Abtak Media Google News

વોંકળા કે સ્ટોર્મ વોટર ડ્રેઈનમાં કચરો ફેંકનારને રૂ.૨૦૦નો દંડ ફટકારાશે

રાજકોટ શહેરમાં વસતા લોકો માટે પીવાના પાણીના સ્રોત પૈકી એક એવા આજી-૧  ડેમમાં કચરો ફેંકતા કે વાહનો ધોઈને જળ પ્રદૂષિત કરનારા લોકો વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તાજેતરમાં સંબંધિત અધિકારીઓને અપાયેલી સૂચના અનુસાર ૨૦ વાહન ચાલકોને વાહન સાફ કરતા ઝડપી લેવાયા હતા, તેમજ રાંદરડા તળાવમાંથી માછલા પકડવાની વધુ ૦૧ જાળ જપ્ત કરવામાં આવી હતી. આમ, તા. ૧૨ થી  ૧૬-એપ્રિલ સુધીમાં ૫૯ વાહન ચાલકો પાસેથી ડેમમાં વાહન ધોવા બદલ રૂ. ૧૨,૭૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરે ઉમેર્યું હતું કે, જળાશયમાં કચરો ફેંકતા કે વાહનો ધોઈને પાણી પ્રદૂષિત કરનારા લોકો પાસેથી રૂ. ૨૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવી રહયો છે. આ ઉપરાંત વોંકળા કે સ્ટોર્મ વોટર ડ્રેઈનમાં કચરો ફેંકી જળ પ્રવાહનો રસ્તો  અવરોધતા લોકો પાસેથી પણ રૂ. ૨૦૦/-નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે.

તેમણે અન્ય એક બાબત અંગે એમ જણાવ્યું હતું કે, રાંદરડા તળાવમાં માછલા પકડવાની પ્રવૃત્તિ થતી હોવાની માહિતી મળતા સુરક્ષા વિભાગનાં જવાનોએ તેની ખરાઈ કરવા તપાસ કરતા પાણીમાં માછલા પકડવા માટે બીછાવવામાં આવેલી ૦૧ જાળ મળી આવતા તે કબજે લીધી હતી.

જળાશયોમાં સંગ્રહિત પાણી સૌ કોઈ માટે જીવાદોરી છે ત્યારે તેની શુધ્ધતા સાથે ખીલવાડ કરવો એ ગંભીર ગુન્હાઈત કૃત્ય છે. જે કોઈ લોકો આવી પ્રવૃત્તિ કરતા હતા તેઓ હવેથી આવા કૃત્યથી દૂર રહે તે જાહેર જનતાનાં હિતમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.