Abtak Media Google News

માણાવદરનાં થાનીયાણામાંથી રેઢીયાળ ૧૮ ગૌવંશોને ચોરી કતલના ઈરાદે લઈ જતા શખ્સોને ગૌરક્ષકોએ ઝડપ્યા

માણાવદર તાલુકાના થાનીયાળા ગામેથી ત્રણ ટ્રકોમાં ૧૮ ગૌવંશોને ઘાસચારો કે પાણીની સુવિધા વગર ક્રુરતાથી બાંધીને કતલ કરવાના ઇરાદે લઈ જતા હોવાની ગૌસેવકોને બાતમી મળતા ગૌસેવકો દ્વારા ટ્રકોનો પીછો કરી જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસે આજે રાત્રીના પકડીને વીરપુર પોલીસના હવાલે કર્યા. માણાવદર તાલુકાના થાનીયાળા ગામેથી રેઢીયાળ ૧૮ ગૌવંશોને ચોરી કરી તેને કતલ કરવાને ઇરાદે ત્રણ ટ્રકોમાં ભરીને ભરૂચ જીલ્લામાં કેટલાક શખ્સો લઈ જતા હોવાની બાતમીને આધારે માણાવદર, જુનાગઢ અને ઉપલેટાના ગૌસેવકો દ્વારા બપોરના પાંચેક વાગ્યેથી ત્રણેય ટ્રકોનો પીછો કરતા ટ્રકો અલગ અલગ અને પુર ઝડપે ચાલતા હોઈ રોડ પર ઉભા રાખવા અશક્ય હોય ગૌસેવકો અલગ અલગ થઈને પીછો કરવા લાગ્યા પરંતુ ટ્રકોની ઝડપને આંબી ન સકતા ગૌસેવકો દ્વારા જેતપુરના પીઠડીયાના ટોલનાકે ટ્રકો ટોલટેક્ષ ભરવા માટે ઉભા રહશે તેવા વિચારે બધા ટોલનાકે પહોંચીને વોચ ગોઠવતા પીછો કરેલ ટ્રકો નજરે પડ્યા જેથી ગૌસેવકોએ ટોલટેક્ષ ભરવા ઉભેલ ટ્રકના ફરતે બાંધેલ તાલપત્રી હટાવીને જોતા તેમાં ગૌવંશો નજરે પડયા અને તેમાં ગૌવંશોને ઘાસચારો કે પાણીની સુવિધા વગર ક્રુરતાથી બાંધેલ હોય ટ્રક ચાલકોની પુછપરછ કરતા તેઓ યોગ્ય જવાબ આપી ન શક્યા અને એટલી વાર બાકીના બે ટ્રકો પણ ત્યાં આવી પહોંચ્યા તેમાં પણ આ રીતે જ ગૌવંશો ભરેલ હોવાથી તે ટ્રક ચાલકોને પણ ગૌસેવકોએ ઝડપી વીરપુર પોલીસને બોલાવી ત્રણ ટ્રકોમાંથી પકડેલા ૧૩ શખ્સોને પોલીસને હવાલે કર્યા હતા. અને પોલીસે આ તેર શખ્સોની પુછપરછ કરી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમ ૧૯૬૦ મુજબ કાર્યવાહી કરી હતી અને તમામ ગૌવંશ પશુઓને જેતપુર પાંજરાપોળમાં મોકલી આપી આગળની તપાસ વીરપુર પોલીસ ચલાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.