Abtak Media Google News

એક મચ્છર ….

‘ઈન્ડોમેથેસાઈન’ દવા રોગપ્રતિકારક શકિત વધારવા કારગર નિવડશે: ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચનો દાવો

એચસીકયુ દવા પર વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા જે હંગામી ધોરણે રોકવાનો નિર્ણય લેવાયો છે તેમાં દરેક પોત-પોતાની રીતે કોરોનાને લઈ સેઈફ ગેમ રહી રહ્યું હોય તેવું સામે આવે છે

સમગ્ર વિશ્ર્વમાં હાલ કોરોનાએ તેનો કહેર વરસાવ્યો છે પરંતુ તેને લઈ હજુ સુધી કોઈ દવા શોધાણી ન હોવાનું પણ સામે આવ્યું છે. કોરોનામાં લોકો તેમની રોગપ્રતિકારક શકિત વધારે તે પ્રકારનાં અનેકવિધ સલાહ-સુચનો પણ આપવામાં આવતા હોય છે ત્યારે બીજી તરફ ભારત દેશમાં કોરોના સામે લડવા માટે એચસીકયુ દવાનો ઉપયોગ કરવાનું પણ જણાવ્યું હતું પરંતુ ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ આઈસીએમઆરની બેઠકમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોરોના સામે રક્ષણ અર્થે આર્થરાઈટીસમાં વાપરવામાં અને ઉપયોગમાં લેવાતી ઈન્ડોમેથેસાઈન દવા અત્યંત કારગત નિવડશે. આ દવાનો ઉપયોગ પ્રાયોગિક ધોરણે કરવા માટે પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

ઈન્ડોમેથેસાઈન દવા રોગપ્રતિકારક શકિત વધારવા અને સંક્રમણનાં ઝંઝાવાતને અટકાવવા માટે અસામાન્ય રોગપ્રતિકારક શકિત વધારનારી આ દવા કોવિડ-૧૯ સામે લડવા માટે અત્યંત કારગત નિવડશે. પાંચ રૂપિયાની કિંમતની આ કેપસુલનો ઉપયોગ જે પ્રારંભિક ધોરણે કરવામાં આવશે તેની સામે હાલ કોરોના માટે ૬૦ હજારનાં મુલ્યનાં એક ડોઝની દવાનો ઉપયોગ થઈ રહ્યો છે. ચેન્નઈ સ્થિત કિડની ટ્રાન્સ પ્લાન્ટનાં સર્જન ડો.રવિચંદ્રને જણાવતા કહ્યું હતું કે, ઈન્ડોમેથેસાઈન દવા શરીર પર વિષાણુઓનાં હુમલાઓને અટકાવવા માટે અત્યંત કારગત નિવડે છે. તેમને આઈસીએમઆર, અમેરિકા અને બ્રિટેનમાં સંધિવા મટાડવા માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું. હાલ આ દવાનો ઉપયોગ આઈસીએમઆર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે. કોરોના સામે લડવા માટે ૧૮૫ જેટલી દરખાસ્તો વિજ્ઞાન અને બાયોટેકનોલોજીનાં સંશોધન ક્ષેત્રે મળી રહી છે તેના ઉપર એક પછી એક વિચારણા પણ થઈ રહી છે.

એચસીકયુને લઈ કોરોનાનું ઠીકરૂં ડબલ્યુએચઓ કોના માથે ભાંગશે?

કોરોનાથી બચવા માટે એચસીકયુ દવાનો ઉપયોગ કરવાની પરવાનગી વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપવામાં આવી હતી જેનો ઉપયોગ અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે પરંતુ ડબલ્યુએચઓએ હવે એચસીકયુનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે અને હંગામી ધોરણ પર તેને રોકવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ તમામ મુદાઓને ધ્યાને લઈ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે એચસીકયુ કોરોના માટે પૂર્ણ ઈલાજ નથી પણ આગામી સમયમાં કોરોનાનો કહેર વ્યાપક પ્રમાણમાં વ્યાપી ઉઠે તો તેનું સીધું જ નિશાન ડબલ્યુએચઓ ન બનવું જોઈએ. હાલ કોરોનાને લઈ કોઈ દવા બની ન હોવાથી એચસીકયુ મારફતે ઘણી ખરી રાહત પણ દર્દીઓને મળી રહી છે જેને ડોકટરો દ્વારા પણ સ્વિકારવામાં આવ્યું છે ત્યારે પ્રશ્ર્ન એ ઉભો થાય છે કે એચસીકયુને લઈ કોરોનાનો ઢીકરુ ડબલ્યુએચઓ કોના પર ભાંગશે ?

