Abtak Media Google News

વાતોના વડા નહીં પરંતુ નકકર કામ

૨૦૧૩ અને ૨૦૧૭ની સરખામણીમાં ગુજરાતનો જીએસડીપી ૧૧.૧ ટકા રહ્યો: જે.એન.સિંહ

૨૦૧૯ની વાઈબ્રન્ટ  સમિટ અનેકવિધ રીતે ઐતિહાસિક બન્યું એમએસએમઈ સહિત અનેકવિધ ક્ષેત્રમાં થયા મહત્વપૂર્ણ એમઓયુ

ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાઈબ્રન્ટ ગુજરાત માટેનો નવમો અધ્યાય બન્યો છે. વાઈબ્રન્ટ સમિટથી ગુજરાતનો વિકાસ કઈ રીતે થાય તે તમામ મુદાઓ ઉપર અનેકવિધ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સાથોસાથ ૯માં વાઈબ્રન્ટ સમિટમાં અનેકવિધ એમઓયુ કરોડોના ખર્ચે કરવામાં આવ્યા હતા.

વિદેશીઓ પણ માની રહ્યા છે કે ગુજરાતમાં વ્યાપાર માટે ખુબ જ ઉજળી તક રહેલી છે તે માટે તેઓએ ગુજરાતના અનેકવિધ ક્ષેત્રોમાં એમઓયુ પર હસ્તાક્ષર કરી ગુજરાત રાજય સાથે વ્યવહાર પણ સ્થાપ્યો હતો. અનેકવિત એવા દેશો કે જે આ પહેલાના વાઈબ્રન્ટમાં સહભાગી નહોતા થયા તે આ વખતે ભાગીદાર દેશો તરીકે ઉભરી આવ્યા હતા ત્યારે કરોડો રૂપિયાના એમઓયુને લઈ વિપક્ષો દ્વારા અનેક પ્રકારના આક્ષેપો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપર અને રાજય સરકાર ઉપર લગાવવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે ટીકાઓનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર માત્ર વાતો નહીં પરંતુ નકકર કામ કરવા પર માની રહી છે ત્યારે આગામી ૩૧ માર્ચ પહેલા જે ૪૬૪ એમઓયુ કરવામાં આવ્યા હતા તેમનો શિલાન્યાસ થઈ જશે અને આ તમામ ૪૬૪ પ્રોજેકટો ધમધમતા શરૂ કરવામાં આવશે.

૧.૧૧ લાખ કરોડનો ખર્ચો આ તમામ પ્રોજેકટ ઉપર દેખાડવામાં આવ્યો હતો અને ૨૦૧૯ના વાઈબ્રન્ટમાં થયેલા એમઓયુ અનેકવિધ રીતે ઐતિહાસિક માનવામાં પણ આવી રહ્યા છે જેનું એકમાત્ર કારણ એ છે કે આ પહેલાના વાઈબ્રન્ટમાં આટલા એમઓયુ થયા નથી. ૪૦૦ જેટલી કંપનીઓ પોતાના પ્રોજેકટો ૩૧ માર્ચ પહેલા શરૂ કરી દેશે. આ વાઈબ્રન્ટને અનુલક્ષી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ સમિટ ખરાઅર્થમાં સફળ નિવડી છે જેમાં ૧૩૫ દેશો, ૧ લાખથી વધુ વિદેશી ડેલીગેટસ સાથે ૨૦૦ જેટલી ઈવેન્ટોના સથવારે વાઈબ્રન્ટ સમિટ સફળતાના શિખર સર કર્યા હતા.

એમઓયુ વિશે વિગતો આપતા ગુજરાત રાજયના મુખ્યમંત્રીએ જણાવતા કહ્યું હતું કે, એગ્રો અને ફુડ પ્રોસેસીંગ ક્ષેત્રે ૧૪ જેટલા પ્રોજેકટો શરૂ કરવામાં આવશે. જયારે ડેરી, ફીસરી, કો-ઓપરેટીવ ક્ષેત્રમાં ૨૦ જેટલા પ્રોજેકટોને સ્થાપિત કરવામાં આવશે. જયારે કેમિકલ ક્ષેત્રમાં ૨૦, પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં ૩૦, ઓટો મોબાઈલ અને એન્જીનીયરીંગમાં ૩૨, હેલ્થકેર અને ફાર્માસ્યુટીકલમાં ૫૯, આઈટી ક્ષેત્રમાં ૨૬, એમએસએમઈ ક્ષેત્રમાં ૧૬૧ સહિત કુલ ૪૬૪ એમઓયુ આવનારા બે મહિનામાં ધમધમતા થઈ જશે.

વાઈબ્રન્ટ સમિટ-૨૦૧૯ની સફળતા ગુજરાત રાજય માટે ખુબ જ મહત્વપૂર્ણ નિવડશે તેમ ગુજરાતના મુખ્ય સચિવ જે.એન.સિંહે જણાવ્યું હતું. તેઓએ જીએસડીપી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૦૧૩ અને ૨૦૧૭માં જીએસડીપી ૯.૯ ટકા રહ્યો હતો. જયારે ૨૦૧૮માં જીએસડીપી ૧૧.૧ ટકા રહ્યો હતો જે સ્પષ્ટપણે દર્શાવે છે કે વાઈબ્રન્ટ સમિટથી ગુજરાતને ખુબ જ ફાયદો થયો છે અને અનેકવિધ ક્ષેત્ર વિકાસ પણ મળ્યો છે ત્યારે આ વખતે જે એમઓયુ અનેકવિધ ક્ષેત્રે સાઈન કરવામાં આવ્યા છે તે ગુજરાતના વિકાસને ખરાઅર્થમાં વેગ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.