Abtak Media Google News

રાજયભરની ૫૩૦૦ એસ.ટી બસો પરીક્ષામાં રોકાઈ જવાથી ૧૪ હજાર રૂટ કેન્સલ, ખાનગી બસો પણ ભાડે રખાઈ: સૌરાષ્ટ્રના ૬૫૬ કેન્દ્રો પર ૧૬,૦૨૪ કર્મચારીઓ રોકાશે

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આવતીકાલે લોકરક્ષકની પરીક્ષા યોજાનાર છે. જેમાં સૌરાષ્ટ્રના ૬૫૬ કેન્દ્રો ખાતે ૨.૧૧ લાખ ઉમેદવારો લોકરક્ષક દળનું પેપર આપવાના છે. આ માટે ૧૬,૦૨૪ કર્મચારીઓનો સ્ટાફ પણ રોકવામાં આવ્યો છે.

પરીક્ષા માટે રાજયભરની ૫૩૦૦ એસ.ટી.બસો રોકાઈ જવાથી ૧૪ હજાર રૂટ કેન્સલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉપરાંત તંત્ર દ્વારા એસ.ટી.બસો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી ખાનગી બસોનો પણ સહારો લેવામાં આવ્યો છે.

ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ગત તા.૨ ડિસેમ્બરના રોજ યોજાનાર લોકરક્ષક દળની સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થઈ જતા રાજયના ૮.૭૬ લાખ ઉમેદવારોનું પેપર ફરી બીજીવાર લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત આવતીકાલના રોજ લોકરક્ષક દળની પરીક્ષા ફરી એકવાર યોજાનાર છે. જેમાં સૌરાષ્ટ્રના ૨.૧૧ લાખ ઉમેદવારો ૬૫૬ કેન્દ્રો ખાતે પરીક્ષા આપવાના છે. આ કેન્દ્રો ખાતે ૧૬૦૨૪ કર્મચારીઓનો સ્ટાફ રોકવામાં આવ્યો છે.

એસ.ટી.તંત્ર દ્વારા રાજયભરની ૫૩૦૦ એસ.ટી.બસો ફાળવવામાં આવતા ૧૪ હજાર રૂટ કેન્સલ કરાવવામાં આવ્યા છે. જેના કારણે આજથી બે દિવસ સુધી મુસાફરોને પરીવહનમાં ભારે હાલાકી કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

આ ઉપરાંત પુરતા પ્રમાણમાં એસ.ટી.બસો ન હોવાથી એસ.ટી.વિભાગ દ્વારા ખાનગી બસોનો પણ સહારો લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. લોકરક્ષક દળની પરીક્ષાના તમામ કેન્દ્રો ખાતે આજરોજ બપોર બાદ પેપર આવી જવાના છે. આ પેપરને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવનાર છે.

ઉપરાંત દરેક જિલ્લા મથકે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો વ્યવસ્થા જળવાય અને પરીક્ષા પ્રક્રિયા પારદર્શકતાથી યોજાય તેવા હેતુથી દરેક જિલ્લા મથકે અધિક કલેકટરો દ્વારા પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં કલમ ૧૪૪ લાગુ કરીને ૪ વ્યકિતથી વધુ વ્યકિતને એકત્ર થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.