Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદનાં કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાની, સિંધણી, મિણસાર (વાનાવડ), જામનગર જિલ્લામાં ઉમિયાસાગર, પોરબંદરનો સોરઠી અને રાજકોટનો વેણુ-૨ ડેમ ઓવરફલો: આજી-૨ ૮૦ ટકા ભરાતા હેઠવાસનાં ગામોને અપાયું એલર્ટ

રાજકોટની જળજરૂરીયાત સંતોષતા પાંચેય જળાશયોમાં પાણીની આવક: ભાદરમાં ૦.૨૦ ફુટ, આજી-૧માં ૨.૬૨ ફુટ, ન્યારી-૧માં ૧.૧૫ ફુટ, ન્યારી-૨માં ૦.૧૬ ફુટ અને લાલપરીમાં ૦.૨૦ ફુટ પાણીની આવક

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં રવિવારે પડેલા અનરાધાર વરસાદનાં કારણે ૬ જળાશયો ઓવરફલો થઈ ગયા છે જયારે ૩૭ જળાશયોમાં પાણીની ધીંગી આવક થવા પામી છે. રાજકોટની જળજરૂરીયાત સંતોષતા મુખ્ય પાંચેય જળાશયોમાં પાણીની આવક થવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજી-૨ ડેમ ૮૦ ટકા જેટલો ભરાઈ જતા હેઠવાસનાં ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ લખાય છે ત્યારે પણ જળાશયોમાં પાણીની ધીંગી આવક થઈ રહી છે. આગામી ૪૮ કલાક સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરાઈ છે.

ગઈકાલે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ૧ થી લઈ ૨૦ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાણે આભ ફાટયું હોય તેમ ખંભાળીયામાં સુપડાધારે ૨૦ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો કલ્યાણપુરમાં ૧૪ ઈંચ અને દ્વારકામાં ૧૧ ઈંચ વરસાદ પડયો હતો. ભારે વરસાદનાં કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સાની ડેમ, મીણસાર (વાનાવડ) ડેમ અને સિંધણી ડેમ ઓવરફલો થઈ ગયા હતા. આ ઉપરાંત જામનગર જિલ્લાનો ઉમિયાસાગર, પોરબંદરનો સોરઠી અને રાજકોટ જિલ્લાનો વેણુ-૨ ડેમ ઓવરફલો થઈ ગયા હતા. રાજકોટ જિલ્લાનો આજી-૨ ડેમ પોતાની સંગ્રહશકિતનાં ૮૦ ટકા જેટલો ભરાઈ જવાના કારણે હેઠવાસનાં ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું હતું. અડબાલકા, બાઘી, દહીંસડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારાણકા, ઉકરડા અને સગપર ગામનાં લોકોને નદીનાં પટમાં અવર-જવર ન કરવા સુચવા આપવામાં આવી હતી.

ભારે વરસાદનાં કારણે અન્ય ૩૭ જળાશયોમાં પણ પાણીની આવક થવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટની જળજરૂરીયાત સંતોષતા પાંચેય જળાશયોમાં માતબર પાણીની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાનાં ભાદર ડેમમાં ૦.૨૦ ફુટ, મોજમાં ૩.૦૨ ફુટ, ખોખડમાં ૧.૩૧ ફુટ, વેણુ-૨માં ૧૧ ફુટ, આજી-૧માં ૨.૬૨ ફુટ, આજી-૨માં ૧.૨૧ ફુટ, આજી-૩માં ૦.૯૮ ફુટ, સોડવદરમાં ૦.૪૯ ફુટ, સુરવોમાં ૦.૪૯ ફુટ, ન્યારી-૧માં ૧.૧૫ ફુટ, ન્યારી-૨માં ૦.૧૬ ફુટ, ફાડદંગ બેટીમાં ૧.૬૪ ફુટ, લાલપરીમાં ૦.૨૦ ફુટ, છાપરવાડી-૨માં ૧.૬૨ ફુટ, ભાદર-૨માં ૦.૮૨ ફુટ, મોરબી જિલ્લાનાં મચ્છુ-૧માં ૦.૯૨ ફુટ, ડેમી-૧માં ૦.૧૩ ફુટ, ડેમી-૨માં ૦.૩૩ ફુટ, ગંગાવડીમાં ૨.૬૨ ફુટ, જામનગર જિલ્લાનાં ફુલજર-૧માં ૬.૧૪ ફુટ, સપડામાં ૨.૧૩ ફુટ, ફુલજર-૨માં ૧.૯૪ ફુટ, ડાયમીણસારમાં ૩.૩૮ ફુટ, ઉંડમાં ૨.૪૬ ફુટ, ઉંડ-૧માં ૧.૧૫ ફુટ, કંકાવટીમાં ૫.૯૭ ફુટ, ફુલજરમાં ૮.૪૬ ફુટ, રૂપાવટીમાં ૧૦.૦૪ ફુટ, દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ઘી ડેમમાં ૬.૫૦ ફુટ, વર્તુ-૧માં ૧.૪૮ ફુટ, ગઢકીમાં ૮.૫૩ ફુટ, વર્તુ-૨માં ૮.૧૪ ફુટ, શેઢાભાડથરીમાં ૨૧.૫૦ ફુટ, વેરાડીમાં ૨.૯૫ ફુટ, સીંધણીમાં ૧૧ ફુટ, કાબરકામાં ૨.૫૨ ફુટ, વેરાડી-૨માં ૩.૧૨ ફુટ, મીણસાર (વાનાવડ)માં ૫.૨૫ ફુટ, સુરેન્દ્રનગર જિલ્લાનાં વાસલમાં ૧.૪૮ ફુટ, ત્રિવેણીઠાંગામાં ૦.૯૮ ફુટ, લીંબડી ભોગાવો-૨માં ૦.૩૩ ફુટ, પોરબંદર જિલ્લાનાં સોરઠીમાં ૫.૯૭ ફુટ, અમરેલી જિલ્લાનાં સાંકરોળીમાં ૦.૫૯ ફુટ પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.