Abtak Media Google News

ન ઝૂકના હૈ, ન રૂકના હૈ.. ગુજરાતે સાકાર કર્યુ

અમદાવાદ મહાનગરપાલિકાના રૂ. ૧૦૭૮ કરોડના ૭ર વિકાસ કામોના ઇ-લોકાર્પણ ઇ-ભૂમિપૂજન સંપન્ન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

ગુજરાતે કોરોના સંક્રમણના કપરા કાળમાં પણ વિકાસયાત્રાની અવિરત કૂચ જારી રાખતાં આ કોરોનાના સમય દરમયાન રાજ્યમાં ૧૭ હજાર કરોડ રૂપિયાના લોકાર્પણ-ભૂમિપૂજનના વિકાસ કામો-પ્રજાહિત કામો લોકોના ચરણે ધર્યા છે. એમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ કે, એકલા અમદાવાદ મહાનગરમાં જ કોરોનાના સમયમાં રૂ. ર૮પ૭ કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ આંકડાઓ જ દર્શાવે છે કે વિકાસ કામોની તેજ રફતાર છે અને તે સ્વયં પૂરવાર કરે છે કે ગુજરાત આપત્તિ સામે ન ઝૂકયું છે ન રોકાયું છે.

મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરના રૂ.૧૦૭૮ કરોડના ૭ર વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન ગાંધીનગરથી વિડીયો કોન્ફરનસ દ્વારા સંપન્ન કર્યા હતા.  તદઅનુસાર રૂ. ૯ર કરોડના ઇ-લોકાર્પણ અને રૂ.૯૮૬ કરોડના ઇ-ખાતમૂર્હત અન્વયે હાઉસીંગ પ્રોજેકટ, વોટર પ્રોજેકટ, અર્બન હેલ્થ સેન્ટર-હોલ નવિનીકરણ, ગાર્ડન, પ્રધાનમંત્રી આવાસ, બ્રિજ પ્રોજેકટ વગેરેનો સમાવેશ થાય છે.

આ અવસરે મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ અમદાવાદના મેયર બિજલ પટેલ અને સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષ  અમૂલભાઇ, કમિશનર મુકેશકુમાર ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ ૬૦૦ વર્ષ જૂનું અને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ સમયની સાથે ચાલીને આધુનિક મહાનગર, વિશ્વકક્ષાના શહેર તરીકે પ્રસ્થાપિત થયું છે તે માટે શહેરી સત્તાતંત્રને અભિનંદન આપ્યા હતા.

તેમણે સ્પષ્ટ કહ્યું કે, છેલ્લા રપ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમદાવાદની આધુનિક કાયાપલટ થઇ છે. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રસ્તા, ગટર, લાઇટ, પાણી જેવી પાયાની માળખાગત સુવિધા સાથે રિવરફ્રન્ટ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર, ઘન કચરા વર્ગીકરણ અને યોગ્ય નિકાલ વ્યવસ્થા, પર્યાવરણ જાળવણી સહિતના ક્ષેત્રોમાં અમદાવાદ મહાપાલિકાએ સુઆયોજિત વ્યવસ્થાપન કર્યુ છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, પર્યાવરણ, પાણી, પ્રકાશ, બધી ચિંતા કરીને જનસુખાકારી વધારી છે. રાજ્યના નગરો-મહાનગરોમાં ઇઝ ઓફ લીવીંગ વ્યાપકપણે સુધારીને શહેરો રહેવાલાયક, માણવાલાયક બનાવ્યા છે. નિવૃત્ત જીવન વિતાવતા અન્ય પ્રાંતના વરિષ્ઠ લોકો પણ એટલે જ અમદાવાદમાં કાયમી વસ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, રાજ્યના શહેરી વિકાસ વિભાગે પણ અદ્યતન શહેરી વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ પર્યાવરણ જાળવણી વગેરેનું ધ્યાન રાખીને સંતુલિત વિકાસની ચિંતા કરી છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં કામો વિલંબમાં પડતા અને ખાતમૂર્હત થાય પછી વરસો સુધી સ્થિતી ઠેરની ઠેર રહેતી પથરા એમને એમ પડયા રહેતા તેવી સ્થિતી હતી તેવી મુખ્યમંત્રીએ ટિપ્પણી કરી હતી.

વિજયભાઇ રૂપાણીએ આ અંગે કહ્યું કે, આવા વિલંબથી કામો થતા નહિ, જે બજેટ કામ માટે ફાળવ્યું હોય તેમાં પણ ચાર ગણો-પાંચ ગણો વધારો વિલંબના કારણે થઇ જતો. ભારતીય જનતા પાર્ટીએ સમયબદ્ધ, ગુણવત્તાયુકત અને સમય કરતા વહેલા કામો પૂરાં કરવાની કાર્યસંસ્કૃતિ વિકસાવી છે. જેના ભૂમિપૂજન અમે કરીયે તેના લોકાર્પણ અમે જ કરીએ એવો અમારો મંત્ર છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.  મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, નગરો-મહાનગરોના વિકાસ કામો માટે સરકાર કયારેય નાણાંની કમી ઊભી થવા દેતી નથી. તમે કામ લાવો, પૈસાની ચિંતા રાજ્ય સરકાર કરશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.