નરેન્દ્ર મોદીના શાસનના ૨૦ વર્ષ

ભારત વર્ષના સદીઓના રાજનૈતિક ઈતિહાસમાં દરેક યુગમાં અલગ અલગ રાજશાસન વ્યવસ્થામાં હંમેશા ‘સુશાસન’નું મહત્વ રહ્યું છે. પ્રજા વત્સલ રાજકીય વ્યવસ્થા ન્યાયપૂર્વક અભિગમ અને વિકાસના અલગ અલગ આયામો સાથે સુશાસનની દરેક યુગમાં નોંધ લેવાતી જ હોય છે. પ્રાચીન ભારતમાં સુશાસન ધર્માનુરાગી, ન્યાય, પારીતા અને પ્રજાવત્સલ અભિગમો સાથે કરવામાં આવતી હતી. મધ્ય યુગમાં પ્રજાની સમૃદ્ધિ, સુરક્ષા અને સંતોષજનક રાજકીય વ્યવસ્થાને સુશાસન કહેવામાં આવતું હતું. સુશાસનની ખરી વ્યાખ્યા ભગવાન રામના સત્યુગથી ચર્ચાતી, અનુભવાતી અને અપેક્ષીત રહે છે. આઝાદીકાળ બાદ ભારતના લોકતાંત્રીક ઈતિહાસમાં પણ દરેક વખતે લોકતાંત્રીક ઢબને સરકાર પોતાની શાસન વ્યવસ્થા અને પ્રણાલીને સુશાસન સુસંગત ગણાવે છે. લોકતાંત્રીક રાજકીય વ્યવસ્થામાં પ્રજા વડે, પ્રજા દ્વારા અને પ્રજા માટે ચાલતી વ્યવસ્થામાં સમાજના છેવાડાના લોકો મળતો સંતોષ સુશાસનની પરિભાષા પૂર્ણ કરે છે. ત્યારે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને સક્રિય રાજકીય સેવાના ૨૦ વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે.

નરેન્દ્ર મોદી ભારતના રાજકીય જાહેર જીવન અને લોકતાંત્રીક રાજકીય વ્યવસ્થા ક્ષેત્રે અનેક રીતે નવા આયામો પરિમાણો અને પરીણામો લાવનારા વ્યક્તિ બન્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી પદની જવાબદારી સાથે શાસન વ્યવસ્થામાં પ્રવેશ લેનાર નરેન્દ્ર મોદી અગાઉ ગ્રામ પંચાયત જેવી નાની એવી રાજકીય સંસ્થામાં પણ ક્યાંય શાસન ચલાવવાનો અનુભવ ધરાવતા ન હતા. પરંતુ ગુજરાતમાં ઉભી થયેલી રાજકીય કટોકટી વખતે સ્થિરતા માટે મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીએ તેમના ત્રણ ટર્મ દરમિયાન કેન્દ્ર સરકાર સાથે સમાંતર ધોરણે રાજકીય વ્યવસ્થાનું સંચાલન કરીને એક આગવી ઓળખ ઉભી કરી હતી. માત્રને માત્ર વિકાસવાદને વરેલા નરેન્દ્ર મોદીએ તેમની લોકસેવાના પ્રારંભમાં સ્થિર રાજકીય વ્યવસ્થાની સાથે સાથે ગુજરાતમાં વૈશ્ર્વિક સ્તરે ઔદ્યોગીક વ્યવસ્થાપનના સફળ પ્રયાસો થકી રાજકીય પદ અને રાજ્ય સરકારની કાર્ય વ્યવસ્થાને વૈશ્ર્વિક મંજ પર લઈ જવાની પહેલ કરી. આ સાથે સાથે તેમણે નવી શાસન પ્રણાલીમાં વિકાસ અને પાયાની માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખેવનાની સાથે સાથે સમાજ માટે જરૂરી એવા બિનરાજકીય વહીવટી ક્ષેત્રે જેની ક્યારેય નોંધ ન લેવાય હોય તેવા માનવીય અભિગમને શાસન વ્યવસ્થામાં વણી લેવાની દરકારે નરેન્દ્ર મોદીના રાજકીય શાસન વ્યવસ્થામાં સમાજના છેવાડાના લોકોને સુશાસનની પ્રતિતિ કરાવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વાઈબ્રન્ટ ગુજરાત, આરોગ્ય સુવિધાઓનું અપગ્રેડેશન, ખેતી અને ખેડૂતોનું સશક્તિકરણને મહત્વ, ક્ધયા કેળવણી, ભૃણહત્યા નિષેધ અને પાણી, હવા સહિતના કુદરતી સંશાધનોની સરળતાથી ઉપલબ્ધીની સાથે સાથે તેમણે તેના જતન સંરક્ષણની એક આગવી પહેલ કરી હતી. પરંપરાગત ભારતીય વિરાસતોને ઉજાગર કરવાની સાથે સાથે વૈશ્ર્વિક મંચ ઉપર ભારતની સંસ્કૃતિ અને આવડતને ઉજાગર કરવાના નરેન્દ્ર મોદીના અભિગમથી એક શાસનકર્તા તરીકે ૨૦ વર્ષમાં ઘણી બધી ઉપલબ્ધીઓ પ્રાપ્ત થઈ છે. જાહેર જીવનમાં પ્રવેશ કર્યા બાદ સતત ૨૦ વર્ષ સુધી એક પણ દિવસના બ્રેક વગરની લોકસેવા પણ નરેન્દ્ર મોદીની ઉપલબ્ધીઓનું એક સીરમોર ગણાય. ૨૦ વર્ષની રાજકીય સફરમાં મોદીની સંકલ્પ સીદ્ધ યાત્રા જેવી લોકસેવામાં તેમણે જે કહ્યું તે કરી બતાવ્યું. જાહેર જીવનના લોકસેવકની ઈચ્છા શક્તિની પરિપૂર્ણતા કેવા પરિણામો લાવી શકે તેનો મોદી શાસનનો ૨૦ વર્ષનો આ અધ્યાય એક આદર્શ ઉદાહરણ બની રહેશે.

Loading...