Abtak Media Google News

વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન પેટે માસિક રૂ.૪૫૦ અપાશે: જે શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા ન હોય ત્યાં જિ.પં. ખર્ચ કરીને વ્યવસ્થા ઉભી કરશે

જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો: ખાનગી શાળાઓ નિયમોના ઉલાળીયા કરીને જિ.પં.ના પદાધિકારીઓને દાદ પણ  નથી દેતા, ડિઈપીઓ સમક્ષ સભ્યોના આક્ષેપો

જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની આજે બેઠક મળી હતી. જેમાં જિલ્લામા ૧૫ થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી ૧૯૬ પ્રા. શાળાઓને ૩૦ જૂનથી મર્જ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જે શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા ન હોય ત્યાં જિલ્લા પંચાયત ખર્ચ કરીને સુવિધા ઉભી કરશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમા સભ્યોએ ડીઇપીઓ સમક્ષ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ખાનગી શાળાઓ નિયમોના ઉલાળીયા કરી રહી છે. આ બાબતે કહેવા જતા જિલ્લા પંચાયતના પદાધિકારીઓને પણ તેઓ દાદ દેતા નથી.

આચાર સંહિતા પૂર્ણ થઈ જતા જિલ્લા પંચાયતની આજે શિક્ષણ સમિતિની બેઠક મળી હતી. જેમાં અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉપાધ્યાય, શિક્ષણ સમિતિના ચેરમેન નાથાભાઈ મકવાણા તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમાર અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમા શિક્ષકોનો યોગ્ય જગ્યાએ ઉપયોગ લેવા માટે શાળાઓ મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.Img 20190528 120747

હાલ જિલ્લામા ૧૯૬ પ્રાથમિક શાળાઓ એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૫થી ઓછી છે. આ ૧૯૬  શાળાઓમાં કુલ ૧૬૧૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેના માટે ૬૫૦ શિક્ષકો રોકાયેલા છે. આ શિક્ષકોનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવા માટે જો ૩૦ જૂન સુધી આવી શાળાઓમા વિદ્યાર્થીઓની સંખ્યા વધીને ૫૦ સુધી ન પહોંચે તો તે શાળાઓને ૩૦ જુનથી મર્જ કરી દેવામાં આવનાર છે. મર્જ કર્યા બાદ શાળાના આચાર્ય દ્વારા દરેક વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનના રૂ.૪૫૦ આપવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવસ્થા પણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા દરેક શાળાના આચાર્યોને સુચના પણ આપવામાં આવશે કે, બાળકો જે સ્કૂલવાનમાં પરિવહન કરે છે તેને સેફટીની ચકાસણી પણ કરવામાં આવે.

આ સાથે બેઠકમાં ફાયર સેફટીના મુદ્દે પણ જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને નિર્ણય લેવાયો હતો કે, જે શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા નથી તે શાળાઓમાં જિલ્લા પંચાયત પોતાના ખર્ચે ફાયર સેફટીની વ્યવસ્થા ઉભી કરશે. વધુમાં શિક્ષણ સમીતીના સભ્યનિલેશ વિરાણીએ એવા આક્ષેપો પણ કર્યા હતા કે ખાનગી શાળાઓ નિયમના ઉલાળીયા કરતી રહે છે. આ મામલે જયારે શિક્ષણ સમીતીના હોદ્દેદારો સમજાવવા માટે જાય છે ત્યારે શાળા સંચાલકો દાદ દેતા નથી. આવી શાળાઓ સામે આકરા પગલા લેવા ડીપીઈઓ સમક્ષ માંગ ઉઠાવી હતી. સામે ડીપીઈઓએ પણ આવી શાળાઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.