Abtak Media Google News

માઈન્ડ ગેમ ક્રિકેટમાં કેટલાક ખેલાડીઓ પ્રભાવશાળી પ્રદર્શન દ્વારા સિધ્ધી મેળવી ચૂકયા છે. ત્યારે વડોદરાનો ૧૩ વર્ષિય ટબુડિયો ભવિષ્યમાં ‘ટીમ ઈન્ડીયામાં’ પ્રવેશવાની જોરશોરથી તૈયારી કરી રહ્યો છે

સોમવારે જ્યારે ૧૩ વર્ષનો પ્રિયાંશુ મોલિયા મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા ક્રિઝ પર ઉતર્યો ત્યારે તેની ટીમના તમામ લોકોને આશા હતી કે આજે પ્રિયાંશુનું બેટ રનનું તોફાન લઈ આવશે અને ૧૩ વર્ષનો પ્રિયાંશુએ આ લોકોની આશા સાચી પાડી તેટલું જ નહીં પણ તેમણે જ્યાં ફક્ત રનનું તોફાન ધાર્યું હતું ત્યાં પ્રિયાંશુએ રનની સુનામી લાવી અને સામેની ટીમના તમામ બોલર આ સુનામીમાં ડુબી ગયા.

વડોદરામાં ચાલી રહેલ અન્ડર ૧૪ ડી.કે. ગાયકવાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યોગી ક્રિકેટ એકેડિમી વિરુદ્ધ રમતા મોહિન્દર અમરનાા એકેડમીના પ્રિયાંશુંએ ૨ દિવસમાં ૫૫૬ રન બનાવીને તમામ રેકોર્ડ તોડતા પોતને ટોચ પર લઈ ગયો છે. વિરોધી ટીમના એક પણ બોલર પાસે પ્રિયાંશુના ધૈર્ય અને ટેક્નિનકને જવાબ દેવામાં કોઈ બોલ જ નહોતો. તેણે ૩૧૯ બોલમાં ૯૮ ચોક્કાની મદદી ૨૦૧૩માં અંડર ૧૬માં પૃથ્વી શો દ્વારા કરવામાં આવેલ ૫૪૬ રનના વિક્રમને તોડી નાખ્યો હતો.

જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે પ્રિયાંશુએ કહ્યું કે, મે કોઈ ટાર્ગેટ સેટ નહોતો કર્યો બસ મેદાનમાં ઉતર્યો અને રમવા લાગ્યો. નોર્મલ ગેમ રમ્યો અને બેટ અને બોલનું ટાઇમિંગ ધ્યાન રાખ્યું રન પોતાની જાતે આવતા રહ્યા. જેમ જેમ રમત આગળ વધતી રહી તેમ તેમ મારો આત્મવિશ્વાસ પણ વધતો રહ્યો. પ્રિયાંશું મોહિન્દર લાલ અમરનાા ક્રિકેટ એકેડમી વતી આ મેચ રમ્યો હતો. ફક્ત બેટિંગ જ નહીં બોલિંગમાં પણ પ્રિયાંશુએ કાઠું કાઢ્યું છે. તે પેસ અને ઓફ બ્રેક બંને પ્રકારના બોલ નાખી શકે છે. આ મેચમાં તેણે કુલ ૬ વિકેટ ઝડપી છે.

જ્યારે પ્રિયાંશુને પૂછવામાં આવ્યું કે આટલું નાનું ગ્રાઉન્ડ હોવા છતા તેના આ વિરાટ સ્કોરમાં સિક્સ ઓછી અને ફોર વધારે છે. તો તેણે કહ્યું કે, મને કોચે હંમેશા ગ્રાઉન્ડ શોટ વધુ મારવાની સલાહ આપી છે અને તેને જ મે ફોલો કરી છે. ગત વર્ષે પણ ડી.કે. ગાયકવાડ ટુર્નામેન્ટમાં ૨ વાર ડબલ સેન્ચૂરી મારી હતી. તેના પિતા સુરેશ મોલિયાએ કહ્યું કે, તે જ્યારે ૮ વર્ષનો હતો ત્યારે જ મને તેમાં રહેલી ટેલેન્ટ સમજાઈ ગઈ હતી જેથી અમે તેની પાછળ મહેનત કરવાનું નક્કી કર્યું હતું.

રાજકોટમાં ક્ધસ્ટ્રક્શનના વેપાર સાથે સંકાળાયેલ પિતા સુરેશ મોલિયાએ કહ્યું કે, મે જ્યારે તેને ટેનિસના બોલી મરતા જોયો અને કેટલાક નેચરલ શોટ્સ જોયા ત્યારે પૂછ્યું કે તારે ક્રિકેટની ટ્રેનિંગ લેવી છે તો તેણે મને તરત હા પાડી, તેથી મે તેને રાજકોટમાં પૂર્વ રણજી ખેલાડી અનિલ ઠકરાલ પાસે ટ્રેનિંગ અપાવી પરંતુ વધુ સારી તક માટે જરુરી હતું કે તે વધુ મેચ રમે જેથી અમે વડોદરા શિફ્ટ થઈ ગયા. અહીં તેને ડી.કે. ગાયકવાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવાનો ચાન્સ મળ્યો અને હવે આગળ વધી રહ્યો છે.

પ્રિયાંશુ અન્ડર ૧૬ વિજય હઝારે ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ રમી ચૂક્યો છે. તેણે કહ્યું કે હવે મારુ લક્ષ્ય વધુ સારી રીતે ક્રિકેટ રમવાનું છે. હું સતત મારા ટેલેન્ટની વધુ સારી અને સારી રીતે વિકસાવી મારી રમતને વધુ ઇમ્પ્રુવ કરવા માગુ છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.