Abtak Media Google News

ટીપી સ્કીમમાં ખાનગી માલિક અને સરકારને સંયુકત રીતે એક સર્વે નંબરમાં ફાઈનલ પ્લોટ ફાળવી દેવાયા બાદ વહીવટી તંત્ર ચકડોળે ચડયું

રાજકોટની ૧૨ સોસયાટીઓની જમીનમાં ટાઉન પ્લાનીંગ સ્કિમ બની થયા બાદ ખાનગી માલિક અને સરકારને સંયુકત રીતે એક જ સર્વે નંબરમાં ફાઈનલ પ્લોટ ફાળવી દિધા હોવાથી સુચિત સોસાયટીઓમાંથી કેટલી જમીન સરકારની છે અને કેટલી જમીન ખાનગી છે તે નકકી કરવામાં વહિવટી તંત્ર ચકડોળે ચડયું હતું. આ મામલે ગઈકાલે મળેલી બેઠકમાં ૮ દિવસની અંદર નિર્ણય લઈ લેવા ડીએલઓને આદેશ આપવામાં આવ્યો છે.

રાજકોટની સરદાર પટેલ પાર્ક, વિક્રાંત સોસાયટી, વિસરાંતી સોસાયટી, ન્યુ સુભાષનગર, નંદની પાર્ક, કિરણ સોસાયટી, રાજલક્ષ્મી સોસાયટી, માધવ પાર્ક-ન્યુ યોગીનગર, ઋષિકેશ સોસાયટી, પેરેમાઉન્ટ સોસાયટી, મહેશનગર સોસાયટી અને કૃષ્ણજી સોસાયટીમાં ટાઉન પ્લાન સ્કીમ બની હતી જેમાં ખાનગી માલિક અને સરકારને સંયુકત રીતે એક જ સર્વે નંબરમાં ફાઈનલ પ્લોટ નંબર ફાળવી દેવામાં આવ્યો હોવાથી આ સુચિત સોસાયટીઓમાંથી કેટલી જમીન સરકારની છે અને કેટલી ખાનગી છે તે નકકી કરવામાં વહિવટી તંત્ર ચકડોળે ચડયું હતું.

મામલતદાર દ્વારા જો આ મામલે નિર્ણય લેવામાં આવે અને ભવિષ્યમાં કોઈ પ્રશ્ર્નો ઉભા થાય તો જવાબદારી ન બને તે માટે આ પ્રશ્ર્ન કલેકટર સમક્ષ મુકવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરે ગઈકાલે આ સંદર્ભે સુચિત સોસાયટીઓની કામગીરી સાથે સંકળાયેલા મામલતદારો, મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર, નગર નિયોજક, પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓને બોલાવીને બેઠક યોજી હતી. અધિકારીઓની હાજરીમાં આ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કર્યા બાદ આ ૧૨ સુચિત સોસાયટીઓની જમીન ખાનગી છે કે સરકારી તે મુદ્દે ૮ દિવસમાં નિર્ણય લઈ લેવાડીએલઓને આદેશ આપ્યો છે.

મંજુર થયેલી ૯૭૪ સુચિત સોસાયટીઓએ પૈસા જ ન ભર્યા !!

પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, તાલુકા મામલતદાર કચેરીના વિસ્તારમાં મંજુરપાત્ર ૩૦૨૫ સુચિત સોસાયટીઓમાંથી ૨૭૯૧ના મળી મંજુર: ૧૮૧૭ સોસાયટીએ પૈસા ભર્યા

ખેતીલાયક જમીનને બિનખેતીમાં તબદિલ કરાવ્યા વગર સુચિત સોસાયટીઓ ખડકી દેવાયા બાદ આવી સોસાયટીઓમાં રહેતા લોકોના લાભાર્થે રાજય સરકારે સુચિત સોસાયટીઓ રેગ્યુલરાઈઝ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે તેની અમલવારી હાલ ચાલું છે. આ સ્કીમ હેઠળ રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ તાલુકા મામલતદાર કચેરી હેઠળ આવતા વિસ્તારોમાં ૩૦૨૫ સુચિત સોસાયટીઓ રેગ્યુલરાઈઝડ થવા પાત્ર હતી. જેમાંથી ૨૭૯૧ સોસાયટીઓને મંજુરી પણ આપી દેવામાં આવી છે પરંતુ આમાંથી ૧૮૧૭ સોસાયટીએ જ પૈસા ભર્યા છે. ૯૭૪ સોસાયટીએ મંજુર મળ્યા બાદ પણ પૈસા ભર્યા નથી.

રાજકોટ પૂર્વમાં ૯૮૪ મંજુરપાત્ર થતી સોસાયટીઓમાંથી ૮૬૦ને મંજુરી મળી છે જેમાંથી ૬૦૪ સોસાયટીઓએ જ પૈસા ભર્યા છે. આજ રીતે પશ્ચિમમાં ૧૭૪ મંજુરપાત્રમાંથી ૧૬૫ને મંજુરી મળ્યા બાદ ૧૪૪ સોસાયટીઓએ જ પૈસા ભર્યા છે. દક્ષિણમાં ૧૮૩૩ મંજુરપાત્રમાંથી ૧૭૩૨ને મંજુરી મળ્યા બાદ ૧૦૪૯ સોસાયટીએ પૈસા ભર્યા છે જયારે તાલુકામાં ૩૪ મંજુરપાત્ર માંથી તમામને મંજુરી મળ્યા બાદ ૨૦ સોસાયટીએ જ પૈસા ભર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.