Abtak Media Google News

ડીઇઓ કચેરી તાકીદે કર્મચારીઓ પાસેથી દરખાસ્ત મંગાવે તેવી વ્યાયામ શિક્ષક સંઘની રજુઆત

જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ઢીલી અને અણઘડ કામગીરીને કારણે બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ૩૫૦ કર્મચારીઓ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ ન મળતાં કર્મચારીઓમાં ભારે રોષ સાથે દેકારો બોલી ગયો છે.ડીઇઓ કચેરી તાકીદે કર્મચારીઓ પાસે દરખાસ્ત મંગાવે તેવી માંગણી વ્યાયામ શિક્ષક સંધે કરી છે. ગુજરાત સરકારના શિક્ષણવિભાગે બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચરતર માધ્યમિક શાળાના કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ તા.૧-૧-૨૦૧૬થી ઉચ્ચતર પગાર ધોરણના લાભ મળવાપાત્ર થશે તેવો પરિપત્ર તા.૩-૬-૨૦૧૯ ના જાહેર કર્યો છે.જેની નકલ રાજયના અન્ય ડીઇઓ કચેરીની સાથે જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને પણ પાઠવી છે.પરંતુ જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ હજુ સુધી કર્મચારીઓ પાસે ઉચ્ચતર પગારધોરણની દરખાસ્ત મંગાવી નથી.

જેના કારણે જામનગર જિલ્લાની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય, શિક્ષકો, કારકુન અને પટ્ટાવાળા સહિત કુલ ૩૫૦ જેટલા કર્મીઓ ઉચ્ચતર પગાર ધોરણના લાભથી વંચિત રહેતા ભારે રોષની લાગણી ફેલાઇ છે.આ મુદે જામનગર જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વ્યાયામ શિક્ષક સંઘે જામનગર ડીઇઓને રજૂઆત કરી છે. જેમાં શિક્ષણ વિભાગના ઠરાવ્યા મુજબ બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા યોગ્ય આદેશ કરી કર્મચારીઓ પાસેથી દરખાસ્ત મંગાવવા તાકીદે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.