એઈમ્સમાં ૧૯ બિલ્ડીંગનું નિર્માણ કરાશે: માસ્ટર લે-આઉટને મંજૂરી આપતું રૂડા

એક વર્ષમાં હોસ્પિટલનું બિલ્ડીંગ ઉભુ કરી દેવાનો લક્ષ્યાંક સંકુલમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ રસ્તો હશે

રાજકોટની ભાગોળે નિર્માણ પામનાર એઈમ્સ સંકુલનો માસ્ટર લે-આઉટ રૂડાએ મંજૂર કરી દીધો છે. માસ્ટર લે-આઉટમાં ૧૯ બિલ્ડીંગો દર્શાવવામાં આવી છે અને એન્ટ્રી-એક્ઝિટ માટે એક જ રસ્તો દર્શાવાયો છે. વધુમાં ૧૯ બિલ્ડીંગો પૈકી મુખ્ય હોસ્પિટલનું બિલ્ડીંગ એક વર્ષમાં જ તૈયાર કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ નજીક નિર્માણ પામનાર એઈમ્સમાં ૧૯ બિલ્ડીંગોનું બાંધકામ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા આ અંગેનો માસ્ટર લે-આઉટ રૂડામાં મુકવામાં આવ્યો હતો. જેને રૂડાએ મંજૂરી આપી દીધી છે. ખંઢેરી-પરાપીપળીયાની ૧૬૦ એકર જમીનમાં અલગ અલગ ૧૬ બિલ્ડીંગ બાંધવા માટે આરોગ્ય વિભાગે રૂડા પાસે મંજૂરી માંગી હતી. જેમાં મુખ્ય હોસ્પિટલ, મેડિકલ કોલેજ, ઓપરેશન થિયેટર, સ્ટાફ કવાર્ટર સહિતની બિલ્ડીંગનો સમાવેશ થાય છે. આ મંજૂરી રૂડા દ્વારા આપી દેવામાં આવી છે. વધુમાં મળતી માહિતી અનુસાર એઈમ્સમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ રસ્તો મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત રસ્તા-કોમન પ્લોટ સહિતનો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. જેને રૂડા દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. નવા વર્ષના પ્રારંભે જ એઈમ્સના બિલ્ડીંગોનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.

માસ્ટર લે-આઉટની ચકાસણી બાદ તેને મંજૂરી અપાઈ: મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રા

રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજકોટના પરાપિપળીયા ખાતે જે એઈમ્સના બાંધકામ માટે જગ્યા ફાળવવામાં આવેલી છે. તેમાં એઈમ્સના સત્તાધીશો દ્વારા રૂડામાં માસ્ટર લે આઉટને ઈનવર્ડ કરાવવામાં આવ્યું છે. આ માસ્ટર લે-આઉટ પ્લાનની રૂડા દ્વારા ચકાસણી કરવામાં આવી છે અને એ માસ્ટર લે-આઉટ પ્લાનમાં એઈમ્સ સત્તાધીશો દ્વારા કઈ જગ્યાએ તેનું હોસ્પિટલ બિલ્ડીંગ, કઈ જગ્યાએ રેસીડેન્શીયલ કોમ્પ્લેક્ષ સહિતના વિગતવાર આયોજન દર્શાવી અને તેમનો માસ્ટર લે-આઉટ પ્લાન મુકેલ હતો. સીજીડીસીઆર મુજબ ચકાસણી કરી તેને રૂડા દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યો છે. જુદા-જુદા ૧૯ પ્રકારના બિલ્ડીંગ બનાવવાનું એઈમ્સ દ્વારા સુચીત કરવામાં આવેલ છે. અત્યારે તેઓએ રોડ રસ્તા વગેરેને આ પ્લાન આધાર શરૂ કરેલ છે. વિગતવાર ૧૯ બિલ્ડીંગના નકશાઓ તે બિલ્ડીંગ પ્લાનને મુકશે. રૂડા તેને એક પછી એક મંજૂરી આપી અને બિલ્ડીંગ બાંધકામ માટેની પરવાનગી આપશે.

Loading...