Abtak Media Google News

પોતાની બહેનના ઘરે સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાધો’તો: મૃતક વ્યાજ વટાવનો  વ્યવસાય કરતો’તો

રાજકોટમાં ગત ૮મીના રોજ પોતાની બહેનના ઘરે ગળાફાસો ખાઇ નાગેશ્રીના યુવાને જીવન ટુંકાવ્યા બાદ નાગેશ્રી પોલીસ મથકના સ્ટાફે મૃતકના ઘરેથી રૂ. ૧.૫૬ કરોડના સોના, ચાંદીના દાગીના  કબ્જે કરતાં આત્મહત્યામાં નવો વળાંક આવ્યો છે. મૃતક નાગેશ્રી વિસ્તારમાં મોટા પાયે વ્યાજનું નેટવર્ક ચલાવતા હોવાનું જાણવા મળતા અને પોલીસના હાથે આવેલી સ્યુસાઇડ નોટના આધારે અને વ્યાજખોરના નામ ખુલ્યાની શંકાએ પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.

અમરેલી પોલીસ દ્વારા મૃતકના ઘરે તપાસ કરવામાં આવતા આઠ જેટલા કોથળામાં રૂ. ૧,૫૬,૪૧,૮૦૦ ના સોના ચાંદીના દાગીનાનો જથ્થો મળી આવતા ભારે ચકચાર જાગી ગઇ છે. પોલીસે પંચોની રૂબરૂમાં દાગીનાનો જથ્થો જપ્ત કરી કોર્ટ હવાલે કરવા કાર્યવાહી હાથ ધર્યાનું એસ.પી. નિર્લિપ્તરાયે જણાવ્યું હતું.

નાગેશ્રી ગામના વજુ શેઠના પુત્ર હિતેશ  વજુભાઇ ગોરડીયા નામના શખ્સે લોક ડાઉનમાં રાજકોટ ખાતે પોતાના બહેનની ઘરે બાથરૂમમાં ફુવારા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. પોલીસને પ્રાથમીક તપાસમાં વ્યાજનાં ચક્રમાં ફસાયેલા હોવાથી આત્મઘાતી પગલુ ભર્યાનું જાણવા મળેલું હતું. આ શખસ ઓછા વ્યાજે પૈસા લઇ દાગીના ઉપર વધુ વ્યાજે પૈસા આપતાો હોવાની ચર્ચા થઇ રહી હતી.

આધેડનાં આપઘાત પાછળની તપાસમાં અમરેલી પોલીસ દ્વારા પંચોની રૂબરૂમાં બે દિવસ પહેલા તેમના ઘરની તલાસી લેવામાં આવી હતી. પોલીસ તપાસમાં તેમના ઘરેથી આઠ જેટલા કોથળામાંથી કિલો મોઢે સોના ચાંદીના દાગીના મળી આવતા પોલીસ પણ આશ્ર્ચર્યમાં મુકાઇ ગઇ હતી. તમામ દાગીનાની ગણતરી કરવામાં આવેલ હતી. એસ.પી. નિર્લિપ્ત રાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પંચોની રૂબરૂમાં મળેલા તમામ રૂ. ૧.૫૬ કરોડના દાગીના કોર્ટ હવાલે કરવામાં આવશે. આપઘાત કરનારા આધેડના ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાનો  આટલો મોટો જથ્થો ઝડપાતા ભારે ચકચાર જાગી હતી. આ દાગીના કોના છે? કેવી રીતે મૃતક પાસે આવેલ છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મૃતક હિતેશભાઇ ગોરડીયાએ વ્યાજખોરના ચક્રમાં ફસાઇ જતા આપઘાત કર્યાનું પ્રાથમીક તારણ જાણવા મળ્યું છે. મૃતકે જીવન ટુંકાવતા પહેલા જ સ્યુસાઇડ નોટમાં સાત શખ્સોના નામનો ઉલ્લેખ કર્યાનું જાણવા મળી રહ્યું છે. પોલીસેે મૃતકના નાગેશ્રીના ઘરેથી રૂ. ૧.૫૬ કરોડના દાગીના જપ્ત કર્યા છે જયારે રાજકોટના યુનિવર્સિટી પોલીસે આપઘાતની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.