શ્રમજીવી સોસાયટીમાં યુવકની હત્યાના ગુનામાં ૪ ઝડપાયા

ધીંગાણામાં ઘવાયેલા પિતા-પુત્રને હોસ્પિટલમાંથી રજા અપાતા કરાઈ ધરપકડ

શહેરનાં દુધસાગર રોડ ઉપર આવેલી લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં બે દિવસ પૂર્વે મુસ્લિમ અગ્રણીની હત્યાના ગુનામાં સંડોવાયેલા પિતા-પુત્ર સહિત ચાર શખ્સોની થોરાળા પોલીસે ધરપકડ કરી છે. દુધની ડેરીમાંથી બગડેલું દુધ લઈ પનીર બનાવવાના કારણે તિવ્ર દુર્ગંધનાં કારણે સમજાવટ કરવા ગયેલા બંને પરીવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શ્રમજીવી સોસાયટીમાં સંધી પરીવાર અને મુસ્લિમ પરિવાર વચ્ચે છાશની ડેરી બંધ કરાવવા બાબતે ચાલતા મનદુ:ખમાં બે દિવસ પૂર્વે સશસ્ત્ર મારામારીમાં મુસ્લિમ અગ્રણીની કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી જેમાં રાજકોટ ડેરીના કર્મચારી તેના પુત્ર અને ભત્રીજા મળી કુલ ૪ શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધાયો હતો. જયારે સામાપક્ષે ઘવાયેલા સંધી યુવકની ફરિયાદ પરથી પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો હતો.

આ બનાવ અંગે થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.એમ.હડિયાનાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ પી.ડી.જાદવ, એ.એસ.આઈ અજીતભાઈ ડાભી, હેડ કોન્સ્ટેબલ ભુપત વાસાણી, આનંદકુમાર પરમાર સહિતની ટીમે શ્રમજીવી સોસાયટીનાં આરીફ હાજી ગુલામહુસેન ચાવડા (ઉ.વ.૩૮)ની હત્યા નિપજાવનાર આરોપી વસીમ ઉર્ફે ચકો અબ્દુલભાઈ ખેબર, દુધની ડેરીમાં નોકરી કરતા અબ્દુલભાઈ ઓસમાણભાઈ ખેબર અને રમીઝ ઉર્ફે બાબો ઈકબાલભાઈ ખેબર, વકિલાતનો વ્યવસાય કરતા ઈકબાલભાઈ ઓસમાણભાઈ ખેબરની ધરપકડ કરી હતી જેમાં આરોપી રમીઝ ઉર્ફે બાબો ઈકબાલભાઈ ખેબર અગાઉ ધમકી, મારામારી, રાયોટ, દારૂનાં ગુનામાં, હથિયારનાં ગુના સહિત નવેક જેટલા ગુનામાં શહેરનાં જુદા-જુદા પાંચ પોલીસ સ્ટેશનમાં ઝડપાઈ ચુકયો છે.

ઉલ્લેખનીય છે કે, હત્યાના બનાવ અંગે લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા મુસ્તાક હાજીગુલામહુસેન ચાવડાની ફરિયાદ પરથી તેના ભાઈ આરીફ ગુલામ હુશેન ચાવડાની હત્યા નિપજાવનાર ચારેય શખસો સામે હત્યાનાં બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંઘ્યો હતો અને હત્યાનાં ગુનામાં વપરાયેલી છરી અને ધોકા-પાઈપ કબજે કર્યા હતા.

Loading...