Abtak Media Google News

તાતા, રિલાયન્સ, જેએસડબલ્યુ અને મેનકાઈન્ડે સહિતના ઔદ્યોગિક જગતના આગેવાનોએ દાનની સરવાણી વહાવી

કોરોના વાયરસના કહેર સામે લડવા સરકાર મક્કમતાથી પગલા લઈ રહી છે. જો કે, વાયરસના કારણે ૨૧ દિવસના લોકડાઉનના પગલે સરકારને આર્થિક નુકશાનનો સામનો કરવો પડે છે. લાખો લોકોની રોજીરોટીને નુકશાન થયું છે. આગામી સમયમાં વાયરસનો ફેલાવો વધશે તો હજ્જારો લોકોના મોતની દહેશત સેવાઈ રહી છે. આવા કપરા સંજોગોમાં ભારતમાં દાનની સરવાણી અવિરત ફૂટી રહી છે. ઉદ્યોગપતિઓ, કલાકારો અને રમત-ગમત ક્ષેત્રના પ્રતિનિધિઓ દ્વારા દાન આપવામાં આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ વડાપ્રધાન રાહતનિધિમાં રૂ.૧૦૦ કરોડનું દાન આપવાની જાહેરાત કરી હતી.

તાજેતરમાં તાતા ગ્રુપ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અન્ય કોર્પોરેટ દ્વારા કોરોના વાયરસ સામે લડવા ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું હતું. જેમાં અદાણી પણ જોડાઈ ગયા છે. પીએમ કેર ફંડમાં તેઓ ૧૦૦ કરોડનો હિસ્સો આપશે અને આગામી સમયમાં જરૂર હશે તો વધુ ફંડ આપવાની તૈયારી અદાણી દ્વારા દર્શાવવામાં આવી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે, શનિવારે તાતા સન્સ અને તાતા ટ્રસ્ટ દ્વારા રૂ.૧૫૦૦ કરોડના દાનની જાહેરાત થઈ હતી. ત્યારબાદ જેએસડબલ્યુ ગ્રુપ દ્વારા પણ ૧૦૦ કરોડના દાનની તૈયારી દર્શાવાઈ હતી. આવી રીતે ભારતમાં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની ક્ષમતા મુજબ દાન આપ્યું છે. મેનકાઈન્ડ ફાર્મા દ્વારા પણ રૂ.૫૧ કરોડના દાનની જાહેરાત થઈ હતી. તેઓ દિલ્હીના સીએમના રિલીફ ફંડમાં દાન આપશે. દરેક રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાહત ફંડ પોર્ટલ તૈયાર કરાયું છે જેમાં વ્યક્તિ દાન આપી શકે. વડાપ્રધાન મોદી પણ દાન માટે લોકોના પ્રયાસોને આવકારી રહ્યાં છે.

નાણા નહીં ભાવના મોટી: રૂ.૫૦૧ આપનારને મોદીએ બિરદાવ્યા

વડાપ્રધાન રાહત ફંડમાં રૂ.પ૦૧નો ફાળો આપનાર એક વ્યકિતને વડાપ્રધાન નરેન્દૃ મોદીએ ટવીટ કરી જણાવ્યું છે કે આ રકમ નાની નથી, દેશ પર આવી પડેલી આ આફતની ઘડીમાં સરકારને મદદ કરવાની ભાવના મોટી છે. સૈયદ અતાઉર રહેમાન નામના એક નાગરિકે વડાપ્રધાન રાહતફંડમાં રૂ.પ૦૧નું યોગદાન આપી લખ્યું કે મારૂ આ નાનું યોગદાન સ્વીકારજો અને દેશના ઉપયોગમાં લેજો. તેણે સોશિયલ મીડિયામાં તેની પહોંચ શેર કરી. તેના આ પગલાને આવકારી વડાપ્રધાને જે  જવાબ આપ્યો તે બહુ મહત્વનું છે. વડાપ્રધાને જણાવ્યું કે ગમે તેટલું દાન નાનું કે મોટું હોતું નથી દરેકનું વ્યકિતગત દાન મહત્વનું છે. તમારો આ પ્રયાસ જ બતાવે છે કે આપણે સામુહિક પ્રયાસથી જ કોરોના વાયરસ જેવી  જીવલેણ બિમારીને હરાવી શકીશું.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત ૨૫ હજાર લોકોની વ્હારે ‘ભાઈજાન’

સમગ્ર વિશ્ર્વમાં જે રીતે કોરોનાનો કહેર વ્યાપી ઉઠયો છે ત્યારે વિશ્ર્વભરમાં લોકડાઉનની સ્થિતિ પણ સર્જાઈ છે. આ તકે જે દરરોજનું કમાય અને દરરોજનું ખાનાર લોકોને લોકડાઉન સૌથી વધુ અસરકર્તા સાબિત થયું છે. ધંધા-રોજગાર ઠપ્પ થઈ જતા તેઓ માટે પ્રશ્ર્ન એ પણ ઉદભવિત થયો છે કે, શું કમાવવું અને શું ખાવું.

આ પરિસ્થિતિ ભારતમાં અત્યંત ગંભીર રીતે જોવા મળી રહી છે ત્યારે બોમ્બે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેઈલી વેજીસ ઉપર કામ કરતા ૨૫ હજાર લોકોને આર્થિક સહાય આપવા માટે સલમાન ખાને તૈયારી દેખાડી છે. આ તકે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયઝ દ્વારા જણાવ્યા મુજબ સલમાન ખાનનું બીંગ હ્યુમન ફાઉન્ડેશન લોકડાઉનનાં સમયમાં રોજગારીથી વંચિત રહેલા ૨૫ હજાર લોકોની આર્થિક સહાય કરશે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કુલ ૫ લાખ જેટલા લોકો કામ કરી રહ્યા છે જેમાના ૨૫ હજાર લોકો એવા છે કે, લોકડાઉનની સ્થિતિ સર્જાતા તેમની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે જેના માટે સલમાન ખાને તે તમામ લોકોની બેંક ડિટેઈલ મંગાવી છે અને તે સર્વેને આર્થિક સહાય મળી રહે તે માટે તેમના ખાતામાં સીધા જ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારે બાકી રહેતા ૪.૭૫ લાખ લોકો એક માસ સુધી આર્થિક રીતે ટકી રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

એફડબલ્યુઆઈસીઈનાં પ્રેસીડેન્ટ બી.એન.તિવારીએ જણાવ્યું હતું કે, આ તમામ લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે દિશામાં હાલ ચર્ચા અને વિચારણા કરવામાં આવી રહી છે.  તિવારીનાં જણાવ્યા અનુસાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૧૭ લોકોને તેઓએ મેસેજ મારફતે અપીલ કરી છે કે તેઓ આ તમામ લોકોની વ્હારે આવી તેઓની મદદ કરે. ગત અઠવાડિયામાં કરન જોહર, તાપસી પન્નુ, આયુષ્યમાન ખુરાના, કયારા અડવાણી, રકુલપ્રિતસિંગ, સિઘ્ધાર્થ મલ્હોત્રા જેવા ફિલ્મી કલાકારોએ આગળ આવી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મદદ કરી હોવાનું પણ સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.