Abtak Media Google News

શંકરસિંહ વાઘેલા પણ રાજયસભામાં “નવા-જૂની કરે તેવી કોંગ્રેસને ભીતિ

આગામી તા.૨૧મી જુલાઈએ ગુજરાત રાજયસભાની ત્રણ બેઠકો માટે જાહેરનામુ બહાર પડશે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ હાલના ત્રણ સભ્યોની મુદત પુરી થઈ રહી હોવાથી આ બેઠકોની ચૂંટણી યોજાશે જેમાં ૨૧મીએ જાહેરનામુ બહાર પડયા બાદ ૨૮ જુલાઈ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. જયારે ૮મી ઓગષ્ટે મતદાન થવાનું છે.

મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈને જણાવ્યું હતું કે, ઉમેદવારી પત્રોની ચકાસણી ૨૯ જુલાઈના રોજ કરવામાં આવશે. જયારે ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ ૩૧ જુલાઈ રહેશે. આ પ્રક્રિયા બાદ ૮મી ઓગષ્ટના રોજ સવારે ૯ થી સાંજે ૪ કલાકે દરમિયાન મતદાન યોજાશે. જેમાં વિધાનસભા સચિવ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી ચૂંટાયેલા ત્રણ સભ્યો જેમાં કોંગ્રેસના અહેમદ પટેલ, ભાજપના દિલીપ પંડયા અને સ્મૃતિ ઈરાનીનો સમાવેશ થાય છે. કોંગ્રેસમાં અહેમદ પટેલ સામે અસંતોષ સપાટી ઉપર આવ્યો છે ત્યારે રાજયસભાની આ ચૂંટણી અહેમદ મીયા માટે કપરા ચઢાણ બની રહેશે.

આ ઉપરાંત શંકરસિંહ વાઘેલા પણ ૨૧ જુલાઈએ પોતાના જન્મદિવસે “નવા-જૂની કરે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસની નબળી હાલત છે ત્યારે શંકરસિંહ વાઘેલાએ અહેમદ પટેલ સામે નારાજગી વ્યકત કરી હતી. બાપુની આ નારાજગી રાજયસભા બેઠકની ચૂંટણી ઉપર પણ અસર કરશે તેવું લાગી રહ્યું છે.

વધુમાં કોંગ્રેસ ક્રોષ વોટીંગની સંભાવનાને પગલે ઓપન વોટીંગ થાય તે માટે આગ્રહ રાખી રહ્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જેથી શંકરસિંહ જો કોંગ્રેસ વિરુધ્ધ જાય તો ડેમેજ કંટ્રોલ માટે સમયસર પગલા ભરી શકાય અને બેઠકને જતી કરવી ન પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.