Abtak Media Google News

અવ્યવસ્થા ન સર્જાય તે માટે લાભાર્થીઓને ફિકસ ટાઈમીંગવાળા કલરકોડ સાથેના ટોકન અપાશે: સ્ટે.ચેરમેન ઉદય કાનગડ અને આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરની જાહેરાત

મહાપાલિકા દ્વારા આગામી રવિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ડી.એચ.કોલેજ ખાતે ગુજરાતનો પ્રથમ આયુષ્માન ભારત, માં વાત્સલ્ય અને માં અમૃતમ કાર્ડનો કેમ્પ યોજાવાનો છે જેના માટે રજીસ્ટ્રેશનની કામગીરી ગઈકાલે સાંજે પૂર્ણ કરવામાં આવી છે.

માં વાત્સલ્ય કાર્ડ માટે ૧૧૫૦૦ પરીવાર અને આયુષ્માન કાર્ડ માટે ૨૫૦૦૦ પરીવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. લાભાર્થીએ કાર્ડ કઢાવવા માટે રેશનકાર્ડમાં પરીવારના જેટલા સભ્યોના નામ હશે તે તમામ સભ્યો સાથે કેમ્પમાં ફરજીયાત ઉપસ્થિત રહેવું પડશે. મેગા કેમ્પમાં કોઈ અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે લોકોને ફિકસ ટાઈમીંગવાળા અને કલરકોડ સાથેના ટોકન આપવામાં આવશે જેનું વિતરણ આવતીકાલથી અલગ-અલગ વોર્ડ ઓફિસ ખાતે શરૂ કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, વોર્ડ ઓફિસ ખાતે ગત ૧ થી ૬ ફેબ્રુઆરી દરમિયાન માં વાત્સલ્ય યોજના માટેના ફોર્મનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૧૧,૫૦૦ જેટલા પરીવારોએ ફોર્મ જમા કરાવ્યા છે.

જયારે આયુષ્માન કાર્ડ માટે અંદાજીત ૨૫૦૦ જેટલા પરીવારોને ફોર્મનું વિતરણ કરાયું છે. આગામી રવિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનારા મેગા કેમ્પમાં લાભાર્થીના પરીવારનું માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્માન કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

જેના માટે લાભાર્થીના પરીવારના રાશનકાર્ડમાં જેટલા નામ હોય તે સભ્યોએ ફોટા પડાવવા માટે અને અંગુઠાનું નિશાન આપવા માટે ફરજીયાતપણે કેમ્પમાં હાજરી આપવાની રહેશે. આયુષ્માન કાર્ડ અંતર્ગત દેશની ૧૩૮૦૩, ગુજરાતની ૨૬ હજાર અને રાજકોટની ૨૫ જેટલી હોસ્પિટલોમાં અલગ-અલગ ૧૭૯૫ પ્રકારની બિમારીની કેશલેશ સારવાર આપવામાં આવશે. પરીવારદીઠ વાર્ષિક ૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે અપાશે.

જયારે મુખ્યમંત્રી અમૃતમ અને માં વાત્સલ્ય યોજનામાં મધ્યમ વર્ગના પરીવારો કે જેમની વાર્ષિક આવક ૩ લાખથી ઓછી છે અને સિનિયર સિટીઝન કે જેઓની વાર્ષિક આવક ૬ લાખથી ઓછી છે તેઓને શહેરની અલગ-અલગ ૧૧ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

કેમ્પ દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે લાભાર્થીઓને ફિકસ ટાઈમીંગવાળા કલરકોડ સાથેના ટોકન આપવામાં આવશે. આવતીકાલથી અલગ-અલગ વોર્ડ ઓફિસ ખાતે ટોકનનું વિતરણ શરૂ કરી દેવામાં આવશે.

નારાયણનગર આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન કાર્ડનું સર્વર ઠપ્પ

શહેરમાં હાલ અલગ-અલગ ૪ સ્થળે આયુષ્માન ભારત યોજના અંતર્ગત કાર્ડ કાઢી આપવા માટેની કામગીરી ચાલી રહી છે. દરમિયાન આજે સવારે અટીકા વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના નારાયણનગર આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે અચાનક આયુષ્માનનું સર્વર બે કલાક માટે ઠપ્પ થઈ જતા અરજદારોમાં ભારે દેકારો બોલી ગયો હતો. દરમિયાન રવિવારે યોજાનારા મેગા કેમ્પમાં સર્વર ઠપ્પ થવાની સમસ્યા ઉભી ન થાય તે માટે આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકરે સીએમ કાર્યાલય ખાતે લેખિતમાં રજુઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.