Abtak Media Google News

ફાયરબ્રિગેડના સ્ટાફને રિસ્ક એલાઉન્સ પેટે દરરોજ ચૂકવાતા માત્ર  ૩ રૂપિયા ને ૬૬ પૈસા!

પૂરા ચાર રૂપિયા પણ નહીં, ૩ રૂપિયા ને ૬૬ પૈસા. દરરોજની આટલી રકમ ફાયરબ્રિગેડના પ્રત્યેક કર્મચારીને રિસ્ક એલાઉન્સ તરીકે ચૂકવવામાં આવે છે. મહિને ૧૧૦ રૂપિયા રિસ્ક એલાઉન્સ અને ૨૪ કલાકની નોકરી માટે લોંગર ડ્યુટી એલાઉન્સપેટે  ૨૧૫ મળીને મહિને ૩૨૫ રૂપરડી ચૂકવવામાં આવે ને તેને નામ અપાય છે સ્પેશિયલ એલાઉન્સ. રાત-દિવસ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સતર્ક રહેતાં  ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝના જવાનો અને તેમના પરિવારજનોને ભયાવહ ભવિષ્યની ચિંતા સતાવે છે. અનેક વખત રજુઆતો છતાં રિસ્ક એલાઉન્સ અને સ્પેશિયલ પે એલાઉન્સ વધારવાની માગણીઓ સંતોષાઈ નથી. કાઉન્સિલરો, ધારાસભ્યો અને સાંસદોના ભથ્થાં ચપટી વગાડતાં મંજૂર થાય પણ જોખમ વચ્ચે કામગીરી કરતાં ફાયરબ્રિગેડના જવાનોની ચિંતા શાસક, વિપક્ષ, નેતાઓ કે પ્રજાજનો કરતાં નથી. એટલે, આગ બુઝાવતાં ફાયર કર્મચારીઓના હૈયા બળી રહ્યાં છે.

પાંચમા પગાર પંચની અમલવારી થઈ ત્યારથી રિસ્ક એલાઉન્સ અને લોંગર ડ્યૂટી એલાઉન્સ સાથે ગણીને સ્પેશિયલ એલાઉન્સ  ૩૨૫ કરાયું. આ પછી બે પગાર પંચ આવ્યાં પણ જોખમ ઊઠાવીને સ્પેશિયલ કામગીરી કરતાં ફાયરબ્રિગેડના કર્મચારીઓને એલાઉન્સ આપવામાં સ્પેશિયલ ગણવાની દરકાર કરવામાં આવી નથી. ફાયરબ્રિગેડ કર્મચારીઓને થતાં અન્યાયની યાદી ખૂબ લાંબી છે. પણ, શિસ્તબદ્ધ ગણાતી હોવાથી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓની ફરજનિષ્ઠાનો સત્તાધિશો દ્વારા ભરપુર ગેરલાભ લેવાઈ રહ્યો છે તેવી ચર્ચા થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.