Abtak Media Google News

એસટી બસના તમામ રૂટ નવા બસ પોર્ટ ખાતેથી ઓપરેટ થશે

રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે કાર્યરત એસટી બસ સ્ટેન્ડ આગામી શનિવારથી કાયમ માટે બંધ થવાનું છે. શનિવારથી તમામ એસ.ટી બસના રૂટ નવા બસ પોર્ટ ખાતેથી જ ઓપરેટ થનાર છે. ત્યારબાદ જૂનું બસ સ્ટેન્ડનો કબજો એસટી તંત્ર કલેકટર તંત્રને સોંપી દેશે. રાજકોટમાં વર્ષોથી જે જગ્યાએ એસટી બસ સ્ટેન્ડ કાર્યરત હતું.ત્યાં નવું બસ પોર્ટ બનાવવાનું હોવાથી એસટી વિભાગે કલેકટર હસ્તક રહેલા શાસ્ત્રી મેદાન ખાતે કામચલાઉ બસ સ્ટેન્ડ તૈયાર કર્યું હતું. ત્યારબાદ નવું બસ પોર્ટ તૈયાર થઇ જતા ત્યાં અનેક એસટી બસના રૂટ શરૂ કરી દેવામાં આવ્યા હતા. અમુક રૂટ નવા બસ પોર્ટ ખાતેથી જ ઓપરેટ થતા હતા.

હવે શાસ્ત્રી મેદાન ખાતેનું બસસ્ટેન્ડ કાયમ માટે બંધ કરી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ નવા બસ પોર્ટ ખાતેથી તમામ રૂટ ચાલુ કરવામાં આવશે. પોરબંદર, જૂનાગઢ, ઉના, કોડીનાર, સોમનાથ, દીવ, ગોંડલ, લોધીકા, જેતપુર, વીરપુર, ધોરાજી, ઉપલેટા, જામજોધપુર, વેરાવળ, બગસરા, ધારી, કુંકાવાવ, તુલસીશ્યામ જતી બસો તા.૨૮ જાન્યુઆરીથી નવા બસ પોર્ટ પરથી ઉપડશે.જયારે તા.૩૦થી ભાવનગર, બોટાડ, ગઢડા, જસદણ, અમરેલી, સાવરકુંડલા, તળાજા, વિછિયા, સારંગપુર જતી બસો પણ નવા બસ પોર્ટથી ઓપરેટ થશે.

નવા બસ પોર્ટમાં બસોનો ટ્રાફિક હેન્ડલ કરવો મોટો પડકાર !

નવા બસ પોર્ટમાં ટ્રાફિક ક્ધટ્રોલ કરવો એસટી વિભાગ માટે પડકારરૂપ છે. નવા બસ પોર્ટમાં જગ્યા ઓછી હોય દરરોજ મોટી સંખ્યામાં વિવિધ રૂટની એસટી વિભાગની બસો આવતી હોય તેને બસ પોર્ટમાં સાચવવી કપરું સાબિત થનાર છે. એક અંદાજ મુજબ રાજકોટમાં દરરોજ ૧૫૦૦થી વધુ બસોનું આવાગમન થતું હોય છે. નવા બસ પોર્ટમાં પ્લેટફોર્મની જગ્યા ઓછી હોય ભારે મુશ્કેલી સર્જાય તેવી ભીતિ સેવાઇ રહી હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લા કલેકટર તંત્ર ઘણા સમયથી બસ સ્ટેન્ડ ખાલી કરવાની સૂચના આપી ચૂક્યું છે

જૂનું બસ સ્ટેન્ડ જ્યા કાર્યરત છે તે શાસ્ત્રી મેદાન જિલ્લા કલેકટર તંત્ર હસ્તક છે. આ શાસ્ત્રી મેદાનનો કબજો છોડવા માટે જિલ્લા કલેકટર તંત્રએ ઘણા સમયથી એસટી વિભાગને સૂચના આપી હતી. અંતે હવે એસટી વિભાગ આગામી ૩૦મીથી શાસ્ત્રી મેદાનનો કબજો છોડવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.