Abtak Media Google News

ઓકટોબર માસમાં ૧૬ દિવસમાં જ ૨૦૬ કેસો નોંધાયા: સત્તાવાર આંક કરતા ૧૦ ગણા વધુ કેસો હોવાની દહેશત

રાજકોટમાં ડેન્ગ્યુએ અજગરી ભરડો લીધો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો ડેન્ગ્યુનાં દર્દીઓથી રિતસર ઉભરાઈ રહી છે. ગઈકાલે શહેરમાં વધુ ૧૯ લોકો ડેન્ગ્યુનાં સકંજામાં સપડાયા છે. મહાપાલિકા દ્વારા સતાવાર જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ શહેરમાં ડેન્ગ્યુનાં ૩૯૮ કેસો નોંધાયા છે જોકે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. સતાવાર કરતા ૧૦ ગણાથી પણ વધુ કેસો હોવાની દહેશત છે. કોર્પોરેશનનાં અધિકારીઓ અને કોર્પોરેટરોનાં પરિવારજનો પણ ડેન્ગ્યુમાં સપડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ડેન્ગ્યુ જાણે બેકાબુ બની ગયો હોય તેમ કોર્પોરેશનની એક પણ આરોગ્યલક્ષી કામગીરી અસરકારક પુરવાર થતી નથી પરીણામે દિન-પ્રતિદિન ડેન્ગ્યુનાં કેસો વધી રહ્યા છે. ગઈકાલે શહેરની અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બગસરા, ગોંડલનાં દર્દી સહિત ૩ વ્યકિતઓનાં મોત નિપજયા હતા. રાજકોટમાં પણ ડેન્ગ્યુએ ૩નાં ભોગ લીધા છે જોકે તંત્ર મૃત્યુઆંક પણ છુપાવી રહ્યું છે અને માત્ર એક જ વ્યકિતનું ડેન્ગ્યુથી મોત થયું હોવાનું જણાવી રહ્યું છે.

કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડનાં જણાવ્યા અનુસાર શહેરમાં બુધવારે ડેન્ગ્યુનાં વધુ ૧૯ કેસો નોંધાયા છે. ડેન્ગ્યુએ જાણે અજગરી ભરડો લીધો હોય તેમ ઓકટોબર માસનાં પ્રથમ ૧૬ દિવસમાં જ ડેન્ગ્યુનાં ૨૦૬ કેસો નોંધાયા છે. અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુનાં ૩૯૮ કેસો સતાવાર રીતે નોંધાઈ ચુકયા છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુનાં હજારો દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જોકે સતાવાર આંકડા કોર્પોરેશન તંત્ર છુપાવી રહ્યું છે. ડેન્ગ્યુને નાથવા માટે વોર્ડ વાઈઝ સફાઈ અભિયાન શરૂ  કરવામાં આવ્યું છે પરંતુ તેને જાણે મચ્છરો ન ગણકારતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાયું છે. શહેરમાં દિન-પ્રતિદિન ડેન્ગ્યુનાં કેસો સતત વધી રહ્યા છે. ગઈકાલે શહેરની ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહેલા ગોંડલ, બગસરાનાં દર્દી સહિત કુલ ૩ વ્યકિતઓનાં મોત નિપજયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.