Abtak Media Google News

ખેડૂતોની રોજીંદી આવક ખેત મજૂરો કરતા પણ ઓછી!: કેન્દ્રના આંકડા

ગુજરાતના ખેડૂતોના વિકાસની વાતો વચ્ચે શોષણની વરવી વાસ્તવિકતા સામે આવી છે. કેન્દ્ર સરકારના એગ્રીકલ્ચર વિભાગના આંકડા અનુસાર ગુજરાતના ખેડૂતોની સરેરાશ માસીક આવક માત્ર રૂ.૭૯૨૬ છે. આ આવક પંજાબના ખેડૂતોની આવક (રૂ.૧૮૦૪૯) કરતા માત્ર ૪૦ ટકા જ છે.

આશ્ર્ચર્યજનક બાબત એ છે કે, ગુજરાતના ખેડૂતોની આવક તાલીમ વગરના ખેત મજૂરોની આવક કરતા પણ ઓછી છે. ખેત મજૂરોની સરેરાશ રોજીંદી આવક રૂ.૩૪૧ છે. જયારે ગુજરાતના ખેડૂતોની આવક માત્ર રૂ.૨૬૪ છે. કેન્દ્રના આંકડા અનુસાર ગુજરાતના ૩૯.૩૦ લાખ ખેડૂત પરિવારો વાર્ષિક રૂ.૧ લાખથી પણ ઓછી આવક ધરાવે છે. સિંચાઈની અપુરતી સગવડોના પરિણામે રાજયનો ખેડૂત ગરીબ બનતો જતો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.

નિષ્ણાંતોના મત અનુસાર ગુજરાતના ૮૫ ટકા ખેડૂતો નાના અથવા માર્જીનલ હોવાના કારણે તેમની આવક ઓછી જણાય છે.

નાના અને માર્જીનલ ખેડૂતોમાં બે હેકટરથી ઓછી જમીન હોય તેમનો સમાવેશ થાય છે. મધ્યમ કક્ષાના ખેડૂતોની આવકમાં પણ વધારે નથી. તેમણે જાહેર કરેલી આવક અનુસાર ૫૦ ટકા મધ્યમ ખેડૂતોની આવક ૭૯૦૦થી પણ ઓછી છે.

ભાવનગરના ખેડૂત ઘનશ્યામ પટેલના મત અનુસાર હેકટર દીઠ ઉત્પાદન પણ ઘટી ગયું છે. ઉપરાંત અનેક ખેડૂતોને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. ઉંઝા એગ્રીકલ્ચર પ્રોડકટસ માર્કેટના ચેરમેન ગૌરાંગ પટેલના અનુસાર ખેડૂતોએ હવે ઋતુ અનુસાર વિવિધ પાક લેવા જોઈએ. આ ઉપરાંત જમીનની ઉત્પાદકતાને સમજીને વાવેતર કરવું જોઈએ. ખેડૂતોએ નવી પધ્ધતિ વાપરવી જોઈએ તેવો મત તેમણે વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.