Abtak Media Google News

સ્વચ્છતા અભિયાન, આત્મનિર્ભર ભારત અને સ્કીલ ઈન્ડિયા સુધીની નરેન્દ્ર મોદીની સ્વપ્નીલ સફરના સહારે ભારતના વિકાસની આગેકૂચ

આપ સમાન બલ નહીં… મહેનતના મુલ ન હોય… જેવી શ્રમશક્તિ અને મહેનત સાથે જોડાયેલી કહેવતો હવે સમયની સાથે આઉટ ઓફ ડેટેડ બનતી જતી હોય તેમ ૨૧મી સદીના વિશ્વમાં હવે બળ નહીં પણ કળનો યુગ આવ્યો છે. સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતા નથી. આજ રીતે હવે માત્ર મહેનત, મજૂરી નહીં પરંતુ હવે મગજથી કામ કરનારને તમામ પ્રકારની સફળતા મળે છે. આધુનિક યુગમાં હવે ધન સંગ્રહ અને તરક્કીની પરિભાષા મગજ શક્તિ અને કાબેલીયત પર નિર્ભર બની છે.

ભારતને વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ગણ્યું છે. ભારતનું અર્થતંત્ર ૫ ટ્રીલીયન ડોલર સુધી લઈ જવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન પૂરું કરવા માટે સ્વચ્છતા અભિયાનથી શરૂ થયેલી ભારતની પરિવર્તન યાત્રા, આત્મનિર્ભર ભારત, મેઈક ઈન ઈન્ડિયાથી લઈ સ્કીલ ઈન્ડિયા સુધી આગળ વધારવા માટે ક્વાયત શરૂ કરી દેવામાં આવી છે. ભારતનો વિકાસ વિશ્વસ્તરે વેગવાન બનાવવા માટે શરૂ કરાયેલી કવાયતના ભાગરૂપે સરકાર દ્વારા ભારતના ૪૦ કરોડ શ્રમજીવી કારીગરોને સ્કીલ ડેવલોપમેન્ટ એટલે કે, કાબેલીયત દ્વારા નિપુર્ણ બનાવીને કામદારોને રોજગારીની આવક વધારવાથી લઈ દેશની ઉત્પાદન ક્ષમતા વધારવા સુધીની લક્ષ્ય નિર્ધારીત કરી ભારતના કામદાર ક્ષેત્રને વધુ સશક્તિકરણના પંથે લઈ જવામાં આવશે.

કેન્દ્રની સ્કીલ ડેવલોપમેન્ટ મીનીસ્ટરી દ્વારા દેશના અસંગઠીત ક્ષેત્રના કુલ ૪૦ કરોડ જેટલા કામદારોને પોત પોતાના ક્ષેત્રમાં નિપૂર્ણ બનાવી તેમની આવક અને કાર્યક્ષમતા વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પ્રારંભીક તબક્કે ચર્ચાના અંતે આવનાર મહિનાઓમાં આ અભિયાન શરૂ કરવામાં આવશે. નવી યોજનાઓને વ્યાપક પ્રમાણમાં લાગુ કરવા માટે પ્રસ્તાવિક વિચારણા બાદ તેના અમલ માટેની પ્રક્રિયા મુજબ સ્કીલ ડેવલોપમેન્ટની આ યોજના તબક્કાવાર આગળ વધારવામાં આવી રહી છે. દેશમાં ૪૦ કરોડ જેટલા કામદારો નાના સ્તરના ઉદ્યોગથી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ સુધી કામ કરી રહ્યાં છે તે તમામને પોત-પોતાના ક્ષેત્રમાં કાબેલીયત માટેની તાલીમ આપવામાં આવશે. સરકારે આ તાલીમ દરમિયાન કામદારોને વેતન અને પોતાના કામ દરમિયાન આપવામાં આવતી સ્કીલ ટ્રેનીંગનું વળતર પણ આપવામાં આવશે.

ભારતમાં નિષ્ણાંત કામદારોને પ્રમાણપત્ર ઉપરથી નહીં પરંતુ અનુભવના આધારે કામ મળે છે. હવે સ્કીલ અંગેના પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવશે. નાના પાયેથી વિશાળ ફલક પર મજૂરોને ટ્રેનિંગ આપવામાં આવશે.

દેશની તરક્કી માટે અને ભવિષ્યના વિકાસ માટે કાબેલ કામદારોની જરૂરીયાત રહી છે. વિશ્ર્વ સ્તરે અત્યારે ભારત ઔદ્યોગીક ઉત્પાદન અને આત્મનિર્ભર બનવા માટે આગેકુચ કરી રહ્યું છે ત્યારે ઔદ્યોગીક ક્ષેત્રે ભારત, ચીન, અમેરિકા, ઈંગ્લેન્ડ, જર્મની જેવા ઔદ્યોગીક વિકાસશીલ દેશોની સરખામણીમાં બરોબરી કરી શકે તે માટે સ્કીલ ઈન્ડિયાનું આ અભિયાન અસરકારક બનશે. ભારતમાં કુલ કામદારોમાં ૧ ટકાથી પણ ઓછા કામદારો તાલીમ બદ્ધ બનીને કામ કરે છે. ભારતમાં સંખ્યાની રીતે ૩૦ લાખ મજૂરો જ પોતાના હુન્નરમાં તાલીમબદ્ધ નિષ્ણાંત છે. તેની સામે ઈંગ્લેન્ડમાં ૫૦ લાખ, ચીનમાં ૨ કરોડ, જર્મનીમાં ૨.૫ કરોડ મજૂરોને પોતાના કામની તાલીમબદ્ધ કરી કૌશલ્યબદ્ધ કરવામાં આવ્યા છે. આ આંકડા સામે ભારતમાં ૬૦ લાખ યુવાનો દર વર્ષે પોત-પોતાના કામમાં જોડાય છે. ભારતમાં અત્યારે ૨.૫ થી ૦.૧૫ ટકા જેટલા જ કામદારો તાલીમ લઈને કામ ઉપર ચડે છે. નેશનલ એપ્રેન્ટીસીપ પ્રમોશન સ્કીમમાં મજૂરોને તાલીમ માટે કંપનીઓ ૭૫ ટકા અને સરકાર ૨૫ ટકા જેટલી સહાય આપે છે. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકાસને વેગવાન બનાવવાની માંગના આશયથી સ્વચ્છતા અભિયાન, આત્મનિર્ભર ભારત, મેઈક ઈન ઈન્ડિયાથી લઈને સ્કીલ ઈન્ડિયા સુધીની આ સફર ભારતને વિશ્વગુરૂ તરફ આગળ લઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.