દેશના ૧૬,૦૦૦ પોલીસ સ્ટેશન સીસીટીવી કેમેરાની ‘બાજ નજર’ નીચે?

સુપ્રીમે વર્ષ ૨૦૧૮માં કરેલા આદેશ અનુસંધાને રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશના મુખ્ય સચિવોને ૨ મહિનામાં પરિસ્થિતિ જાહેર કરવા આદેશ કર્યો

સર્વોચ્ચ અદાલતે બુધવારના રોજ રાજ્ય સરકારના ચિફ સેક્રેટરી તેમજ કેન્દ્ર શાસીત પ્રદેશને દેશના ૧૬,૦૦૦ પોલીસ સ્ટેશન ખાતે સીસીટીવી કેમેરા લગાવવા અંગે પ્રશ્ર્નો પુછતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૮ની એપ્રીલ ૩ના રોજ પોલીસ સ્ટેશનોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આજે આશરે અઢી વર્ષના સમયગાળા બાદ આ કામગીરી કેટલા અંશે પૂર્ણ થઈ છે તેનો જવાબ રજૂ કરવામાં આવે. સુપ્રીમે સાથો સાથ પોલીસ કર્મીઓ માટે વાહન, મોબાઈલ, વાયરલેસ સેટ તેમજ સ્વચ્છ પીવાનું પાણી અને શૌચાલયની વ્યવસ્થા છે કે કેમ તે અંગે દેશભરના મુખ્ય સચિવોને બે મહિનામાં ઈન્સ્ટોલેશનની સ્થિતિ અંગે જવાબ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

ન્યાયમુર્તિ આર.એફ.નરીમન, નવીન સિન્હા અને ઈન્દિરા બેનર્જીની ખંડપીઠે કહ્યું હતું કે, અમે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા અંગેની ચોક્કસ સ્થિતિ તેમજ  ૩ એપ્રીલ ૨૦૧૮માં ઓવરસાઈડ કમીટીની રચના અંગેની સ્થિતિ જાણવા માંગીએ છીએ. ઉલ્લેખનીય બાબત છે કે, દેશભરમાં ૧૦,૦૦૦ પોલીસ મથકો ગ્રામ્ય વિસ્તારમાં અને ૫૦૦૦ પોલીસ મથક શહેરી વિસ્તારમાં આવેલા છે. ભારત પાસે કુલ ૨૩ લાખ પોલીસ જવાનોનું સંખ્યાબળ છે. જેમાંથી ફકત ૬ લાખ પોલીસ કર્મીઓને જ આવાસની સહાય મળી છે.

ખંડપીઠે કહ્યું હતું કે, અમે દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસીત પ્રદેશોના મુખ્ય સચિવ પાસે ઉપરોક્ત તમામ બાબતને ગંભીરતાથી લેવામાં આવે તેવી અપેક્ષા રાખીએ છીએ કારણ કે તે ભારતના બંધારણની કલમ ૨૧ હેઠળ નાગરિકના મુળભૂત અધિકારોની શોધ કરે છે. ૨૪ નવેમ્બરના રોજ મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યાં સુધીમાં આ તમામ માહિતીઓ તૈયાર કરી સુપ્રીમને સોંપવાની રહેશે તેઓ આદેશ કરવામાં આવ્યો છે.

૩ એપ્રીલ ૨૦૧૮ના રોજ પોલીસ દ્વારા વીડિયોગ્રાફીનો ઉપયોગ કરવા અંગેના મામલામાં સુપ્રીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથો સાથ પશ્ર્ચિમના રાજ્યોમાં પોલીસ દ્વારા ગુનેગારો-આવારા તત્ત્વો સાથે કરવામાં આવેલા ગેરવર્તુળક અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે મામલામાં સુપ્રીમે માનવઅધિકારના દુરઉપયોગને રોકવા હેતુસર પોલીસ મથકો અને જેલોમાં સીસીટીવી કેમેરા લગાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. પોલીસ સ્ટેશનમાં લગાવવામાં આવેલા તમામ કેમેરાનું નિયમીતપણે નિરીક્ષણ કરવા તેમજ કોઈ અઘટીત ઘટના ન બને તે અંગેની કાળજી લેવા સુપ્રીમે ખાસ એક કમીટીની રચના કરવા અંગે પણ આદેશ કર્યો હતો. મામલામાં કોર્ટે પોલીસ મથકોમાં સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવા અંગેનું સુચન સ્વીકાર કરતા તાત્કાલીક ધોરણે તમામ પોલીસ મથકમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો આદેશ કર્યો હતો. ન્યાયમુર્તિ નરીમનની ખંડપીઠ દ્વારા પોલીસ મથકોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રીત કરવાના તરફેણમાં કરતો હતો. જેથી આ આદેશનું પાલન કરવું અતિ આવશ્યક હોય, સુપ્રીમે ફરીવાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સાશીત પ્રદેશોના મુખ્ય સચિવોને આ મામલે બે મહિનામાં પરિસ્થિતિની સમીક્ષા અંગેનો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.

મહત્વપૂર્ણ બાબત છે કે, ઘણી ખરી વાત ગ્રામ્ય વિસ્તારોમાં ગુનેગાર અથવા તો ફરિયાદી સાથે દુરવ્યવહાર સાથેના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. જેમાં માનવ અધિકારનું હનન થતું જણાય છે. જેના પરિણામે તમામ પોલીસ મથકોમાં જો સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો આ પ્રકારની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો નોંધાવાની શકયતા સેવાઈ રહી છે. જો કે, સીસીટીવી કેમેરા પોલીસ મથકમાં કઈ જગ્યાએ લગાવવામાં આવે છે અને આરોપી કે ફરિયાદી સાથે કઈ જગ્યાએ ઈન્ટ્રોગેશન કરવામાં આવે છે તે બાબત પણ મહત્વપૂર્ણ છે. પરંતુ ચોકકસ કહી શકાય કે, સીસીટીવી કેમેરા લગાવવાથી આ પ્રકારની ઘટનાઓને મહદઅંશે ઘટાડી શકાય છે.

Loading...