Abtak Media Google News

કોરોના સામેની લડાઈમાં રાજયને આર્થિક રીતે મજબુત બનાવવા વિધાનસભામાં પગારભથ્થામાં કાપ મુકતુ સુધારા વિધેયક કરાયું પસાર

વૈધાનિક અને સંસદીય મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોરોના મહામારીના કારણે રાજય સરકારની આવકોમાં ઘટાડો થયો છે અને આ મહામારીને લીધે પ્રજાજનોના જાન બચાવવા ખર્ચમાં અનેકગણો વધારો થયો છે. કોરોના સામેની આ લડાઈ માટે વધુ નાણાની આવશ્યકતા હોઈ પ્રજાના પ્રતિનિધિઓના પગારના ૩૦ ટકા એપ્રિલ, ૨૦૨૦થી માર્ચ, ૨૦૨૧ સુધીના એક વર્ષના સમયગાળા માટે કાપી લેવા સંબંધિત પગાર ભથ્થા કાયદાઓમાં સુધારા કરતો વટહુકમ ૮મી એપ્રિલ, ૨૦૨૦ના રોજ બહાર પડાયો હતો. ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ અને વિરોધપક્ષના નેતાના પગાર અને ભથ્થાને લગતા કાયદા (સુધારા) વિધેયક, ૨૦૨૦ રજુ કરતા જણાવ્યું કે, કોરોના વૈશ્વિક મહામારી સામેની લડાઇ માટે ગુજરાત વિધાનસભાના તમામ સભ્યોના બેઝિક પગારમાંથી એપ્રિલ, ૨૦૨૦ થી એક વર્ષ માટે માસિક ૩૦ ટકા પગાર કાપ કરાશે.

મંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાત વિધાનસભાના સભ્યઓ, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, વિરોધપક્ષના નેતા અને ગુજરાત રાજ્યના મંત્રીઓનો પગાર, ભથ્થા અનુક્રમે ગુજરાત વિધાનસભા સભ્યોતના પગાર તથા ભથ્થા બાબત  અધિનિયમ, ૧૯૬૦, ગુજરાત વિધાનસભા (અધ્યક્ષ અને ઉપધ્યક્ષ) પગાર તથા ભથ્થા બાબત અધિનિયમ, ૧૯૬૦, ગુજરાત મંત્રીઓના પગાર તથા ભથ્થાય બાબત અધિનિયમ,૧૯૬૦ અને ગુજરાત વિધાનસભા (વિરોધપક્ષના નેતા) પગાર તથા ભથ્થાથી બાબત અધિનિયમ, ૧૯૭૯ થી પ્રાપ્ત થાય છે. સંબંધિત કાયદાઓમાં સુધારા કરવાના હેતુથી તા.૦૮/૦૪/૨૦૨૦ના રોજ  વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો, આ વટહુકમને કાયદામાં પરિવર્તિત કરવો જરૂરી છે. તે માટે આ વિધેયક આ સભાગૃહ સમક્ષ રજૂ કરું છું. સભ્યો અને પદાધિકારીઓના પગાર ભથ્થાને લગતા સંબંધિત કાયદાઓમાં એપ્રિલ, ૨૦૨૦થી સુધારા કરવાના કારણે માસિક ૩૦% લેખે મૂળ પગારમાં ઘટાડો થયેલ છે અને આ ઘટાડેલા મૂળ પગાર ઉપર હાલ ૧૭% લેખે મોંઘવારીભથ્થા મળવાપાત્ર થાય છે. ધારાસભ્યોને પ્રતિમાસ મૂળ પગાર રૂ.૫૫,૧૬૦/- તથા તેના પર ૧૭% લેખે મોંઘવારી ભથ્થા માર્ચ, ૨૦૨૦ સુધી મળતું હતું. પદાધિકારીઓને પ્રતિમાસ મૂળ પગાર રૂ.૬૮,૯૫૦/- તા તેના પર ૧૭% લેખે મોંઘવારી ભથ્થું માર્ચ, ૨૦૨૦ સુધી મળતું હતું.

