રામમંદિર માટે ૬૧૩ કિલોનો ઘંટ તૈયાર ‘ૐ’ ઘ્વનિ ૧૦ કિ.મી. સુધી ગુંજશે

તામિલનાડુની લીગલ રાઇટ કાઉન્સીલ દ્વારા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અનોખા  ઘંટની ભેટ: રાજલક્ષ્મી માંડા દ્વારા રાજારથ રામેશ્ર્વરથી અયોઘ્યા પહોંચ્યો !!

ઉત્તરપ્રદેશના અયોઘ્યામાં ઐતિહાસિક રામમંદિર બનવા જઇ રહ્યું છે. આ રામ જન્મભૂમિ પરિસરમાં રામલલ્લાના મંદિર માટે એક અનોખો ઘંટ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું વજન ૬૧૩ કિલો છે. આ ઘંટને વગાડવાથી તેમાંથી એમને ઘ્વનિ ઉત્પન્ન થશે જે દસ કિલોમીટર સુધીના વિસ્તારમાં ગુંજશે, અનોખી વિશેષતા ધરાવતો આ ઘંટ તમિલનાડુમાં તૈયાર થયો છે જે ત્યાંની લીગલ રાઇટ કાઉન્સીલ દ્વારા આજે ભગવાન શ્રીરામને ભેટ સ્વરુપે ધરવામાં આવ્યો છે.

ક્રાંસાથી બનેલ ૬૧૩ કિલોનો આ ઘંટ તમિલનાડુના રામેશ્ર્વરથી રામરથ યાત્રા દ્વારા ૪૫૦૦ કિલોમીટરની મુસાફરી બાદ અયોઘ્યામાં પહોચ્યો છે. વર્લ્ડ રેકોર્ડ બનાવેલ અને બુલેટ રાનીના નામથી પ્રસિઘ્ધ રાજલક્ષ્મી માંડા આ રામરથ ચલાવી મંગળવારે અયોઘ્યા પહોચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના રહેવાસી આ રાજલક્ષ્મી માંડા વિશ્ર્વમાં બીજા એવા મહિલા છે કે જેણે ૯.૫ ટન વજન ખેંચવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

આ રામરથમાં ૬૧૩ કિલોના ઘંટ ઉપરાંત શ્રીરામ, સીતાજી, લક્ષ્મણ, હનુમાન અને ગણપતિની કાંસાની મૂર્તિ પણ અયોઘ્યા લાવવામાં આવી છે. જેની આજે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ભેટ આપવામાં આવી છે. આ યાત્રા ૧૭ સપ્યેમ્બરના રોજ પ્રસ્થાન થઇ હતી અને તમિલનાડુથી અયોઘ્યા સુધીની આ યાત્રામાં રથ દસ રાજયોમાંથી પસાર થયો હતો. રાજલક્ષ્મી માંડાએ આ અંગે જણાવ્યું કે, દરેક રાજયોમાં ઠેર ઠેર ભગવાન શ્રીરામ, સીતાજી, હનુમાન અન ગણેશ તેમજ લક્ષ્મણજીની મૂર્તિનું પુજન કરવામાં આવ્યું હતું. રામરથ યાત્રાની સાથે કુલ ૧૮ લોકો તમિલનાડુથી અયોઘ્યા પહોચ્યા છે.

Loading...