રાજસ્થાન સરકારની ખાનગી ક્ષેત્રમાં ૭૫ ટકા અનામતની યોજના

141

મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ખાનગી ક્ષેત્રે અનામતની યોજના લાગુ કરવાનો ગેહલોત સરકારનો નિર્ણય

રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે સ્થાનિક લોકોને ખાનગી ક્ષેત્રમાં ૭૫ ટકા અનામત આપવાની તૈયારીમાં છે. રાજય સરકારે આ અંગે ભારતીય ઉધોગ પરિસંઘ, શ્રમ વિભાગ અને રાજસ્થાન કૌશલ તથા આજીવિકા વિકાસ નિગમ એટલે કે આરએસએલડીસી પાસે સલાહ માંગી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજસ્થાનનાં સ્થાનિક લોકોને ખાનગી ક્ષેત્રમાં ત્રણ ચતુર્થાશ અનામત આપવાનું વિચારી રહી છે અને જો એવું થાય છે તો રાજયમાં તમામ ખાનગી કંપનીઓમાં બહારનાં રાજયમાંથી આવેલા લોકો માત્ર ૨૫ ટકા લોકો જ કામ કરી શકશે. આ અગાઉ આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ પણ સ્થાનિક અનામતની પહેલ કરી ચુકયા છે. હવે રાજસ્થાનમાંથી બેરોજગારીની સમસ્યાને દુર કરવા અને સ્થાનિય ટેલેન્ટને બહાર લાવવા માટે ગેહલોત સરકાર આ પ્રસ્તાવ લાવી રહી છે.

મળતી માહિતી મુજબ ગુરુવાર ૧૯ સપ્ટેમ્બરે આ અંગે આરએસએલડીસીમાં બેઠક કરી ચર્ચા કરાશે. જેમાં ત્રણે સંસ્થાનોનાં ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહેશે. રાજસ્થાનની બધી ઔધોગિક કંપની, ફેકટરીઓ, સંયુકત ઉદ્યમ અને સાર્વજનિક ખાનગી ફર્મમાં પણ અનામત લાગુ કરાશે. તેનાં માટે રાજસ્થાનનાં યુવાઓને કંપનીઓની જરૂરત પ્રમાણે ટ્રેનિંગ પણ અપાશે જેથી તેમને નોકરીનો લાભ મળે. જોકે રાજસ્થાનનું ઉધોગ સંગઠન આ સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે, માત્ર નવા ઉધોગ પર જ આ અનામત લાગુ કરાય કેમ કે જુના ઉધોગોમાં આ અનામત લાગુ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જુના ઉધોગોમાં લગભગ અડધાથી પણ વધારે કર્મચારીઓ અન્ય રાજયોનાં છે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન આવુ કરનાર પ્રથમ રાજય નથી. અગાઉ એમપી અને આંધ્રપ્રદેશમાં પણ આ અનામત લાગુ કરાયું છે. મધ્યપ્રદેશમાં સ્થાનિક લોકોને ૭૦ ટકા જયારે આંધ્રપ્રદેશમાં ૭૫ ટકા અનામત મળ્યું છે. આ ઉપરાંત તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં પણ લાંબા સમયથી સ્થાનિકોને નોકરીમાં અનામતની માંગ ઉઠી રહી છે.

Loading...