Abtak Media Google News

ટી.બી.ના ૧૭૩૭ દર્દીઓને અપાતી સારવાર: લોકડાઉન દરમિયાન જિલ્લાના ૭૫ જેટલા અતિ ગરીબ પરિવારોના દર્દીઓને ન્યુટ્રીશિયન કિટનું વિનામૂલ્યે વિતરણ કરાયું

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” હેઠળ સવિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટી.બી નિયંત્રણ અર્થે લોકડાઉનના સમયમાં પણ ઉમદા કામગીરી કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા ક્ષય અધિકારી ડો. એસ.જી.લક્કડ એ આપેલ વિગતો અનુસાર, રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે જાન્યુઆરીથી મે મહિના સુધીમાં રાજકોટ શહેરમાં ટી.બી.ના કુલ ૫૫૫ કેસ નોંધાયા હતા. જે પૈકી સરકારી હોસ્પિટલમાં ૧૨૨ અને ખાનગી હોસ્પિટલમાં ૪૩૩ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના રાજકોટ, પડધરી, લોધીકા, જસદણ,  વિંછીયા, ધોરાજી,  જામકંડોરણા, કોટડા સાંગાણી, ગોંડલ, જેતપુર, ઉપલેટા સહિત ૧૧ તાલુકામાં ૧૧૮૨ ટી.બી.ના કેસ નોંધાયા હતા. જે પૈકી સરકારી હોસ્પિટલમાં ૧૦૮૯ અને ખાનગી હોસ્પિટલમાં ૯૩ કેસ નોંધાયા હતા. હાલ નોંધાયેલ તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

ડો. લક્કડએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, લોકડાઉનના સમયમાં ટી.બી.ના દર્દીઓને દવાઓનો પુરતો જથ્થો મળી રહે તે માટે સરકારી વાહન દ્વારા તેમના સંબંધિત વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં દવાઓ પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા રાજકોટ જિલ્લાના ૭૫ જેટલા અતિ ગરીબ પરિવારોના દર્દીઓને જરૂરી પોષક તત્વો મળી રહે તે માટે વિનામૂલ્યે ન્યુટ્રીશિયન કિટ પણ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.