Abtak Media Google News

ધર્મની શરૂઆત દાનથી થાય છે અને જરૂરતમંદોને રાહતરૂપ થવાની માનવસેવા, સમાજસેવા, પરોપકારી સેવા એજ સાચી પ્રભુ સેવા છે, એ જ સાચો માનવધર્મ છે એવી પ્રેરણા ગોંડલ સંઘાણી સંપ્રદાયનાં નાયક ગાદીપતિ પૂ.નરેન્દ્રમુની પાસેથી મેળવનાર મુંબઈનાં અજયભાઈ શેઠ અને બીનાબેન શેઠ પરિવાર તરફથી કોવીડની વર્તમાન વિકટભરી પરિસ્થિતિમાં અનેકવિધ સેવા કાર્યો ચાલી રહ્યા છે.

ગોંડલ સંઘાણી સંપ્રદાયનાં પંડિતરત્ન, પૂ.બેચરજી સ્વામીની પરંપરાનાં સુશિષ્ય તથા શ્રીમદ રાજચંદ્રનાં સંસાર પક્ષે માસીયાય ભાઈ બા.બ્ર.પૂ.નરેન્દ્રમુનિ ૨૪ જુલાઈ ૨૦૨૦નાં એમના કાળધર્મની દશમી પુણ્યતિથિ નિમિતે અજયભાઈ અને બીનાબેન પરિવારે વિવિધ સેવા કાર્યો માટે રૂા.૧૧ કરોડનાં માતબર અનુદાનનો સંકલ્પ કર્યો હતો. કોવિડની વર્તમાન અત્યંત વિષમ પરિસ્થિતિમાં માનવ સેવાનાં વિવિધ કાર્યો ત્રણ મહિના પહેલા જ શરૂ કરવાનું આ પરોપકારી પરિવારે નકકી કર્યું. આ નિર્ણય અનુસાર અનેક જગ્યાએ માનવ સેવાનાં અનેકવિધ કાર્યો જરૂરતમંદોને સહાયરૂપ થવા માટે ચાલી રહ્યા છે.

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આ સેવા કાર્યોની વ્યવસ્થા રાજકોટનાં શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ મારફત થઈ રહી છે. આ જૈન સંઘનાં પ્રમુખ હરેશભાઈ વોરા તરફથી મળેલી માહિતી મુજબ રાજકોટમાં ૧૬૦૦, ગોંડલમાં ૯૦૦ અને ભરૂચ પાસે નર્મદા કિનારે ગોરા આદિવાસી વિસ્તાર માટે ૨૫૦ એમ મળીને ૨૭૫૦ જેટલી અનાજ અને જરૂરી ખાદ્ય વસ્તુઓની કીટ જરૂરતમંદોને અપાયેલ છે. આ ઉપરાંત ૬૦૦ કીટ મુંબઈ મોકલાયેલ છે. બોલબાલા ટ્રસ્ટ તરફથી રાજકોટ અને આજુબાજુનાં વિસ્તારોમાં હજારો લોકો માટે જમાડવા માટેની જે વ્યવસ્થા ચાલી રહી છે તેમાં સાત દિવસ જમાડવાનો ખર્ચ અજયભાઈ અને બીનાબેન પરિવારે આપેલ છે.

હરેશભાઈ વોરાએ માહિતી આપ્યા મુજબ સંઘાણી સંપ્રદાયનાં ગુરૂભગવંતોનાં આશીર્વાદથી શ્રીમતી બીનાબેન અજયભાઈ શેઠ અત્યારની પરિસ્થિતિને અનુરૂપ સમગ્ર સૌરાષ્ટ્રમાં વધુ રાહત કાર્યો કરવાનું વિચારી રહ્યા છે જેની વ્યવસ્થા શીલીભદ્ર સરદાર નગર સ્થાનકવાસી જૈન સંઘ મારફત કરાશે. અજયભાઈ-બીનાબેન પરિવારનું ધ્યેય ચોતરફ ફેલાયેલ કોરોના વાયરસને કારણે જે ખુબ જ વિષમ પરિસ્થિતિ થઈ છે તેમાં આપણા સમાજનાં જરૂરતમંદોને તેમજ અવર્ણનીય ઉમદા સેવા કરનાર ડોકટર અને હેલ્થ વર્કરો પ્રત્યેની કૃતજ્ઞતા તરીકે તેઓને શકય પ્રમાણમાં સહાયરૂપ બનવાનું છે. હરેશભાઈ વોરાએ જણાવ્યા મુજબ અજયભાઈ-બીનાબેન પરિવાર તરફથી ગોંડલ સંઘાણી સંપ્રદાયનાં પ્રવર્તિની ચારિત્ર્ય જયેષ્ઠા મા સ્વામી બા.બ્ર.જયવિજયાજી મહાસતીજીની પુણ્ય સ્મૃતિમાં ગુરૂદેવ નમ્રમુનિની પ્રેરણાથી ઘણા સમયથી મા સ્વામી વિદ્યા સંપદા શિક્ષણ સહાય યોજના, મા સ્વામી સ્વરોજગાર સહાય યોજના, મા સ્વામી જીવદયા સહાય યોજના તેમજ મા સ્વામી વિકલાંગ સહાય યોજના ચાલે છે જેની વ્યવસ્થા પણ શ્રી શાલિભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ તરફથી થાય છે.

આ ઉપરાંત ગોંડલની શ્રી રામ સાર્વજનીક હોસ્પિટલનાં વિસ્તરણ માટે સહાય કરી છે. મા સ્વામીની સ્મૃતિ સદાય રહે એ માટે રૂપિયા નવ કરોડનું અનુદાન ખુબ જ ઉદારતાપૂર્વક આ પરોપકારી પરિવારે ઘણા સમય પહેલા કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.