Abtak Media Google News

૨૪ મિલકતોની જાહેર હરરાજી ફાઈનલ: ૧ લાખી વધુની રકમ બાકી હોય તેવી મિલકત સીલ કરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની રિકવરી અનુસંધાને આજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે એક ખાસ મીટીંગ યોજી હતી, જેમાં તમામ નાયબ મ્યુનિ. કમિશનર સહિતના ટેક્સ વિભાગના તમામ સહાયક કમિશનર, વોર્ડ ઓફિસરો, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં મ્યુનિ. કમિશનરે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. જેમાં જે કરદાતાઓનો ટેક્સ એક લાખ રૂપિયા કે તેથી વધુ બાકી હોય તેવા તમામ મિલકતધારકોની મિલકત સીલ કરવાની મેગા ઝુંબેશ હાથ ધરવામાં આવશે, તેમજ આવતા સપ્તાહમાં ૨૪ મિલકતોની જાહેર હરાજી કરવાનું પણ આયોજન કરવામાં આવેલ છે.

મ્યુનિ. કમિશનરે આજની મહત્વપૂર્ણ બેઠકમાં થયેલી ચર્ચા વિશે માહિતી આપતા એમ  જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી જ બાકી મિલકત વેરાની રિકવરી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે નાગરિકોએ પોતાની મિલકત પરનો વેરો ચૂકવવાનો બાકી હોય તેઓએ સત્વરે વેરો ભરપાઈ કરી આકરા પગલાંઓ ટાળવા જોઈએ. કમિશનર ટેક્સ રિકવરી અભિયાન વિશે કરાયેલા આયોજન વિશે કહ્યું હતું કે, શહેરના તમામ ૧૮ વોર્ડ માટે એક એક એમ કુલ મળીને ૧૮ ટીમોની રચના કરવામાં આવેલ છે. ટેક્સ રિકવરી અભિયાનમાં ટેક્સ બ્રાંચ સિવાયના અન્ય ડીપાર્ટમેન્ટના કુલ ૩૦૦ કર્મચારીઓને પણ જોડવામાં આવી રહ્યા છે. સાથોસાથ આ કામગીરીમાં સામેલ તમામ ટીમોને પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા પણ પુરી પાડવામાં આવશે.

મ્યુનિ. કમિશનરે વધુમાં ડિફોલ્ટરોને તાકીદ કરતા ઉમેર્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની વિનંતી પછી પણ બાકી ટેક્સ નહીં ચૂકવનારા આસામીઓના રહેણાંક મકાનના ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપી નાંખવામાં આવશે. જ્યારે કોમર્શિયલ પ્રોપર્ટીમાં ડ્રેનેજ અને પાણીના કનેક્શન સીલ કરી દેવામાં આવશે. વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ડિફોલ્ટરોના નામો શહેરમાં રહેલી મનપાની તમામ એલ.ઈ.ડી. સ્ક્રીન પર જાહેર કરવામાં આવનાર છે. રૂ. ૧ લાખથી વધુ રકમનો ટેક્સ બાકી છે તેવા તમામ ડિફોલ્ટરોનાં નામ સહિતની વિગતો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.