Abtak Media Google News

ભાદર-૨ના ૪ દરવાજા ૧ ફુટ, આજી-૨નો ૧ દરવાજો ૨ ફુટ ખોલાયા: ડોડી, સુરવો અને મોતીસર ડેમ પણ છલકાયા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ હસ્તકના ભાદર-૨ અને આજી-૨ સહિતના ૫ જળાશયો ઓવરફલો થઈ ગયા છે. ડેમ છલકાતા હેઠવાસના ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે અને લોકોને નદીના વિસ્તારમાં ન જવા પણ તાકીદ કરવામાં આવી છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે ૩૦ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. આજે બપોર સુધીમાં કુલ ૫ જળાશયો ઓવરફલો થઈ ગયા છે. ૩૦.૧૦ ફુટની ઉંડાઈ ધરાવતો આજી-૨ ડેમ આજે ઓવરફલો થઈ જતા ડેમના ૧૬ પૈકી ૪ દરવાજા ૧ ફુટ સુધી ખોલી નાખવામાં આવ્યા હતા. હાલ પ્રતિ કલાક ૧૪૦૦ કયુસેક પાણીની જાવક થઈ રહી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાનો સુરવો ડેમ ઓવરફલો થઈ ગયો છે. ૨૫.૩૦ ફુટની ઉંડાઈ ધરાવતા સુરવો ડેમ છલકાઈ જતાં ડેમના કુલ ૧૬ પૈકી ૨ દરવાજા અડધો ફુટ સુધી ખોલી પાણીની જાવક કરવામાં આવી રહી છે. ૮.૯૦ ફુટની ઉંડાઈ ધરાવતો ડોડી-૧ ડેમ પણ ઓવરફલો થઈ ગયો છે. હાલ ડેમનો ૧ દરવાજો ૧ ફુટ સુધી ખોલી નાખવામાં આવ્યો છે. ૧૪.૮૦ ફુટની ઉંડાઈ ધરાવતો મોતીસર ડેમ પણ ઓવરફલો થઈ ગયો છે. ડેમના ૧૫ પૈકી ૨ દરવાજા હાલ ૩૦ ડિગ્રી સુધી ખોલી નાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત જિલ્લાના ભાદર, મોજ, ફોફળ, આજી-૩, ગોંડલી, વાછપરી, વેરી, ન્યારી-૧, ન્યારી-૨, ફારદંગબેટી, ખોડા પીપર, લાલપરી, છાપરવાડી-૧, ઈશ્ર્વરીયા, કરમાળ, મચ્છુ-૨, ડેમી-૧, ડેમી-૨, મચ્છુ-૩, ઉંડ-૨, લીંબડી ભોગાવો-૧, વાસલ, મોરસર, ત્રિવેણી ઠાંગો અને ધારી ડેમમાં પાણીની નોંધનીય આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.