Abtak Media Google News

અધુરા અથવા ખોટા સરનામાના કારણે પરત ફરેલા લાયસન્સનો રખાતો રેકોર્ડ: દર મહિને ૮ હજાર જેટલા લાયસન્સ બનતા હોય પાછા આવેલા લાયસન્સનું પ્રમાણ ઓછું

વાહન ચલાવવા માટે સૌથી વધુ જરૂરીયાત લાયસન્સની હોય છે અને ડ્રાઈવીંગ લાયસન્સ હોવું એ વાહન ચલાવવા માટે આવશ્યક છે. લોકો વતા-ઓછા અંશે ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવવા માટે જાગૃત થયા છે પરંતુ ડ્રાઈવીંગ લાયસન્સ તેમની પાસે પહોંચે તે બાબતે કયાંક જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ડ્રાઈવીંગ લાયસન્સ એપ્લાય કર્યા બાદ ૧૫ દિવસમાં સ્પીડ પોસ્ટ મારફતે આર.ટી.ઓ તંત્ર દ્વારા જે-તે સરનામે લાયસન્સ મોકલવામાં આવે છે પરંતુ અધુરા સરનામા અથવા ખોટા સરનામાના કારણે ડ્રાઈવીંગ લાયસન્સ પરત આર.ટી.ઓ તંત્ર પાસે આવી જાય છે. આ બાબતે રાજકોટ આર.ટી.ઓ.માં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આશરે ૨૫૦૦ જેટલા ડ્રાઈવીંગ લાયસન્સ એવા છે કે જે એક વર્ષથી વધુ સમયથી પરત ફરેલા છે અને કોઈ આ ડફ્રાઈવીંગ લાયસન્સ એકત્ર કરવા માટે નથી આવ્યું.

આ વિશે રાજકોટ આર.ટી.ઓ ઈન્સ્પેકટર એમ.ડી.પાનસુરીયાએ જણાવ્યું હતું કે, વાહન ચલાવવા માટે ડ્રાઈવીંગ લાયસન્સ આવશ્યક છે અને જો વાહનધારક પાસે લાયસન્સ ન હોય તો કાયદા પ્રમાણે દંડાત્મક પગલા લઈ શકાય છે. આ ઉપરાંત તેમણે આંકડાકિય માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ રાજકોટ આર.ટી.ઓ.માં આશરે ૨૫૦૦ જેટલા ડ્રાઈવીંગ લાયસન્સ પરત ફર્યા હોય તેવા છે જે એક વર્ષથી વધુ સમયથી આરટીઓ તંત્ર પાસે પડેલા છે.

ડ્રાઈવીંગ લાયસન્સ પરત આપવાના કારણો વિશે પુછતા કહ્યું હતું કે, સામાન્ય રીતે ડ્રાઈવીંગ લાયસન્સ એપ્લાય કર્યા બાદ ૧૫ દિવસની મર્યાદામાં સ્પીડ-પોસ્ટ મારફતે ધારકોને મોકલવામાં આવે છે પરંતુ અમુક સમયે અધુરા અથવા ખોટા સરનામાના કારણે ડ્રાઈવીંગ લાયસન્સ પરત આવી જતા હોય છે છતાં પણ અમે અહીંયા રેકોર્ડ રાખતા હોય છીએ જયારે પણ ધારક લાયસન્સ લેવા આવે ત્યારે તેને તેનું લાયસન્સ પરત મળી જાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ આરટીઓમાં દર મહિનામાં આશરે ૭ થી ૮ હજાર નવા ડ્રાઈવીંગ લાયસન્સ બનતા હોય છે જે ખુબ મોટી સંખ્યા છે તો પરત ફરેલા ડ્રાઈવીંગ લાયસન્સનો આંકડો ખુબ જ નાનો ગણી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.