Abtak Media Google News

મંજૂર થયેલી વધારાની ૧૦૦ ઈ-બસ માટે ટેન્ડર પ્રક્રિયા: ઈ-બસના ચાર્જીંગ સ્ટેશનના ખાતમુહૂર્તની તૈયારીનો ધમધમાટ

રાજકોટવાસીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યાં છે. શહેરીજનો જેની કાગડોળે રાહત જોઈ રહ્યાં છે તેવી પ્રદુષણ મુક્ત ૫૦ ઈ-બસો આગામી માર્ચ માસથી શહેરના રાજમાર્ગો પર દોડવા માંડશે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી વધારાની ૧૦૦ બસોની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ચાલુ માસના અંતે ટેન્ડર ફાઈનલ કરી દેવામાં આવશે. બીજી તરફ ઈ-બસ માટે જરૂરી ચાર્જીંગ સ્ટેશન હાલ તૈયાર થઈ ગયું હોય તેના ખાતમુહૂર્તની તૈયારીનો પણ ધમધમાટ ચાલી રહ્યો હોવાની સત્તાવાર જાહેરાત આજે મ્યુનિ.કમિશનર કમ રાજકોટ રાજપથ લીમીટેડના ચેરમેન ઉદિત અગ્રવાલે કરી હતી.

Rrl1

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, તેઓએ રાજકોટ રાજપથ લીમીટેડ ૨૦૧૯-૨૦ની વાર્ષિક સાધારણ સભા ગઈકાલે મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. હાલ શહેરમાં ૯૦ સિટી બસ અને ૧૦ બીઆરટીએસ બસ દોડાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના વ્યાપારીક તથા ઔદ્યોગીક કેન્દ્ર એવા રાજકોટમાં ઈ-મોબીલીટી પૂરી પાડવાના હેતુથી કેન્દ્ર સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રાજકોટમાં ૫૦ એસી ઈલેકટ્રીક બસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને હરિયાણા-નવીદિલ્હીની એજન્સી સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે. બસ ઓપરેયર એજન્સી દ્વારા આગામી દિવસોમાં ડીએચઆઈની ગાઈડ લાઈન અનુસાર ઈ-બસનું પ્રોમોટાઈપ મોડલ રજૂ કરવામાં આવશે. જેના પરર્ફોમન્સની ચકાસણી કર્યા બાદ યોગ્ય મંજૂરી આપવામાં આવશે. રાજકોટના રાજમાર્ગો પર માર્ચ માસથી ૫૦ ઈ-બસો દોડવા લાગે તેવી સંભાવના છે.

દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી વધુ ૧૦૦ ઈ-બસ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ચાલુ માસના અંત સુધીમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એલ-૧ વહીવટી પ્રક્રિયા હાથ ધરી વર્ક ઓર્ડર આપી દેવામાં આવશે. ઈ-બસ માટે જરૂરી ચાર્જીગ સ્ટેશનના ખાતમુહૂર્તની તૈયારી પણ ચાલી રહી છે. દરમિયાન અન્ય માળખાકીય માટે ૮૦ ફૂટ રોડ પર હયાત સિટી બસ ડેપો ખાતે આધુનિક ઈ-બસ ડેપો માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

Rrl2

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરીજનોને આંતરીક પરિવહનની સર્વોત્તમ સુવિધા મળી રહે તે માટે રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મુખ્ય રાજમાર્ગો પર રૂા.૨.૭૮ કરોડના ખર્ચે ૪૦ સ્માર્ટ બસ સ્ટોપ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં આકર્ષક તથા સ્માર્ટ ડિઝાઈન, આરામદાયક બેઠક વ્યવસ્થા, ૨૪ કલાક સર્વેલન્સ સીસ્ટમ, બસના આવન-જાવનની સચોટ માહિતી, દિવ્યાંગો અને વૃદ્ધો માટે રેમ્પ સુવિધા, સેન્સર લાઈટ, મોબાઈલ ચાર્જીગ વિગેરેનો સમાવેશ થાય છે. ૪૦ પૈકી ૧૦ બસ સ્ટોપની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને બીજા ૧૦ બસ સ્ટોપની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. બાકી રહેતા ૨૦ બસ સ્ટોપ માટે આગામી ૨ માસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. મુસાફરો માટે ઓટોમેટીક ફેર કલેકશન સીસ્યમ પણ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ રાજપથ લીમીટેડને અલગ અલગ બે એવોર્ડ પ્રાપ્ત થયા છે. સિટી બસ અને બીઆરટીએસમાં મહિલાઓને ભાઈબીજ, રક્ષાબંધન અને મહિલા દિન નિમિતે મફતમાં મુસાફરીનો લાભ આપવામાં આવે છે. સિટી બસમાં દૈનિક ૪૦,૦૦૦ અને બીઆરટીએસમાં દૈનિક સરેરાશ ૨૦,૦૦૦ લોકો મુસાફરીનો લાભ લે છે. ૧૫૦ ફૂટ રીંગ રોડ પર અલગ અલગ ૧૮ બસ સેલ્ડરો બનાવવામાં આવ્યા છે. માધાપર સેલ્ડરની સરખામણીએ ગોંડલ રોડ ચોકડી બસ સેલ્ડરની લંબાઈ ઓછી હોય ત્યાં ૨૧.૭૩ લાખના ખર્ચે બસ સેલ્ડર વધારવાની કામગીરી હાલ ચાલુ છે. જ્યારે ત્રિકોણબાગ ખાતે સિટી બસના કંટ્રોલરૂમની હાલત જર્જરીત થવા પામી હતી. આ ઉપરાંત ફલોરીંગ નીચુ હોવાના કારણે ભારે વરસાદમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાતી હતી. સિટી બસના કંટ્રોલરૂમને રૂા.૫.૯૦ લાખના ખર્ચે રીનોવેટ કરવામાં આવ્યો છે. રાજકોટ રાજપથ લીમીટેડ મુસાફરોને સર્વોત્તમ સુવિધા મળે તે દિશામાં સતત કામગીરી કરી રહી છે. વર્ષ ૨૦૧૯-૨૦માં સિટી બસમાં ૨૨.૫૩ લાખ મુસાફરોએ અને બીઆરટીએસમાં ૬.૫૪ લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.