Abtak Media Google News

ડબલ સ્વારી બાઈકમાં આવેલા શખ્સોએ ત્રણ રાઉન્ડ ફાયર કર્યા: ગૌરક્ષકે જીવ પર જોખમ હોવાની અરજી કરી ‘તી

મોરબીમાં  ધોળા દિવસે ગૌરક્ષકની કાર ઉપર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. જેમા બે અજાણ્યા શખ્સોએ બાઇક પર ધસી આવીને ગૌ રક્ષકની કાર પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. આ બનાવને પગલે ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઈને તપાસ આદરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના પીપળી નજીક નિરાધાર ગૌ શાળા પાસે ગૌરક્ષક દિનેશભાઇ લોરીયા પોતાની સ્કોર્પિયો કારમાં બેઠા હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ બાઇક ઉપર ધસી આવી કાર પર અચાનક જ ત્રણ રાઉન્ડ ફાયર કરીને નાશી છૂટયા હતા.

ગોળીના અવાજથી આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાના પગલે લોકોના પણ ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. કાર પર ફાયર કરાયેલી એક ગોળી કાચ પર તેમજ બીજી ગોળી સીટમા વાગી હતી. સદનસીબે આ ઘટનામાં ગૌરક્ષક દિનેશભાઇ લોરીયાનો આબાદ બચાવ થયો હતો.

ધોળે દિવસે થયેલી આ ફાયરિંગની ઘટનાની જાણ થતા ડીવાયએસપી, એલસીબી, બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના આધારે તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનિય છે કે ૧૫ થી ૨૦ દિવસ પૂર્વે ગઈ રક્ષક દિનેશભાઇ લોરીયાએ પોતાના જીવ પર જોખમ હોવાની અરજી બી ડિવિઝનને આપી હતી. આ અરજી બાદ તેમના પર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને  ફાયરિંગ મામલે એફએસએલની મદદ પણ લેવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.