Abtak Media Google News

વઘઈ, સુરત અને ડોલવાણમાં પણ ૪ ઈંચ વરસાદ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ, કયાંક ધીમીધારે તો કયાંક ધીંગીધારે હેત વરસાવતા મેઘરાજા

રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લો હજી અનરાધાર વરસાદની વાટમાં

ગુજરાત પર એકી સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી સૌરાષ્ટ્રમાં મેઘાએ મંડાણ કર્યા હોય તેમ ગીર-સોમનાથ જીલ્લાના કોડીનારમાં ૬ કલાકમાં ૪ ઈંચ અને ભાવનગરના તળાજામાં સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ જામ્યો છે.

કયાંક ધીમીધારે તો કયાંક ધીંગીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વઘઈ, સુરત, ડોલવાણમાં પણ ૪ ઈંચ વરસાદ વરસી ગયો હતો. આગામી ચાર દિવસ સુધી રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.આગામી ૧૬મી જુલાઈ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૨૯ જિલ્લાના ૧૬૨ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના બારડોલીમાં ૨૧૫ મીમી પડયો છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ મંગળવારે હેત વરસાવ્યું હતું. જુનાગઢ જીલ્લાના ભેસાણમાં ૪૧ મીમી, જુનાગઢમાં ૩૦ મીમી, કેશોદમાં ૪ મીમી, માળીયા હાટીનામાં ૭ મીમી, માણાવદરમાં ૧૦ મીમી, મેંદરડા અને વંથલીમાં ૩૮ મીમી, ગીર-સોમનાથ જિલ્લાના ગીર-ગઢડામાં ૪૦ મીમી, કોડીનારમાં ૪૦ મીમી, સુત્રાપાડામાં ૮ મીમી, તાલાલામાં ૩૧ મીમી, ઉનામાં ૧૯ મીમી અને વેરાવળમાં ૩ મીમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.

અમરેલી જિલ્લાના વડીયામાં ૩૩ મીમી, બગસરામાં ૯ મીમી, ધારીમાં ૮ મીમી, ભાવનગર જીલ્લાના ભાવનગર શહેરમાં ૨૪ મીમી, ઘોઘામાં ૧૨ મીમી, બોટાદ જિલ્લાના રાણપુરમાં ૧૩ મીમી, બરવાળામાં ૯ મીમી, રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ૬૨ મીમી, ધોરાજીમાં ૧૨ મીમી, લોધીકામાં ૭ મીમી, જામનગર જિલ્લાના જામજોધપુરમાં ૧૧ મીમી, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ૮ અને પોરબંદરમાં ૧૬ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.