Abtak Media Google News

બાયો ડિઝલના પેટ્રોલ પંપ પર અનઅધિકૃત રીતે વેચાણ થતું હોવાનું ખુલ્યું: પુરવઠા વિભાગે તપાસમાં ઝંપલાવ્યું: ડિઝલ ભેળસેળ કરેલું હોવાની શંકા સાથે એફએસએલની લેવાતી મદદ

પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોચતા પેટ્રોલ અને ડિઝલમાં ભેળસેળ થવાની સાથે બાયો ડિઝલ ખેતીના બદલે વાહનના ઇંધણ તરીકે વપરાતું હોવાની ઉઠેલી ફરિયાદના પગલે ગતમોડી રાતે કુવાડવા રોડ પર અને સોખડા નજીક બે સ્થળે એસઓજી સ્ટાફે દરોડો પાડી રૂા.૬.૭૧ લાખની કિંમતનો ૧૧,૭૦૦ લિટર ડિઝલનો શંકાસ્પદ જથ્થો સીઝ કરી પુરવઠા વિભાગને ડિઝલ અંગે વિશેષ તપાસ કરવા જાણ કરવામાં આવી છે. ડિઝલ ભેળસેળવાળુ હોવાની શંકા સાથે એફએસએલની મદદ લેવામાં આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલા સોખડા પાસે સોમનાથ બોરવેલનો વ્યવસાય કરતા ભાવેશ બાલધા અને દિક્ષિત વઘાસીયા નામના શખ્સો પાસે ડિઝલનો શંકાસ્પદ જથ્થો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. પી.આઇ. આર.વાય.રાવલ, હેડ કોન્સ્ટેબલ ભાનુભાઇ મિયાત્રા, કિશનભાઇ આહિર, ધર્મેન્દ્રસિંહ રાણા અને અજયભાઇ શુકલ સહિતના સ્ટાફે દરોડો પાડી રૂા.૫.૩૩ કિંમતના ૯૨૦૦ લિટર ડિઝલ મળી આવતા પોલીસે તેની પાસેથી બે ફ્યુલ પંપ અને કેરબા મળી રૂા.૬.૩૪ લાખનો મુદામાલ સીઝ કર્યુ છે.

દરમિયાન કુવાડવા રોડ પર ચાંદની હોટલ પાસે એકતા એન્ટર પ્રાઇઝ નામથી ધંધો કરતા શબ્બીર આદમ જુણેજા અને મયુર ઉર્ફે મહેશ બાબુભાઇ સીંગડીયા પાસે પણ ડિઝલનો શંકાસ્પદ જથ્થો હોવાની બાતમી મળતા બંને શખ્સો પાસેથી રૂા.૧.૩૭ લાખની કિંમતની ૨૫૦૦ લિટર ડિઝલ મળી આવતા તેઓ પાસેથી બે ફયુલ પંપ અને રૂા.૨૩,૮૦૦ રોકડા સીઝ કરી પુરવઠા વિભાગને જાણ કરી હતી.

ચારેય શખ્સો પાસેથી મળી આવેલો ડિઝલનો જથ્થો ભેળસેળવાળો છે કે કેમ તે અંગેની તપાસ કરવા એફએસએલને સેમ્પલ મોકલવામાં આવ્યા છે.

તેમજ બાયો ડિઝલ ટ્રક ચાલકને વેચાણ થતુ હોવાથી પુરવઠા વિભાગને પણ આ અંગે ઉંડી તપાસ કરવા એસઓજી દ્વારા જાણ કરવામાં આવી છે.

એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે બીજી તરફ પુરવઠા વિભાગ દ્વારા પણ ડિઝલ કયા પ્રકારનું છે અને કંઇ રીતે વેચાણ થતુ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.