Abtak Media Google News

રાજકોટમાં વસવાટ કરતા ૨૦૦ થી વધુ પાકિસ્તાની નાગરિકો પૈકી ૨૦ લોકોને કેન્દ્ર સરકારે ભારતીય નાગરીકત્વ આપ્યું: કલેકટરનાં હસ્તે પ્રમાણપત્ર અપાશે

છેલ્લા એક દાયકા કરતા વધુ સમયી રાજકોટ શહેરમાં વસવાટ કરતા સેંકડો પાકિસ્તાની નાગરિકો પૈકી ૨૦ નાગરિકો આજથી ભારતીય નાગરિક બનવા જઈ રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબકકે લોંગટર્મ વિઝા પર રાજકોટમાં રહેતા મહેશ્ર્વરી સમાજના ૨૦ પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવાની વિધિ પૂર્ણ કરતા જિલ્લા કલેકટર દ્વારા ઉકત તમામ પાકિસ્તાની નાગરીકોને આજે ભારતીય નાગરિકત્વની સત્તાવાર ભેટરૂપે પ્રમાણપત્રો આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

ભારત પાકિસ્તાનના ભાગલા બાદ પણ અનેક હિન્દુ પરિવારો પાકિસ્તાનમાં વસવાટ કરી રહયાં છે પરંતુ લઘુમતીમાં રહેલા હિન્દુ સમાજના લોકોને અસહ્ય ત્રાસ સહન કરવો પડતો હોય અનેક પાકિસ્તાની હિન્દુ પરિવારો હિઝરત કરી લોંગટર્મ વિઝા પર ભારતમાં વસવાટ કરી રહ્યાં છે. રાજકોટ શહેરમાં પણ આવા સેંકડો નાગરિકો ભગવતીપરા અને મોરબી રોડ વિસ્તારમાં રહે છે અને સરકારના નિયમ મુજબ ૭ વર્ષ સુધીના વસવાટ બાદ તેઓને ભારતમાં નાગરિકત્વ આપવાની જોગવાઈ હોય આ જોગવાઈ હેઠળ ૨૦૦ થી ૨૫૦ જેટલા મહેશ્ર્વરી સમાજ તેમજ અન્ય સમાજના પાકિસ્તાની નાગરીકોએ ભારતીય નાગરિકત્વ મેળવવા અરજી કરી હતી.

વધુમાં ભારત સરકાર દ્વારા પાકિસ્તાની આવી ભારતમાં લોંગટર્મ વિઝાને આધારે વસવાટ કરતા નાગરિકોને ભારતીય નાગરિકત્વ માટે તે માટે સમયાંતરે જિલ્લા કક્ષાએ કેમ્પ યોજી આવા નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવા કાર્યવાહી શરૂ કરી હતી જે અંતર્ગત રાજકોટમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટમાં વસવાટ કરતા પાકિસ્તાની નાગરિકોએ સત્વરે તેઓને ભારતનું નાગરિકત્વ મળે તે માટે રજૂઆતો કરી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા એક દાયકા થી પણ વધુ સમયથી પાકિસ્તાની નાગરિકો વસવાટ કરી રહ્યાં છે.

ભારતીય નાગરિકત્વ મેળવવા માટે તેઓએ વારંવાર રજૂઆત કરી તેઓના બાળકોના ભવિષ્ય માટે તેમજ સરકારની જૂદી જૂદી યોજનાનો લાભ મળે તે માટે સત્વરે તેઓની માંગણી સ્વીકારવા કેન્દ્ર અને ગુજરાત સરકારને જણાવ્યું હતું.

દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટમાં વસવાટ કરતા પાકિસ્તાની નાગરિકો પૈકી હાલ તુર્ત ૨૦ નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવા મંજૂરી આપતા જિલ્લા કલેકટર દ્વારા આ ૨૦ નાગરિકોને સત્તાવાર રીતે પ્રમાણપત્ર આપી ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.