Abtak Media Google News

સ્વાઈન ફલુ ગુજરાત આખાને ધમરોળી રહ્યું છે

રોજબરોજનાં વાતાવરણના પલટાથી હોળી સુધી સ્વાઈન ફલુનો કહેર યથાવત રહેવાની શકયતા

હાલ કહી શકાય કે સ્વાઈનફલુ સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યું છે અને ગુજરાત આખામાં સ્વાઈનફલુનો કહેર ઠેર-ઠેર જોવા મળી રહ્યો છે ત્યારે અનેકવિધ શહેરોમાં ઘણા પોઝીટીવ કેસો સ્વાઈનફલુને લઈ જોવા મળી રહ્યા છે ત્યારે સુરતમાં એક જ દિવસમાં ૧૪ પોઝીટીવ કેસો નોંધાયા છે. જેનાથી સુરત શહેરમાં જાણે હાહાકાર મચી ગયો હોય તેવું લાગી રહ્યું છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સ્વાઈનફલુના ૧૪ પોઝીટીવ કેસો નોંધાયા હતા જેમાંથી ૧૨ કેસ સુરત શહેરમાં જ નોંધાયા છે જે ખુબ જ ગંભીર બાબત ગણવામાં આવી રહી છે જેમાં ૧૮૭ લોકો એચ-૧ એન-૧ બિમારીથી પીડાય રહ્યા છે જેમાં એક દર્દીનું મોત પણ નિપજયું છે તેવું પણ સામે આવ્યું હતું.

ગુરુવારના રોજ સુરત ગ્રામ્યમાં સ્વાઈનફલુને લઈ બે પોઝીટીવ કેસો નોંધાયા હતા. જેનો કુલ આંકડો ૩૩ સુધી પહોંચ્યો છે. આ ૩૩ લોકોમાંથી ૩ લોકોના મોત પણ નિપજયા હોવાનું સામે આવ્યું હતું. નવા કેસો જે સ્વાઈનફલુને લઈ નોંધાયા છે જેમાં પાંચ વર્ષથી નીચેના ૩ બાળકોનો પણ સમાવેશ થાય છે જેમાં અઠવાલાયન્સની ૪ વર્ષીય બાળકીનું પણ નામ સામે આવ્યું હતું. સુરત શહેરની વાત કરવામાં આવે તો સીટી લાઈટ વિસ્તારમાંથી પાંચ મહિલાઓ, રીંગરોડ, વરાછા, લલીતા ચોક, આમરોલી અને કોઝ-વે રોડ ઉપર સ્વાઈનફલુના પોઝીટીવ કેસો નોંધાયા હોવાનું પણ સામે આવ્યું હતું. જયારે સુરત ડિસ્ટ્રીકટની વાત કરવામાં આવે તો ઓલપાડ વિસ્તારમાં એક મહિલા અને કામરેજમાં એક પુરુષને સ્વાઈનફલુની અસર જોવા મળી હતી.

ત્યારે વાત એવી પણ સામે આવી રહી છે કે, રોજબરોજ વાતાવરણમાં પલટાના કારણે સ્વાઈનફલુની અસર અને કહી શકાય કે સ્વાઈનફલુનો કહેર યથાવત રહેવાની શકયતા સેવાઈ રહી છે. સ્વાઈનફલુને લઈ રાજકોટમાં પણ વધુ ૬ પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જેમાં લોઠડાના હરીજનવાસમાં રહેતા ૫૦ વર્ષની મહિલા, સાથોસાથ રાજકોટ શહેરની શ્રદ્ધા સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષના પ્રૌઢ, હાથીખાના રોડ ઉપર ૫૦ વર્ષની મહિલા, રૈયા રોડ પર શ્રીજી પાર્કમાં રહેતા ૩૨ વર્ષનો યુવાન, માણાવદરની સરકારી હોસ્પિટલ સામે રહેતા ૫૦ વર્ષની મહિલા અને અમરેલીના નારણગઢમાં રહેતી ૫૦ વર્ષની વધુ એક મહિલાનો સમાવેશ થયો છે. આ સાથે જ કહી શકાય કે રાજકોટમાં પણ સ્વાઈનફલુના અત્યાર સુધી ૩૩૦ કેસો પોઝીટીવ આવ્યા છે જેમાં રાજકોટ શહેરના ૧૦૫ દર્દીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં હજુ પણ ૪૭ દર્દીઓ સારવાર હેઠળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.