રાજયમાં એક જ દિવસમાં કોરોનાનાં કેસ ૪૦૦ને પાર ૩૦ લોકોનાં નિપજયા મોત

ગુજરાત રાજયમાં ગત ૨૪ કલાકમાં ૪૦૫ કોરોનાનાં પોઝીટીવ કેસો નોંધાયા છે જેમાં એક જ દિવસમાં મૃત્યુઆંક ૩૦ ઉપર પહોંચ્યો છે. આ તમામ આંકડા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ગુજરાતમાં કોરોનાનાં પોઝીટીવ કેસોની સંખ્યા ૧૪૪૬૮ પહોંચી છે. નવા કેસોની જયારે વાત કરવામાં આવે તો અમદાવાદમાં ૩૧૦, સુરતમાં ૩૧, વડોદરામાં ૧૮ અને સાબરકાંઠામાં ૧૨ કેસો સામે આવ્યા છે. જયારે ૫મી મેનાં રોજ અમદાવાદમાં કુલ ૩૪૯ કેસ સામે આવ્યા હતા. હાલ મે માસ દરમિયાન ગુજરાત રાજયમાં ૬૯.૬ ટકા પોઝીટીવ કેસોનું પ્રમાણ રહેવા પામ્યું છે જયારે ૭૬ ટકા મોત નિપજયા હોવાનો આંકડો પણ સામે આવ્યો છે. ગુજરાત રાજયમાં મે માસ અત્યંત કપરો સાબિત થયો છે. કારણકે એક જ માસમાં કુલ ૧૦ હજાર જેટલા કેસો નોંધાયા છે. હાલ કોરોનાને લઈ ગુજરાત રાજયમાં ૨૨૪ જેટલા દર્દીઓ સાજા થયા છે જેમાં ૧૩૬ અમદાવાદનાં, ૩૪ સુરત, ૧૩ વડોદરા અને ૧૧ દર્દીઓ રાજકોટથી સાજા થયા હોવાનું પણ સામે આવ્યું છે.

વાયરસમાં પરિવર્તન અને ફેરફાર દેખાતા હોટસ્પોટ વિસ્તારોમાંથી નમૂના લેવાયા

કોરોના તેનો કહેર સાર્વત્રિક રીતે ફેલાવી રહ્યો છે ત્યારે કોરોનાનાં લક્ષણોમાં પણ અનેકગણા ફેરબદલ અને ફેરફારો થતા જોવા મળે છે ત્યારે રાજયનાં બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા હોટસ્પોટ વિસ્તારોમાંથી ૧૦૦ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે જેને લઈ અનેકવિધ તારણો બહાર આવશે. આ અંગેની માહિતી ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટવીટર પર ટવીટ કરી જણાવ્યું હતું. મુખ્યમંત્રીનાં જણાવ્યા મુજબ ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર આગામી દિવસોમાં વાયરસનું ઈન્ફેકશન અને તેનું પરીવર્તન કેવી રીતે થઈ રહ્યું છે તે અંગે રીપોર્ટ તૈયાર કરશે જેનાથી દવા બનાવવામાં પણ કયાંકને કયાંક મદદરૂપ સાબિત થશે. આ તમામ સેમ્પલો એ હોટસ્પોટ વિસ્તારમાંથી લેવામાં આવ્યા છે કે જયાં મોર્ટાલીટી રેટનું પ્રમાણ ખુબ જ વધુ છે ત્યારે રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત અને સાબરકાંઠા વિસ્તારમાંથી પણ આ સેમ્પલો લેવામાં આવ્યા છે. ગુજરાતમાં ૮૦ થી ૮૫ ટકા જેટલા વાયરસમાં પરીવર્તન અને ફેરફાર હોટ સ્પોટ વિસ્તારમાંથી જ જોવા મળી રહ્યું છે ત્યારે બાયોટેકનોલોજી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્વેથી અનેકગણો ફાયદો પહોંચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.