ઈન્કમટેક્સ સીઆઈટી રાજકોટ રેન્જમાં ૬૫૧૦ કેસો અપીલમાં ‘પેન્ડિંગ’

42

પડતર કેસોની સામે ‘ડિસ્પ્યુટેડ ડિમાન્ડ’ ૨૦૦૦ કરોડથી વધુની: વિવાદ સે વિશ્ર્વાસ યોજનાની અમલવારી પહેલા ચકાસણીની કામગીરી ચાલુ

ઈન્કમટેક્ષ અપીલેટ ટ્રીબ્યુનલ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ તથા કલમ ૨૬૪ અનુસાર કરદાતાઓ અને ડિપાર્ટમેન્ટની અપીલ અનેક ગણી

સમગ્ર દેશમાં જે રીતે આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સરકાર દ્વારા જે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. તેનાથી ઘણા ખરા અંશે આ દેશની આર્થિક સંકળામણ દૂર થશે તેવું લાગે છે. નાણા મંત્રાલય દ્વારા દેશને પુરતા નાણા મળી રહે તે હેતુસર અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓને અમલી બનાવવામાં આવી છે. ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ તથા સેન્ટ્રલ બોર્ડ ઈન્ડાયરેકટ ટેકસીસમાં ઘણી ખરી નવી યોજનાઓને અમલી બનાવવામાં આવી છે. ત્યારે નાણા મંત્રાલયે સીબીડીટી હેઠળ આવકવેરા વિભાગના કરદાતાઓને લાભ મળી રહે તે માટે વિવાદ સે વિશ્ર્વાસ  યોજનાની જાહેરાત ૧લી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ કરવામાં આવી છે. આ યોજના થકી કરદાતાઓના વિવાદીત કેસોનો ત્વરીત નિકાલ કરવા માટે હાલ વિવાદ સે વિશ્ર્વાસ યોજના અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

યુનિયન મિનીસ્ટર અનુરાગ ઠાકુરના જણાવ્યાનુસાર વિવાદ સે વિશ્ર્વાસ યોજના અમલી બનતાની સાથે જ જે પડતર અપીલમાં પડેલા કેસો છે તેમાંથી ઉદ્ભવીત થતી ડિમાન્ડ કરોડો રૂપિયામાં હોવાથી દેશને ઘણો ખરો ફાયદો પહોંચશે. હાલ આ યોજના અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. સાથો સાથ તમામ રાજ્યમાં આવકવેરા વિભાગ તેની રેન્જને લગતી તમામ માહિતી એકત્રીત કરી રહ્યું છે. તેમાં પડતર પ્રશ્ર્નો અને ડિસ્પ્યુટેડ ડિમાન્ડ અંગેની માહિતી પણ એકત્રીત કરી રહ્યું હોય તેવી વાત સામે આવી છે.

આ તકે ઈન્કમટેકસ સીઆઈટી રાજકોટ રેન્જની વાત કરવામાં આવે તો કુલ ૬૫૧૦ કેસો અપીલમાં પેન્ડીંગ છે. જેની સામે ડિસ્પ્યુટેડ ડિમાન્ડ ૨૦૦૦ કરોડથી પણ વધુની છે. આવકવેરા વિભાગના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મુખ્યત્વે અપીલના પડતર કેસો કે જેમાં કરદાતાઓ અને ડિપાર્ટમેન્ટ અપીલમાં ગયેલા હોય તેમાં ઈન્કમટેકસ અપીલેટ ટ્રીબ્યુનલ, હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટનો પણ સમાવેશ થઈ રહ્યો છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ વિવાદ સે વિશ્ર્વાસ યોજનાની માહિતી કરદાતાઓને યોગ્ય રીતે મળી રહે તે હેતુસર જાગૃતતા માટેનો સેમીનાર ટૂંક સમયમાં આયોજીત કરાશે તેવી પણ વાત સામે આવે છે.

Loading...