફ ગતિ કરાવવી.

આ ગ્રંથના સાતમા શ્લોકમાં જ ગ્રંથ લખવાનું કારણ અને અદ્વિતીય આજ્ઞા છે, ” સર્વજીવહિતાવહ”. આ એક આજ્ઞામાં જ ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવ પ્રાણી માત્ર પ્રત્યેના કલ્યાણના ભાવનું દર્શન થાય છે; જીણા એવા જુ, માંકડ આદિક જીવની પણ હિંસા ન કરવી ; દીનજનને વિષે દયાવાન થવું; રોગાર્તની સેવા કરવી: વગેરે આજ્ઞાઓ ’વસુધૈવ કુટુંબકમ્’ નો સંદેશો આપે છે.

સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ આવા આધુનિક યુગમાં ચલાવવી પડે છે ત્યારે સ્વામિનારાયણ ભગવાને ૧૯૨ વર્ષ પહેલા આજ્ઞા કરેલી છે કે લોક ને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યા એવા સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી-તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષ ની છાયા તથા ફૂલવાડી, બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિષે ક્યારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂંકવુ પણ નહીં. આટલી નાની નાની વાતો ધ્યાનમાં રાખીને આ શ્રેષ્ઠ ગ્રંથ મનુષ્ય માત્ર ને ભેટમાં આપ્યો છે.

બધા જ ધર્મ કે પરંપરા ને શ્રેષ્ઠતા આપતા ગ્રંથકર્તા કહે છે નારાયણ (વિષ્ણુ) અને શિવજી એ બેનું એકાત્માપણું જ જાણવું ; કેમ જે વેદને વિષે એ બેયનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે, તથા વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતિ અને સૂર્ય એ પાંચદેવને પૂજ્યપણે કરીને માનવા, વગેરે આજ્ઞાઓ ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વધર્મ સમભાવનાના સંદેશને ઉજાગર કરે છે.

શિક્ષાપત્રીમાં આચાર્યો, રાજાઓ, ગૃહસ્થ તથા ત્યાગીઓના વિશેષ ધર્મો વિસ્તૃત રીતે આલેખ્યા છે.

સર્વ દાનમાં વિદ્યાદાન શ્રેષ્ઠ છે અને વિદ્યાથી  જ્ઞાનથી જ મનુષ્યને અભયદાન અનાયાસે પ્રાપ્ત થાય છે. શિક્ષાપત્રીના ૧૩૨ માં શ્લોકમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવી સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી.

અહીં ન માત્ર વિદ્યા પરંતુ સદ્વિદ્યા શબ્દ પ્રયોગ છે જેનો અર્થ છે સંસ્કારે યુક્ત વિદ્યા. જેમાં માણસનું ભણતર સાથે ગણતર થાય અને સાથોસાથ આધ્યાત્મિક વિકાસ પણ એટલો જ થાય. જેનાંથી ન માત્ર વ્યક્તિગત જીવન પણ પરિવાર અને સમાજજીવન પણ સુખી અને સમૃદ્ધ બને અને રાષ્ટ્રને સારા નાગરિકો મળે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.