Abtak Media Google News

દબાણ દૂર કરવાની મહાપાલિકાની શાહમૃગ નીતિથી કોઈનો ભોગ લેવાઈ જવાની ભિતી

સુરત મહાનગરપાલિકાની ગેરકાયદે દબાણ દૂર કરવા માટેની શાહમૃગ નીતિ કોઈ દર્દીનો ભોગ લે તેવી બની ગઈ છે. ચોટા બજારમાં ગઈકાલે બપોરે એકાદ વાહગ્યાની આસપાસ ૧૦૮ એમ્બ્યુલન્સ ગેરકાયદે દબાણમાં ફસાઈ ગઈ હતી. એમ્બ્યુલન્સ સતત સાયરન વગાડતી હોવા છતાં ગેરકાયદે દબાણ કરનારાઓએ એમ્બ્યુલન્સને જગ્યા આપવાની દરકાર લીધી ન હતા. ચોટા બજારમાં ગેરકાયદે દબાણમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ફસાઈ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયાં બાદ મ્યુનિ.ની ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરી સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે. સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં આવેલું ચોટા બજાર ગેરકાયદે દબાણ માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં મ્યુનિ.ની દબાણ કરવાની કામગીરી દિવસો સુધી નહીં કલાકો સુધી જ સફળ થાય છે. મ્યુનિ. તંત્ર દબાણ હટાવે તેના કલાકો બાદ ફરી દબાણ થઈ જતાં હોય છે.

પોલીસ અને મ્યુનિ. તંત્રની મીલી ભગતમાં દબાણ થતાં હોવાના અનેક આક્ષેપ થઈ રહ્યાં છે. ચોટા બજારમાં ગઈકાલે ( સોમવારે ) બપોરે એક દોઢ વાગ્યાના સમયમાં ૧૦૮ એમ્બ્યુલન્સ  આવી હતી પણ આ ગેરકાયદે દબાણની માયાજાળમાં ફસાઈ ગઈ હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રસ્તો આપવા માટે સતત સાઈરન વાગતી હતી પણ ગેરકાયદ દબાણ કરનારાઓ ધંધો કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા.

ગેરકાયદે દબાણ કરનારાઓએ બાંધેલા પ્લાસ્ટીક ઉપરાંત લગાવેલા ટેબલ એમ્બ્યુલન્સના રસ્તા પર અડચણ બની ગયા હતા. કેટલાક લોકોએ એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટેની કામગીરી કરી હતી પણ દબાણ કરનારાઓનું જોર વધુ હોવાથી તે ઝડપી થઈ શકી ન હતી.

ચોટા બજારના ગેરકાયદે દબાણમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ફસાઈ છે અને માંડ માંડ બહાર નિકળી શકે છે તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.