તેમણે ઉમેર્યુ કે, આ સુધારા વિધેયકથી ૧૨ માસ દરમ્યાન પદાધિકારીઓના પગારકાપી અંદાજીત વાર્ષિક રૂ.૬ કરોડ ૨૭ લાખ બચત થશે. આ તમામ રકમ કોરોનાની મહામારી સામે લડી રહેલા નાગરિકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે વપરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પક્ષના ૪૮ જેટલા ધારાસભ્યઓએ સ્વૈચ્છિક રીતે એક એક લાખ રૂપિયા મુખ્યમંત્રીના રાહત ફંડમાં કોરોના મહામારી સામેની રાજ્ય સરકારની કામગીરીમાં થનારા ખર્ચમાં મદદરૂપ થવા ફાળો આપ્યો છે.  રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલઓએ પણ સ્વૈચ્છિક રીતે પગારકાપ સ્વિકાર્યો છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોમાં ઘટાડો કરાશે: શિક્ષણમંત્રી

વહિવટી ઝડપ, વધુ સરળતા અને આર્થિક ભારણના ઘટાડા હેતુ બોર્ડના સભ્યોની સંખ્યા ૫૯ થી ઘટાડીને ૨૪ કરાઈ

શિક્ષણમંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમ-૩માં સુધારો સૂચવતા જણાવ્યું હતું કે, આ સુધારાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોની સંખ્યા જે અગાઉ ૫૯ હતી તે ઘટીને ૨૪ શે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અધિનિયમ ૧૯૭૨ની કલમ-૩માં સુધારા વિધેયક વિધાનસભા ખાતે રજૂ કરતાં શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાંથી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ હાલની ૯ સભ્યોનું છે પરંતુ અધિનિયમને જોગવાઈઓને ધ્યાને લેતા દરેક યુનિવર્સિટીઓ એકેડેમિક કાઉન્સિલના સભ્યો માટે એક સભ્યને બોર્ડમાં પ્રતિનિધિ તરીકે મોકલે તો તે સભ્ય સંખ્યા ૮૦ થાય છે. રાજ્યમાં બોર્ડની રચના થઇ ત્યારે ગુજરાતમાં માત્ર સાત જ સરકારી યુનિવર્સિટી હતી. તેથી આ પ્રતિનિધિત્વ રાખવામાં આવ્યું હતું. આમ હાલની સ્થિતિએ તમામ યુનિવર્સિટીઓને ધ્યાને લેતા બોર્ડના કુલ સભ્યો ૧૩૦ ઉપરાંત થાય તેમ છે. ભવિષ્યમાં ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યામાં વધારો થઈ શકે તેમ છે જેથી સભ્યોની સંખ્યામાં પણ વધારો થશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, બોર્ડમાં હાલ હોદ્દાની રૂએ સભ્યોની સંખ્યા ૧૬ છે આ સભ્ય સંખ્યા ઘટીને ૯ થશે. જ્યારે ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ૪૦ છે જે ઘટીને ૧૧ થશે તથા નામ નિયુક્ત સભ્યોની સંખ્યા ૩ છે જે વધારીને ૪ થશે. આમ ચૂંટાયેલા સભ્યો ઘટાડયા તેમ સરકારી સભ્યો પણ ઘટાડ્યા છે. મંત્રીએ ઉમેર્યું કે, હાલ  બોર્ડના સભ્યો ૧૩ પ્રકારના વિવિધ સંવર્ગમાંથી ચૂંટાય છે જે હવે વિવિધ ૧૦ સંવર્ગમાંથી ચૂંટાશે. ઉત્તર બુનિયાદી શાળાના આચાર્ય અને ઉત્તર બુનિયાદી શાળાના શિક્ષકોનો સંવર્ગ એમ અગાઉ અલગ અલગ બે સંવર્ગ હતા પરંતુ હવે નવી જોગવાઈ મુજબ એકીકરણ થવાથી હવે માત્ર એક જ સંવર્ગ અસ્તિત્વમાં રહેશે. ખાનગી માધ્યમિક શાળાના બિન શૈક્ષણિક સ્ટાફ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બિન શૈક્ષણિક સ્ટાફના એમ અગાઉ અલગ અલગ બે સંવર્ગ હતા જે હવે નવી જોગવાઈ મુજબ એકીકરણ થતા એક જ સંવર્ગ અસ્તિત્વમાં રહેશે. યુનિવર્સિટીઓના પ્રતિનિધિની પસંદગી નામ નિયુક્તિી કરવાને જોગવાઈ હોય યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓનો ચૂંટણી સંવર્ગમાં અસ્તિત્વ રહેશે નહીં. આમ બોર્ડના હાલના કુલ સભ્યોની સંખ્યા ૫૯ માંથી ઘટાડીને ૨૪ થશે. આ સુધારા વિધેયક વિધાનસભા ખાતે પસાર કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.