Abtak Media Google News

વેરા વળતર યોજના બે માસ લંબાવાઈ: વાંધા અરજીના નિકાલ માટે ૮૦ એન્જિનિયરોની ફૌજ ફિલ્ડમાં કાર્પેટ એરિયામાં અન્યાય થયાની લાગણી અનુભવતા અરજદારો પદાધિકારીઓને સીધા મળી શકશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ પ્રામાણિક કરદાતાઓને વેરામાં ૧૦ ટકા વળતર આપવામાં આવી રહ્યું છે. આ યોજના આગામી ૩૧મી મેના રોજ પૂર્ણ થઈ રહી છે. ચાલુ નાણાકીય વર્ષથી મહાપાલિકાએ કાર્પેટ એરિયા આધારીત આકારણીની અમલવારી શરૂ કરી હોય હજી લાખો કરદાતાઓને બીલ મળ્યા નથી. આવામાં કોઈપણ કરદાતા વળતર યોજનાનો લાભ લેવાથી વંચિત ન રહે તે માટે ૧૦ ટકા વેરા વળતર યોજના ૩૧ જુલાઈ સુધી એટલે કે બે માસ લંબાવવામાં આવી હોવાની જાહેરાત આજે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

તેઓએ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મકાન વેરાની આકારણીમાં સંપૂર્ણ પારદર્શકતા આવે અને વ્યકિત પોતે જ ટેકસની આકારણી કરી શકે તે માટે કાર્પેટ એરિયા બેઈઝની અમલવારી કરવામાં આવી છે. દર વર્ષે મિલકત વેરાના બીલ ઓગસ્ટ બાદ મોકલવામાં આવે છે પરંતુ ચાલુ સાલ નવા કરમાળખાની અમલવારી કરવામાં આવી હોય મિલકત માલિક સમય મર્યાદામાં વાંધા અરજી કરી શકે તે માટે પોસ્ટ ઓફિસ મારફત સ્પીડ પોસ્ટથી ૪ લાખ મિલકત ધારકોની બીલ મોકલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

જે અંતર્ગત આજસુધીમાં ૧.૮૦ લાખ કરદાતાઓને મિલકત વેરાના બીલ મોકલી દેવામાં આવ્યા છે. બાકીના અઢી લાખ બીલની બજવણી આગામી એક માસમાં કરી દેવામાં આવશે. કાર્પેટ એરિયા સામે વાંધા અરજીનો નિકાલ વહેલી તકે થાય તે માટે કાર્પેટ એરિયાની સર્વે કરનાર બે એજન્સીઓના ૬૦ એન્જીનીયરો અને તેના પર સુપરવિઝન માટે મહાપાલિકાના ૨૦ એન્જીનીયરો સહિત ૮૦ એન્જીનીયરોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

શકય તેટલા વધુ મિલકત ધારકો વેરા વળતર યોજનાનો લાભ લઈ શકે તે માટે ચાલુ વર્ષે વેરા વળતર યોજનાની મુદતમાં બે માસનો વધારો કરવામાં આવ્યો છે. ૩૧મી જુલાઈ સુધીમાં એડવાન્સ ટેકસ ભરનારને ૧૦ ટકા વળતર આપવામાં આવશે જયારે ૧ થી ૩૧ ઓગસ્ટ સુધીમાં ટેકસ ભરનારને ૫ ટકા વળતર અપાશે.

જો મિલકત મહિલા કરદાતા કે દિવ્યાંગ કરદાતાના નામે નોંધાયેલી હશે તો તેને વિશેષ ૫ ટકા વળતર આપવામાં આવશે. વેરા વળતર યોજના અંતર્ગત આજસુધીમાં કુલ ૧,૧૩,૬૧૮ મિલકત ધારકોએ કોર્પોરેશનની તિજોરીમાં ૪૭.૨૮ કરોડ ઠાલવી દીધા છે. જો કાર્પેટ એરિયામાં જો કોઈ મિલકત ધારકને અન્યાય થયાની લાગણી ઉભી થશે તો તે ડાયરેક અધિકારીઓને-પદાધિકારીઓને રજુઆત કરી શકશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.