Abtak Media Google News

તમામ મહિલાઓ લાલ સાડીમાં સજજ થઇ આવશે

આયોજનના ભાગરુપે વિવિધ વિસ્તારોમાં ઉમિયા સંકલ્પ યાત્રા ફરી વળશે: તડામાર તૈયારીઓ: આયોજકો અબતકના આંગણે

પટેલ સેવા સમાજ રાજકોટના ઉપક્રમે તા. ૨૮-૧-૧૮ ને રવિવારે બપોરે ૩.૩૦ કલાકે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે રાજકોટ શહેરની પચીસ હજાર કડવા પાટીદાર સમાજની મહીલાઓનું સાસુ-વહુ અને દીકરીનું એક વિશાળ સ્નેહમીલન યોજવામાં આવનાર છે.

પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઇ પટેલ (ફીલ્ડમાર્શલ)ના જણાવ્યા મુજબ સમાજના તાણાવાણાને મજબુત બનાવવા માટે આપણી નારી શકિતને ઓળખી તેને યોગ્ય તકો પુરી પાડવી પડશે. સમગ્ર ગુજરાતની નારી શકિતને પોખવા અને ઓળખવા માટેનો શંખનાદ રાજકોટમાં યોજાનાર આ મહીલા સંમેલનના માઘ્યમથી શરુ થશે. મહીલા શકિતના આ મજબુત પ્રવાહને પછી કોઇ રોકી નહી શકે.

પટેલ સેવા સમાજની સંગઠન સમીતીના ચેરમેન મનીષભાઇ ચાંગેલા છેલ્લા એક વર્ષથી આ સંમેલન ઐતિહાસિક અને વર્લ્ડ રેકોર્ડ સમાન બની રહે તે માટે વિવિધ પ્રકારે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમના માર્ગદર્શનમાં રાજકોટની પ૦૦ જેટલી અગ્રણી મહીલા કાર્યકર્તાઓએ વોર્ડ વાઇઝ ડોર ટુ ડોર જઇને પ્રત્યેક ઘરની માહીતી એકત્ર કરી લીધી છે. રાજકોટ શહેરમાં વસતા કડવા પાટીદાર સમાજના ઘર દીઠ પટેલ સેવા સમાજ દ્વારા સંપાદિત એક બીજાને ગમતાં રહીએ બુક વિના મુલ્યે આપવામાં આવશે.

સામાજીક ક્રાંતિમાં મહિલાઓની ભૂમિકા અંગે ગુજરાતના ખ્યાતનામ લેખકોનાં લેખોનું આ પ્રકારનું સંપાદન ગુજરાતમાં પ્રથમવાર થયું છે. સ્નેહ મિલનના દિવસે પ્રત્યેક ઘરની રંગોળીથી સજાવવામાં આવશે. તથા ઘરમાં સવારથી સાંજ સુધી માતાજીનો અખંડ દીવો પ્રગટાવવામાં આવશે. સંમેલનમાં ભાગ લેનાર તમામ મહીલાઓ ક્રાંતિના પ્રતીક સમાન લાલ સાડીમાં સજજ થઇને આવશે.તેમજ ૯૦ વર્ષથી ઉ૫રના મહીલાઓનું સમાજ દ્વારા સાલ ઓઢાડીને તેમજ બુકેથી વિશેષ સન્માન મહીલા મંડળ દ્વારા કરવામાં આવશે.

રાજકોટ શહેર મહીલા મંડળના પ્રમુખ વિજયાબેન વાછાણી, ક્ધવીનર ભાવનાબેન રાજપરા તથા ઇન્ચાર્જ વર્ષાબેન મોરીના જણાવ્યા મુજબ આ સ્નેહ મિલનની તૈયારી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે. પ૦૦ મહીલા કાર્યકર્તાઓએ વોર્ડવાઇઝ ઘરે ઘરે જઇને પચીસ હજાર મહીલાઓના નામ, સરનામા અને ફોન નંબર સહીતની માહીતીની નોંધણી કરી લીધી છે. આમ છતાં જે વિસ્તારમાં હજુ મહીલાઓના રજીસ્ટ્રેશન માટે કાર્યકર્તાઓ ન પહોંચી શકયા હોય તેમણે છેલ્લી તા. ૧૨-૧-૧૮ ને શુક્રવાર સુધીમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે રુબરુ સંપર્ક કરવા જણાવાયું છે. (મો. ૯૪૦૨૬ ૨૫૫૨૪) રાજકોટ શહેરમાં ઉમિયા સંકલ્પ યાત્રા વોર્ડ વાઇઝ ઘરે ઘરે ફરશે ત્યારે પ્રવેશ ભોજન પાસ, બુક મેળવવાનો પાસ તથા પરીવારનું માહીતીપત્રક આપવામાં આવશ. જે અચૂકપણે લઇને સ્નેહ મિલનમાં બપોરે ૩.૩૦ કલાકે સમયસર પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જેમાં રાજકોટ શહેરમાં ઉમિયા સંકલ્પ યાત્રા વોર્ડ નૅ.૧ર માં તા. ૫-૧-૧૮ ને શુક્રવાર, વોર્ડ નં.૧૩ માં તા. ૬-૧-૧૮ ને શનિવાર, વોર્ડ નં.૯ માં તા. ૭-૧-૧૮  ને રવિવાર, વોર્ડ નં.૧૧ માં તા. ૮-૧-૧૮ ને સોમવાર વોર્ડ નં. ૮ માં તા. ૯-૧-૧૮ ને મંગળવાર, વોર્ડ નં.૧૦ માં તા. ૧૦-૧-૧૮ ને બુધવાર, વોર્ડ નં.૩ મા તા. ૧૧-૧-૧૮ ને ગુરુવારે મહીલા મંડળ ઘરે ઘરે જઇ મહીલા સંમેલનનું નિમંત્રણ પાઠવશે.

આ સંમેલનને જાણીતા કોલલીસ્ટ અને વકતા જય વસાવડા તથા નેહલ ગઢવી ભટ્ટ સંબોધીત કરશે. સંમેલનની બહેનો દ્વારા વકતાશ્રીઓ સાથે પ્રશ્ર્નોતરી તથા ચર્ચા સભા પણ થશે. આ સંમેલનથી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના કડવા પાટીદાર સમાજને એક નવજાગૃતિનો સંદેશ પહોચાડવામાં આવશે. અને વધુ આનંદની વાત એ છે કે આ સમાજ જાગૃતિ અભિયાનનો પ્રારંભ મહીલાઓ દ્વારા કરવામાં આવશે.

આ સંમેલનને સફળ બનાવવા માટેની તમામ તડામર તૈયારીઓ થઇ રહી છે. કાર્યક્રમની વિગતો આપતા ‘અબતક’ની મુલાકાત મનીષભાઇ ચાંગેલા, કિશોરભાઇ ઘોડાસરા, પ્રો. જે.એમ. પનારા, જગદીશભાઇ પરસાણીયા, તેમજ મહીલા ટીમના વિજયાબેન વાછાણી, ભાવનાબેન રાજપરા, વર્ષાબેન મોરી, કીર્તીબેન માકડીયા, ભાવનાબેન માકડીયા, નયનાબેન માકડીયા, નયનાબેન ડાંગરેશીયા, કંચનબેન મારડીયા અને રાજેશ્રીબેન રોજીવાડીયા ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.