Abtak Media Google News

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, નરેન્દ્રસિંહ જાડેજા,રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, અરવિંદ રેયાણીની ઉ૫સ્થિતિ

ખેડૂતોના હિતમાં કામ કરતો રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ એશિયાનો સૌથી મોટો સહકારી સંઘ હોય તે ગૌરવની વાત છે. જે ખેડૂતો માટે ખરીદ-વેચાણ-વિતરણ વગેરે કામગીરી સુપેરે કરે છે આ શબ્દો છે રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના.

આ તકે યુવા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાની સહકારી સંસ્થાઑની કામગીરી મજબૂત છે. અમે સહકારી  સંસ્થાઓમાં રાજકારણ ક્યારેય કરતાં નથી અને આ પ્રવૃતિમાં રાજકારણને ઘૂસવા પણ નહિ દઈએ.

શહેરની ભાગોળે ખીરસરા ખાતે શ્રી સાત હનુમાનજી દાદાના સાનિધ્યમાં પ્રકૃતિના ખોળે ખુલ્લા હવામાનમાં વિશાળ સંખ્યામાં સભાસદો, હોદ્દેદારો, સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં શનિવારે સવારે ૬૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં તમામ ઠરાવોને સર્વાનુમતે બહાલી અપાઇ હતી.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે સહકારી સંસ્થાઓએ ખેડૂતોના હિતમાં તેમની જરૂરિયાત મુજબ શું કામગીરી કરી શકાય? તેની યાદી તૈયાર કરીને પરિપૂર્ણ કરવા કામ કરવું જોઈએ. રા.લો.સંઘ શરૂઆતથી આજે જે મુકામ પર પહોંચ્યો છે તે સૌના સાથ-સહકારથી સંભવ બન્યું છે. સંઘ દ્વારા ખેડૂતોના હિતમાં ખરીદ-વેચાણ- વિતરણ સહિતની કામગીરી ખૂબ સારી ચાલી રહી છે વર્ષો સુધી ખેતી સાથે સંકળાયેલા ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે સરકાર જેટલું જ મજબૂત સહકાર ક્ષેત્ર છે. તેમાં ગુજરાતનું માળખું ખૂબ મજબૂત છે. સંઘ, ડેરી, બેંક અને યાર્ડ ખેડૂતો માટે ઘણું કરી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર રાજકોટ શહેર જિલ્લા ઉપર ખૂબ વરસી છે. રા.લો.સંઘ કંઈ પણ નવી વાત લાવશે રાજ્ય સરકાર તેમની સાથે રહેશે.

પ્રસંગે ઉપસ્થિત યુવા કેબિનેટ મંત્રી અને સહકારી ક્ષેત્રનાં ધુરંધર આગેવાન સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાનો સહકારી વારસો સુપેરે નિભાવનાર  જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું કે સવા બે લાખ જેટલા ખેડૂત સભાસદો ધરાવતા અને સમગ્ર એશિયામાં સૌથી મોટું નેટવર્ક ધરાવતા રા.લો. સંઘ ભરોસાના મજબૂત પાયા ઉપર ચાલે છે. લાખો ખેડૂત સભાસદોનો સહકારી માળખાના નેતૃત્વ પર પૂર્ણ ભરોસો છે જેને રાજકોટ જિલ્લાએ તેને સાર્થક કરી બતાવ્યું છે. સંઘના હૈયે ખેડૂત સભાસદોનુ હિત છે. એક એક ખેડૂત સભાસદની ચિંતા કરવામાં આવી છે. કોરોના કાળમાં જ્યારે અન્ય જિલ્લામાં સહકારી માળખું ઓછું થયું છે ત્યારે આપણી જવાબદારી વધી છે. સહકારી ક્ષેત્રનો આ પરિવાર છે જેમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે છે. ખેડૂતોની આ માતૃ સંસ્થા છે. લાખો ખેડૂત સભાસદોનો તેમાં ભરોસો છે અને ખેડૂતોના હિતની વાત સિવાય વચ્ચે નેતૃત્વમાં ક્યાંય રાજકારણ ન આવે. કોરોનાના પડકારરૂપ સમયમાં રાજકોટ જિલ્લા બેંક સહકારી ક્ષેત્રએ તાકાત બતાવી છે. જિલ્લા બેંકે રૂ.૧૩૦ કરોડનો નફો જાળવી રાખ્યો છે અને ખેડૂતોને ખોટ ખાઇને પણ ઝીરો ટકા એ રૂ.૨૫૦૦ કરોડનું ધિરાણ કર્યું છે. ખેડૂતોના આશીર્વાદ એ કુદરતના આશીર્વાદ છે. ખેડૂતોએ જે ભરોસો બતાવી નેતૃત્વ આપ્યું છે તેને ગૌરવપૂર્ણ રીતે સાર્થક કરવાનું છે.

પ્રસંગે રા.લો. સંઘના ચેરમેન  નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે કોઈપણ સહકારી સંસ્થામાં જો સામૂહિક,સહિયારા, ખુલ્લા મને અને ખેલદિલીથી પ્રયાસો થાય તો તેનો વિકાસ કોઈ અવરોધી ન શકે. ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય, તેમની આવક બમણી થાય તેવું લક્ષ્ય છે. આ સંસ્થા ખેડૂતોની ખેવના કરતી સંસ્થા છે. ચેરમેન તો નિમિત્ત માત્ર છે, આ સહકારી સંઘના સભાસદો પાયાના પથ્થર છે.

