પીઆઈની પરીક્ષામાં ૬૦ ટકા ઉમેદવારો ગેરહાજર!

રાજકોટ જિલ્લામાં ૩૪ કેન્દ્રોમાં પરીક્ષા લેવાઈ: નોંધાયેલા ૮૧૧૮ ઉમેદવારોમાંથી ફક્ત ૩૭૧૮ હાજર અને ૪૪૦૦ ગેરહાજર રહ્યા

રાજકોટ જિલ્લામાં રવિવારે યોજાયેલી પીઆઇની પરીક્ષામાં કુલ ઉમેદવારો પૈકી માત્ર ૪૦ ટકા જ હાજર રહ્યા હતા જ્યારે ૬૦ ટકા ઉમેદવારો ગેરહાજર રહયા હતા. જો કે આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.

ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરની વર્ગ-૨ની રવિવારે પરીક્ષા યોજાઈ હતી. રાજકોટ જિલ્લામાં ૩૪ કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી હતી. દરમિયાન કુલ ૮૧૧૮ ઉમેદવારમાંથી ૩૭૧૮ હાજર રહ્યા હતા જ્યારે ૪૪૦૦ ગેરહાજર રહ્યા હતા. આમ, કુલ ઉમેદવાર પૈકી ૪૦ ટકા હાજર અને ૬૦ ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.

ગઈકાલે યોજાયેલી પરીક્ષા કડક સુરક્ષા અને કોવિડ-૧૯ની ગાઈડલાઈન અંતર્ગત લેવામાં આવી હતી. પરીક્ષામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે રાજકોટ જિલ્લાના ૩૪ કેન્દ્રો પર સ્થળ સંચાલક અને ઓબ્ઝર્વર પણ નીમવામાં આવ્યા હતા સાથોસાથ ફ્લાઈંગ સ્કોડ દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી હતી અને પરિણામે શાંતીપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઇ હતી. ઉલ્લેખનીય છે કે, હાલ કડકડતી ઠંડી પડી રહી છે ઉપરાંત રાત્રી કફર્યુ પણ લાગુ છે આ બંને કારણોસર ઉમેદવારો પરીક્ષા આપવાથી અળગા રહયા હતા. પરીક્ષામાં ૬૦ ટકા ઉમેદવારો ગેરહાજર રહેતા તંત્ર પણ ચોંકી ઉઠયું હતું. હવે આવનાર પરીક્ષામાં ખાસ ધ્યાનમાં રાખીને સમય નક્કી કરવામાં આવે તેવી પ્રાથીમક આયોજન પણ ઘડાયું છે.

Loading...