Abtak Media Google News

વિદ્યાર્થીઓને શરતોને આધીન પ્રવેશ આપવામાં આવશે: બોયઝ હોસ્ટેલમાં એક રૂમમાં બે જ વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા, બાકીના વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ શિફટ કરાશે

એકબાજુ કોરોનાની મહામારી અને બીજીબાજુ રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓએ પરીક્ષાની તારીખો જાહેર કરી છે. જો કે, કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગઈકાલે પરીક્ષાની તારીખો પાછી ઠેલવાય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા.૨૫મી જૂનથી પરીક્ષા લેવાશે તેવું નક્કી કરાયું છે. જો કે, મોટાભાગના વિદ્યાર્થીઓ બહારગામ રહેતા હોય લોકડાઉનના પ્રથમ દિવસ જ હોસ્ટેલો ખાલી કરાવાતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા. જો કે, વિદ્યાર્થીને રહેવાની સુવિધા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આગામી ૫મી જૂનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચાર ગર્લ્સ હોસ્ટેલ અને ચાર બોયઝ હોસ્ટેલ ફરીથી ધમધમતી થશે.

મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાર ગર્લ્સ હોસ્ટેલ અને ચાર બોયઝ હોસ્ટેલ આવેલ છે. લોકડાઉનના કારણે ૨૦ માર્ચથી જ આ આઠેય હોસ્ટેલો ખાલી કરાવી દેવામાં આવી હતી. જો કે, યુજી સેમ-૬ અને પીજીની તમામ પરીક્ષાઓ લેવાની હોય ત્યારે વિદ્યાર્થીઓને બહારગામથી આવવા મુશ્કેલી ન પડે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી ૫મી જૂન એટલે કે, શુક્રવારથી યુનિવર્સિટીની આઠેય હોસ્ટેલો ફરીથી ધમધમતી થશે. આજથી જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આઠેય હોસ્ટેલોને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

શુક્રવારથી જ્યારે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પ્રવેસશે ત્યારે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં એક રૂમમાં ફકત બે જ વિદ્યાર્થીને રહેવાની છુટ આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક અને સેનેટાઈઝનો ઉપયોગ કરવાનો રહેશે અને એક પણ વિદ્યાર્થીને હોસ્ટેલની બહાર જવા દેવામાં નહીં આવે. વિદ્યાર્થીઓને ખાવા, પીવાની તમામ સુવિધાઓ હોસ્ટેલમાં જ મળી રહેશે.

વિદ્યાર્થીઓ સરળતાપૂર્વક પરીક્ષા આપી શકે અને બહારગામથી અહીં ધક્કો ન થાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોસ્ટેલના કર્મચારીઓ દ્વારા હોસ્ટેલને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી છે. જો કે બીજીબાજુ વાત કરીએ તો રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓએ પરીક્ષાની તારીખ પાછી ઠેલવી છે. અમદાવાદ, સુરત અને બરોડામાં કોરોનાનું સંક્રમણ વધારે હોય જેથી આ પરીક્ષા પાછી ઠેલવાય છે જો કે સૌરાષ્ટ્રમાં બીજા શહેરો કરતા કોરોનાનું સંક્રમણ ઓછુ છે. જેથી હાલ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પાછી ઠેલાય તેવા કોઈ સંકેતો દેખાતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.