પ્રસંગે નરેન્દ્ર સિંહે રાજકોટ લોધીકા તાલુકા થી શરૂઆત દ્વારા દરેક ગામડે એક કે બે સારી ઓલાદના નંદી હોય તેવી યોજના પ્રસ્તુત કરી જિલ્લા બેન્ક, રાજકોટ ડેરી રાજ્ય સરકારનાં સંયુક્ત યોગદાનથી ગામડાઓમાં ખેડૂતો અને માલધારીઑની આવક બમણી થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગૌરવપ્રદ નંદીઘર યોજનાને સફળ બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

સાધારણ સભામાં ખાસ ઉપસ્થિત રહી રાજકોટ ડેરીનાં ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા નંદી ઘર યોજનાને સફળ બનાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને સયુકત પ્રયોસા દ્વારા અનેકવિધ સહકારી યોજનાઑ લાભ પશુપાલકો અને ખેડૂતોને મળે તે માટે ની ખાતરી ઉચ્ચારી  હતી .

રા.લો. સંઘના ડિરેક્ટર અને ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ આ પ્રસંગે જણાવ્યું કે સમગ્ર સમાજને સાથે રાખીને સહકારી ક્ષેત્રનો જો કોઈએ વિકાસ કર્યો હોય તો તે વિઠ્ઠલભાઈ રાદડિયા છે. ખેડૂતોના હિતમાં સૌનો હેતુ એક હતો એટલે રા.લો.સંઘના ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. એક ખેડૂતના દિકરા તરીકે મારી પણ જવાબદારી છે કે ખેડૂતો કેવી રીતે વધુને વધુ આગળ આવે. રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે અને ખેડૂતો માટે સરકારમાં સતત રજૂઆતો કરતાં રહીશું.

રાજકોટ ગ્રામ્યનાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ રા. લો સંઘને વધુને વધુ પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી. પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ડિસ્ટ્રિક બેન્કના ડિરેક્ટર બકુલસિંહ જાડેજા વેગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સાધરણ સભામાં બેન્કના વાઈસ ચેરમેન સંજયભાઈ અમરેલીયા ડિરેકટર સર્વ ભાનુભાઈ મેહતા,મુકેશભાઈ કામાણી, વિજયભાઈ સખિયા, ભીમભાઈ કલોલા, હરિભાઇ અજાણી, રામભાઇ જળુ, ગૌરવસિંહ જાડેજા, હંસરાજભાઈ પટેલ, નરેન્દ્રભાઈ ભૂવા, ભૂપેન્દ્રસિંહ જાડેજા, મનસુખભાઈ સરધારા, લક્ષ્મણભાઈ સિંઘવ, કાનજીભાઈ ખાપરા,નાથભાઈ સોરાણી, અર્જનભાઈ રૈયાણી સહકરી મંડળીના પ્રમુખશ્રીઓ , મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભાના આયોજનમાં જનરલ મેનેજર નિર્મળ ચાવડા, મનોજભાઇ, ધર્મિષ્ઠાબેન , મૌલીક પટેલ વેગેરે જહેમત ઉઠાવી.

અકસ્માત વીમો પ લાખથી વધારીને ૬ લાખ કરાયો

ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ વાર્ષિક સાધારણ સભામાં જાહેરાત કરી કે સંઘ દ્વારા ખેડૂતોને અત્યાર સુધી પ લાખનો જે અકસ્માત વીમો આપવામાં આવતો હતો તે આ વર્ષે ૬ લાખ કરવામાં આવ્યો છે અને આવતા વર્ષે તે ૧૦ લાખ કરવાનું લક્ષ્ય છે. સાધારણ સભામાં બે ખેડૂત પરિવારના વારસદારોને રૂપિયા ૬ લાખનો અકસ્માત વીમાનો ચેક સોંપવામાં આવ્યો હતો.

પ્રગતિશીલ ખેડૂતને અપાશે રોકડ ઇનામ અને એવોર્ડ

સાધારણ સભા દરમિયાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ વધુ એક જાહેરાત કરી કે સભાસદ પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ખેતીમાં કંઈક નવું સંશોધન કે નવી દિશા આપતી કામગીરી કરનાર કોઈ એક ખેડૂતને દર વર્ષેરૂ.૧૧ હજારનો રોકડ પુરસ્કાર ઉપરાંત ધો. ૧૦ અને ૧૨ માં સૌથી વધુ માર્ક્સ લાવનાર ખેડૂત પુત્ર- પુત્રીને રૂ રૂ.૧૧૦૦૦ પુરસ્કાર અને શિલ્ડ આપવા તથા ત્રંબા ખાતે પૂર્વ આરોગ્ય મંત્રી સ્વ.વલ્લભભાઈ પટેલ અને સ્વ.વાલજીભાઈ કાલોલાનું સ્ટેચ્યુ છે તેમના સાનિધ્યમાં બેસવા માટે આકર્ષક સ્કલ્પચર સાથેનું એક સંકુલ બનાવવા આયોજન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.