Abtak Media Google News

આગામી ૨૦૧૯ લોકસભા ચૂંટણી જીતવા રાષ્ટ્રની સુરક્ષા, સામાજીક સમરસતા અને લોક કલ્યાણની યોજનાઓ ભાજપનો મુખ્ય મુદ્દો રહેશે

૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ગત ૨૦૧૪ની ચૂંટણી કરતા પણ વધુ બેઠકો જીતવાનો વિજય વિશ્વાસ ભાજપ શાસીત ૧૫ રાજયોના મુખ્યમંત્રીઓએ ગઈકાલની કાઉન્સીલ બેઠકમાં વ્યકત કર્યો હતો. આગામી ચૂંટણી રાષ્ટ્રની સુરક્ષા, સામાજિક સમરસતા અને લોક કલ્યાણની યોજનાઓને મધ્યમાં રાખી લડવાનો વ્યૂહ પણ બેઠકમાં મુકવામાં આવ્યો હતો.

આગામી લોકસભા ચૂંટણીમાં વિરોધ પક્ષોનું મહાગઠબંધન કઈ પ્રકારની મુશ્કેલીઓ ઉભી કરી શકે ઉપરાંત ચૂંટણીમાં ભાજપને અન્ય કઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે તે અંગે ગઈકાલે ભાજપ શાસીત ૧૫ રાજયોના મુખ્યમંત્રીઓની બેઠક થઈ હતી. જેમાં વડાપ્રધાન મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, મંત્રી રાજનાથસિંહ, મંત્રી અરૂણ જેટલી અને મંત્રી નીતિન ગડકરી સહિતના હાજર રહ્યાં હતા.

આ બેઠકમાં ખેડૂતોની આવક બમણી કરવાનો મુદ્દો ચર્ચાયો હતો. પાકના લઘુતમ ટેકાના ભાવ અંગે પણ રાજયોના મુખ્યમંત્રીઓએ પોતાનો મત વ્યકત કર્યો હતો. આ ઉપરાંત ઓબીસી કમીશનની ચર્ચા પણ આ બેઠકમાં થઈ હતી. આગામી સમયમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણી છે ત્યારે મોદી અને શાહે આ ત્રણેય રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ચૂંટણીની તૈયારીઓ અને રણનીતિ અંગે ગહન ચર્ચા કરી હતી.

આગામી લોકસભા ચૂંટણીમાં સામાજીક સમરસતાના મુદ્દા હેઠળ પછાત સમાજના ઉત્થાન તેમજ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દા પર વધુ પ્રમાણમાં ધ્યાન અપાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓથી લોકોને વધુમાં વધુ વાકેફ કરવા પણ ભાજપે તખ્તો ઘડી કાઢયો છે. દલીત સમાજ, ખેડૂત વર્ગને મધ્યમાં રાખી કેન્દ્ર સરકારે ઘડેલી યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવા અભ્યાન ચલાવવાની વાત પણ ચર્ચાઈ હતી.

વર્ષ ૨૦૧૪માં યુપીએ સરકારના કૌભાંડો અને ભ્રષ્ટાચારથી કંટાળેલી પ્રજાએ કેન્દ્રમાં એનડીએ સરકારને ભરપૂર મત આપીને ચૂંટી કાઢી હતી. ભાજપનો આ વિજય ઐતિહાસિક ગણાવવામાં આવ્યો હતો. ત્યારે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૦૧૪ કરતા પણ વધુ બેઠકો જીતવાનો વિજય વિશ્ર્વાસ ભાજપ શાસીત ૧૫ રાજયોના મુખ્યમંત્રીઓએ ગઈકાલે વ્યકત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.