Abtak Media Google News

૨૦૧૯ની ચૂંટણી ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોના દિલ જીતવા કર્ણાટક સરકારની જેમ જ દેશભરમાં ખેડુતોના દેવા માફ કરશે અમેરિકાની બેન્કનો રિપોર્ટ

કર્ણાટક સરકારે સતા પર આવતા જ ખેડુતોના દેવા માફ કરવાને પગલે આગામી લોકસભા ચુંટણી જીતવા મોદી સરકારે દેશના ખેડુતોની ૨.૮૦ લાખ કરોડની લોનના દેવા માફ કરવા રણનીતિ ઘડી કાઢી હોવાનું અમેરિકાની બેંકના એક રીપોર્ટમાં ઘટસ્ફોટ કરાયો છે.

બેઠક ઓફ અમેરિકા મેરીલ લિન્યના અહેવાલમાં જણાવાયું છે કે, કર્ણાટક સરકારે ખેડુતોના દેવા માફ કર્યા બાદ ભારતમાં ખેડુતોનું કુલ દેવુ ૨.૮૦ લાખ કરોડના આંકડે પહોંચ્યું છે ત્યારે ખાસ કરીને ગ્રામીણ મતદારોને રીઝવવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા અસરકારક અને ઉદાર પગલારૂપે ચુંટણી પૂર્વે ૨.૮૦ લાખ કરોડના દેવા માફ કરવા તખ્તો ઘડી કાઢવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી દ્વારા ખેડુતોના મત અંકે કરવા એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં ખેતપેદાશોના ટેકાના ભાવમાં બમણા વધારો કરવાની જોગવાઈ કરી ખેત ઉત્પાદનો ખરીદવા માટે ખેડુતોને સુરક્ષા પુરી પાડવા પણ નવી યોજના તરતી મુકવામાં આવી છે. વધુમાં મોદી સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦ સુધીમાં ખેડુતોની આવક બમણી કરી રાષ્ટ્રની આવકમાં ખેડુતોની હિસ્સેદારી વધારવા માટે કૃષિ પેદાશના ઉત્પાદન મુલ્યને નકકી કરી તેના પર ૫૦ ટકા નફો ગણી ખેતપેદાશોના ભાવ નકકી કરાયા છે. ઉપરાંત ખેડુતોને ચુકવાતા પાક વિમાના સ્ટ્રકચરમાં પણ ફેરફારો કરાવ્યા છે.

બીજી તરફ દેશમાં છેલ્લા દાયકામાં ખેડુતો વર્તમાન રાજય અને કેન્દ્ર સરકારથી નારાજ છે ત્યારે આગામી લોકસભા ચુંટણી પૂર્વે ખેડુતોના ૨.૮૦ લાખ કરોડના લોન-દેવા માફ કરવા સહિતના ઉદાર પગલા લઈ મોદી સરકારે લોકસભા ચુંટણી જીતવા રણનીતિ ઘડી કાઢી હોવાનું સ્પષ્ટ બન્યું છે.

ખેત ઉત્પાદનનો રેકોર્ડ સર્જવા સામે વરસાદ વેરી

નવીદિલ્હી

ચાલુ વર્ષ રાજયમાં સારા ચોમાસાની આશાએ ખેડુતો વિક્રમી ખેત ઉત્પાદન કરવાની આશા સેવી રહ્યા છે ત્યારે વરસાદ વેરી બનતા દેશના વાવેતર વિસ્તારમાં ૧૪ ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું સતાવાર અહેવાલમાં જણાવાયું છે.

કેન્દ્રના કૃષિ વિભાગનાં આંકડા મુજબ વર્ષ ૨૦૧૭ની ખરીફ સીઝનમાં ૩૮૮ લાખ હેકટરમાં વાવેતર થયું હતું પરંતુ ચાલુ વર્ષ વરસાદ ખેંચાતા વાવેતર વિસ્તાર ઘટીને ૩૩૩.૭૬ લાખ હેકટર થયો હોવાના આંકડા સામે આવ્યા છે.

વધુમાં ગત વર્ષ જુન માસ સુધીમાં ખરીફ સીઝનમાં ૨૧૦.૭૫ લાખ હેકટરમાં વાવેતર થઈ ગયું હતું. જયારે ચાલુ વર્ષ વાવેતર વિસ્તાર ઘટીને ૧૬૫.૨૧ લાખ હેકટરમાં જ વાવેતર વધુ હોવાનું સતાવાર આંકડા જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કુલ વાવેતર વિસ્તારમાં થયેલી ઘટાડા પાછળ વરસાદ કારણભૂત છે. જુન માસ પૂર્ણ થવા છતાં ગુજરાત સહિતના રાજયોમાં વાવણીલાયક વરસાદ થયો ન હોવાથી ખેડુતો ચિંતિત બન્યા છે. જોકે, ચાલુ વર્ષ પડેલી ગરમીને કારણે ખેડુતો સારા વરસાદ અને સારા વાવેતર બાદ વિક્રમી કૃષિ ઉત્પાદનની આશા સેવી રહ્યા હતા પરંતુ વરસાદ વેરી બનતા હાલ તુરંત તો ખેડુતો ચિંતાતુર બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.