Abtak Media Google News

ટેકસ બ્રાન્ચે ત્રણેય ઝોનમાં વધુ ૫૪ મિલકતોને જપ્તી નોટિસ: રૂા.૫૪ લાખની રિકવરી

ચાલુ નાણાકીય વર્ષના રિવાઈઝડ બજેટમાં ટેકસ બ્રાન્ચનો ટાર્ગેટ રૂા.૨૬૦ કરોડથી ઘટાડી રૂા.૨૪૮ કરોડ કરવામાં આવ્યા છે. આજ સુધીમાં માત્ર રૂા.૧૭૭ કરોડની જ વસુલાત થવા પામી છે. નાણાકીય વર્ષ પૂરું થવાના આડે હવે ૨૮ દિવસનો સમયગાળો બાકી રહ્યો છે. ટેકસનો ટાર્ગેટ પુરો કરવા માટે હવે રોજ ૨.૫ કરોડની વસુલાત ફરજીયાત બની જવા પામી છે. આજે શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં વધુ ૫૪ મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવી છે.

ટેકસ બ્રાંચને રૂા.૨૬૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. રિવાઈઝડ બજેટમાં આ ટાર્ગેટ ઘટાડી રૂા.૨૪૮ કરોડ કરાયો છે. આજ સુધીમાં કુલ ૨.૬૬ લાખ કરદાતાઓએ વેરા પેટે મહાપાલિકાની તિજોરીમાં રૂા.૧૭૭ કરોડ ઠાલવી દીધા છે. જો કે, ૨૪૮ કરોડનો ટાર્ગેટ પુરો કરવા માટે હજુ ૭૧ કરોડની વસુલાત કરવી ફરજીયાત છે. નાણાકીય વર્ષ પૂરું થવાને આડે હવે માત્ર ૨૮ દિવસ જ બાકી રહ્યાં છે ત્યારે ટેકસનો ટાર્ગેટ પુરો કરવા માટે ફરજીયાતપણે રોજ ૨.૫૦ કરોડની વસુલાત કરવી પડે તેવું થઈ ગયું છે.

આજે ટેકસ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલી રિકવરીની કામગીરી અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૫૪ મિલકતો જપ્તી નોટિસ આપવામાં આવી હતી. જેમાં સેન્ટ્રલ ઝોનમાં ૨૦ મિલકત નોટિસ ફટકારવામાં આવતા રૂા.૧૭ લાખ રીકવરી થવા પામી છે, વેસ્ટ ઝોનમાં ૧૫ મિલકતોને નોટિસ ફટકારવામાં આવતા રૂા.૨૧ લાખની જ્યારે ઈસ્ટ ઝોનમાં ૧૪ મિલકતને જપ્તી નોટિસ આપવામાં આવતા ૧૬ લાખની વસુલાત થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.